આ શહેરમાં તિલક વગર ખૈલેયાઓને પ્રવેશ મળશે નહીં, ગરબા ગ્રાઉન્ડ બહાર બેનરો લાગ્યા

PC: twitter.com

આજથી એટલે કે રવિવાર 15 ઓકટોબરથી નવલી નવરાત્રિનો પ્રારંભ થઇ ચૂક્યો છે અને ખૈલેયાઓમાં 24 ઓકટોબર સુધી ગરબા રમવાનો થનગનાટ પણ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ફરી એકવાર ગરબાના સ્થળે  જગ્યાઓ પર તિલક વગર પ્રવેશ નહીં મળે તેવા બેનરો લાગ્યા છે. 

ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કહ્યું હતું કે, વડોદરના ડભોઇમાં ગઢભવાની કલ્ચર ગ્રુપ દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેલૈયાઓએ તેમના કપાળ પર ફરજિયાત તિલક લગાવવું પડશે. તિલક હશે તો પ્રવેશ મળશે. ડભોઇમાં ગઢ ભવાની માતાનું 850 વર્ષ જુનુ મંદિર છે અને અહીં મોટા ગરબા થાય છે.

ભાજપના કલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પણ કહ્યું છે કે નવરાત્રિમા ગરબા તો સનાતન ધર્મની પરંપરા પ્રમાણે જ ઉજવાવવા જોઇએ.

વિશ્વ હિંદુ પરિષદના ગુજરાતના મહામંત્રી અશોક રાવલે કહ્યું છે કે, નવરાત્રિ હિંદુ ધર્મનો તહેવાર છે અને અન્ય ધર્મના લોકોએ તેમાં ચંચૂપાત ન કરવો જોઇએ. તેમણે કહ્યું કે નવરાત્રિમાં લોકો માતાજીની પૂજા કરે છે અને શ્રધ્ધા રાખે છે. કેટલાંક લોકો ગરબામાં આવી જાય છે અને બહેન દીકરીઓ સાથે પછી લવ-જેહાદ જેવા સવાલો ઉભા થાય છે. ગરબામાં તિલક લગાવીને જ જવું જઇએ અને દરેકના આઇ ડી કાર્ડ ચેક કર્યા પછી જ પ્રવેશ અપાવવો જોઇએ.

ભાજપના નેતાઓના તિલક લગાવવાના નિર્ણય સામે રાજકારણ પણ શરૂ થઇ ગયું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું કે, તિલક લગાવીને પ્રવેશ મળવાના આ નિર્ણયને હું વખોડું છું. ગરબામાં તિલક લગાવવાની કોઇ જરૂર નથી. જો કે, તેમણે એમ પણ કહ્યુ કે, નવરાત્રિમાં અસમાજિક તત્વો ઘુસી ન જાય તેનું તંત્રએ ધ્યાન રાખવું પડશે. મકવાણાએ કહ્યું કે ભાજપે ગરબા આયોજનના સ્થળે હાર્ટએટેક વિશે તકેદારી રાખવાની જરૂર છે.

તો કોંગ્રેસના ધારાસભ્ય અને દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાએ કહ્યુ હતું કે, નવરાત્રિમાં દેખાડો નહી, પરંતુ શ્રધ્ધા હોવી જોઇએ. શાસ્ત્રો કે નીતિ નિયમો ભાજપ નક્કી કરી શકે નહીં. જેમને જે રીતે ગરબા રમવા હોય તે રીતે રમે. મોઢવાડિયાએ ભાજપ નેતાના તિલક લગાવવાના નિર્ણય અંગે કહ્યું હતું કે, આવા લોકોનો જન્મ હમણાં જ થયો છે અને તે પણ રાજનીતિ કરવા માટે, ધર્મ માટે થયો નથી. આખા ગુજરાતે ગરબા કરવા જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp