GETCOના અધિકારીઓનો વધુ એક ઝટકો, જાણો હવે શું કરી નાખ્યો કાંડ

PC: getco.co.in

GETCOની પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ અધિકારીઓએ તમામ નીતિ નિયમો નેવે મૂકી દીધા હોય તેવો પર્દાફાશ થયા બાદ અડધો ડઝન અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, ત્યારબાદ પણ તંત્ર સુધરવાનું નામ લેતું ન હોય તેમ લાગી રહ્યું છે. GETCOના અધિકારીઓએ વધુ એક કાંડ કરીને 43 વર્ષીય ઉમેદવારનું કોલલેટર કાઢ્યું હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે.

આ અગાઉ પણ GETCOના પોલ ટેસ્ટ લેનારા ઉચ્ચ અધિકારીઓના કારણે ઉમેદવારોનું એક વર્ષ બગડ્યું હતું અને જો આવા જ કોલલેટર વધારે નીકળ્યા હશે તો આગામી દિવસોમાં ફરી હાહકાર મચશે અને ફરી ભરતી પ્રક્રિયા વિવાદમાં આવશે અને કદાચ ફરી એક વખત ભરતી રદ્દ કરવી પડે તો તેનો ભોગ ઉમેદવારો જ બનશે. GETCO દ્વારા વિદ્યુત સહાયકની ભરતી માટે કરેલી જાહેરાતમાં જનરલ કેટેગરી માટે મહત્તમ વય મર્યાદા 35 વર્ષની હતી અને SC/ST કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદા 40 વર્ષની રાખવામાં આવી હતી.

અગાઉ થયેલી ભરતી પ્રક્રિયા 19 ડિસેમ્બરે રદ્દ કરવાની જાહેરાત બાદ પોલ ટેસ્ટ માટે 28 અને 29 ડિસેમ્બરની નવી તારીખ જાહેર કરવામાં આવી હતી અને તે મુજબ હાલમાં પોલ ટેસ્ટ ચાલી રહી છે ત્યારે મહિસાગરના સંતરામપુર તાલુકાના પડેડી અડોરના એક ઉમેદવારની ઉંમર હાલમાં 43 વર્ષની હોવાની વાત તેના કોલલેટર ઉપરથી સામે આવી છે. જૂનાગઢ ઝોનમાં ગુરુવારથી પોલ ટેસ્ટ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે બે મંડપ ઊભા કરીને 3 સર્કલ માટે ઉમેદવારોની પોલ ટેસ્ટ લેવા આજુ-બાજુમાં માત્ર 5-6 ફૂટના અંતરે આવેલા પોલ પર પરીક્ષા લેવાઈ હતી.

આ વખત વ્હિસલ વગાડે એટલે પોલ ઉપર ચડવાનું અને વ્હિસલ વગાડે એટલે પોલ પરથી ઉતરવાનું તેવો નિયમ લાગૂ કરાયો હતો, પરંતુ 2 પોલ નજીક-નજીકમાં આવેલા હોવાથી અને તેના ઉપર અલગ-અલગ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા હોવાથી વ્હિસલ ક્યાંથી વાગી તે પોલ પર ચડી કે ઉતરી રહેલા ઉમેદવારને કેવી રીતે ખબર પડે, તે અસમંજસમાં હતા. 6 માર્ચ 2023 અને 13 માર્ચ 2023ના રોજ પોલ ટેસ્ટ લેવામાં આવી હતી અને તેમાં પાસ થનારા ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.9 સપ્ટેમ્બર 2023ના રોજ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં લેવામાં આવી હતી.

પોલ ટેસ્ટમાં ક્ષતિ જણાતા 19 ડિસેમ્બર 2023ના રોજ ભરતી પ્રક્રિયા રદ્દ કરીને નવેસરથી પ્રક્રિયા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 28 અને 29 ડિસેમ્બરના રોજ પોલ ટેસ્ટ અને તા 7 જાન્યુંઆરીના રોજ લેખિત પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જે ઉમેદવારોએ અગાઉ અમદાવાદમાં લેખિત પરીક્ષા આપી છે તેમની પરીક્ષા લેવામાં નહી આવે. જ્યારે અગાઉ પોલ ટેસ્ટમાં નાપાસ થયા હોય અને હવે પાસ થયા હોય તેવા ઉમેદવારો જો પોલ ટેસ્ટમાં પાસ થાય છે તો તેમને લેખિત પરીક્ષા આપવાની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp