ગુજરાતમાં નકલી ટોલ પ્લાઝા અંગે રસપ્રદ ખુલાસો, રૂ.110ને બદલે માત્ર રૂ.10 લેતા હતા

PC: deshgujarat.com

ગુજરાતમાં ઘણા વર્ષોથી નકલી ટોલ પ્લાઝા ચાલતો હતો. 4 ડિસેમ્બરે ગુજરાત પોલીસે આ મામલે ફરિયાદ નોંધી હતી. હવે આ મામલે રસપ્રદ ખુલાસો થયો છે. ગુજરાતમાં વાંકાનેરથી મોરબી જતી વખતે બે ટોલ પ્લાઝા આવતા હતા. એક અસલી અને એક નકલી. વાસ્તવિક એક કે જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)નો સત્તાવાર ટોલ પ્લાઝા. અહીં કાર માટે 110 રૂપિયાનો ટોલ છે. આ કિંમત વાહનમાં વ્હીલ્સની સંખ્યાના આધારે વધે છે. અન્ય વાહનો માટે તે રૂ.380 થી રૂ.720 સુધી વધારતા હતા.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, કેટલાક લોકો આ વાસ્તવિક ટોલ પ્લાઝાથી 600 મીટર દૂર ઉભા રહેતા હતા. આ લોકો ત્યાંથી પસાર થતા લોકોને નકલી ટોલ પ્લાઝા પરથી જવાનું કહેતા હતા. ઘણા લોકોએ તેમની વાત સ્વીકારી પણ લીધી. કારણ એ હતું કે, જો કોઈ નકલી ટોલ પ્લાઝા પરથી પસાર થાય તો ઓછા પૈસા ચૂકવવા પડતા હતા. નકલી ટોલ પ્લાઝા પરથી પસાર થવા માટે કાર માટે 10 રૂપિયા અને ટ્રક માટે 50 રૂપિયા ચૂકવવા પડતા હતા. જે વાસ્તવિક ટોલ પ્લાઝા કરતાં ઘણું સસ્તું હતું. તેમજ આરોપી લોકોને કહેતા હતા કે, આ પૈસા ગામમાં મંદિર બનાવવા માટે વાપરવામાં આવશે.

રિપોર્ટ અનુસાર, આ નકલી ટોલ પ્લાઝામાંથી પસાર થવા માટે 2 કિલોમીટરનો ફેર પડતો હતો. 2 કિલોમીટરનો ચકરાવો લીધા પછી, વાહનો વાંકાનેરથી મોરબીની હાઇવે પર પાછા આવી જતા હતા. સાથે જ મોરબીથી વાંકાનેર જતી વખતે માત્ર 200 મીટરનો ચકરાવો લેવો પડતો હતો.

આ કેસમાં 4 ડિસેમ્બરે વાંકાનેરના વઘાસિયા ગામના પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓમાં વઘાસિયા ગામના સરપંચ અને તેના ભાઈનો પણ સમાવેશ થાય છે. તેમની સામે વાંકાનેર ટાઉન પોલીસ સ્ટેશનમાં ખંડણી અને ફોજદારી ધમકી સહિત IPCની કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે.

FIRમાં વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલાનું નામ છે. તેમની પત્ની વાંકાનેર તાલુકા પંચાયતમાંથી BJPના સભ્ય છે અને ગયા સપ્ટેમ્બર સુધી તેના પ્રમુખ હતા. FIRમાં ધર્મેન્દ્ર સિંહના ભાઈ યુવરાજ સિંહ ઝાલા ઉપરાંત અમરશી પટેલ ઉર્ફે અમરશી વંશજાલિયાનું નામ પણ સામેલ છે. અમરશીનો પરિવાર એક બંધ પડેલી ટાઈલ્સ ફેક્ટરી ધરાવે છે. આ સમગ્ર મામલે આ ફેક્ટરીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય બે આરોપીઓ રવિરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ ઝાલા છે. પોલીસના જણાવ્યા અનુસાર અમરશી સિવાય તમામ આરોપીઓ વઘાસિયા ગામના રહેવાસી છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ હાલ તમામ આરોપીઓ ફરાર છે. નકલી ટોલ પ્લાઝા બંધ થયા પછી, NHAI ટોલ બૂથ પરથી પસાર થતા વાહનોની સંખ્યા અને દૈનિક વસૂલાતમાં વધારો થયો છે. NHAI ટોલ પ્લાઝાનું દૈનિક કલેક્શન 15 લાખ રૂપિયાથી વધીને 20 લાખ રૂપિયા થઈ ગયું છે. અગાઉ લગભગ 7 હજાર વાહનો અહીંથી પસાર થતા હતા જે હવે વધીને 8500 થઈ ગયા છે.

આરોપીઓએ નકલી ટોલ બૂથ પાસેથી પસાર થતો રોડ પણ બનાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp