DGP રાહ જોવે છે કે હજી થોડા પોલીસ અધિકારી સ્યૂસાઇડ કરે પછી આપણી માનસિકતા બદલીશું

PC: youtube.com

ગુજરાતમાં વર્ષે ઓછામાં ઓછા ત્રણ નાના મોટા પોલીસ અધિકારીઓ કામ અને પારિવારીક તણાવના કારણે આત્મહત્યા કરી લે છે. આવી ઘટના ઘટે ત્યારે સિનિયર પોલીસ નાના કર્મચારીઓનું તનાણ ઘટે તેવા પગલા લેવામાં આવશે અને અઠવાડિક રજા આપવામાં આવશે, તેવી જાહેરાત કરે છે, પણ આ બધુ સ્મશાન વૈરાગ્ય જેવું હોય છે. બધુ સામાન્ય થઈ જાય પછી નાના પોલીસ અધિકારીઓના તનાણ સામે કોઈ ધ્યાન આપતુ જ નથી.

ગત વર્ષે વડોદરા અને અમદાવાદના પોલીસ સબઇન્સપેક્ટરે પોતાના માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. થોડા દિવસ પહેલા અમદાવાદના કોટડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરે પોલીસ અધિકારીઓને વોટ્સઅપ ગ્રુપમાં રજા નહીં મળતી હોવાને કારણે તે આત્મહત્યા કરી રહ્યા છે, તેવું જણાવ્યું હતું. રોજના પંદર કલાક કામ કરતા પોલીસ કર્મચારીઓને વાર-તહેવારે તો રજા તો મળતી નથી, પણ પોલીસ બીમાર પડે તો પણ તેમને રજા લેવાનો હક્ક નથી તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. આસિસ્ટન્ટ પોલીસ સબઇન્સપેક્ટરથી નીચેના કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને શનિ-રવિની રજાનો સરકાર પગાર આપે છે, જેના કારણે સરકાર અને સિનિયર અધિકારીઓ માને છે કે તેમની નૈતિક જવાબદારી પૂરી થઈ ગઈ છે.

પ્રત્યેક રજાના દિવસે કામ કરતો પોલીસવાળો ઘરે કોઈ સારા માઠો પ્રસંગ હોય અથવા તે બીમાર પડે તો પણ તેને રજા આપવામાં આવતી નથી. જ્યારે આસિસ્ટન્ટ પોલીસ સબઇન્સપેક્ટર-સબઇન્સપેક્ટર અને પોલીસ ઇન્સપેક્ટરને તો રજાનો પગાર પણ આપવામાં આવતો નથી, છતા તેઓ રજા લેવાના હક્કદાર નથી. જ્યારે તેમની ઉપરના તમામ અધિકારીઓ શનિ-રવિની રજા સહિત તમામ જાહેર રજાઓના દિવસે પરિવાર સાથે રહે છે. પણ તેઓ અપેક્ષા અને આગ્રહ રાખે છે કે તેમના તાબાનો તમામ સ્ટાફ ફરજ ઉપર 365 દિવસ હાજર રહે.

આમ નાના પોલીસ અધિકારીઓ રજાની માગણી કરે, ત્યારે તેમને વિવિધ કારણ આપી સિનિયર રજા આપતા નથી, જેના કારણે પોલીસ સબઇન્સપેક્ટર અને ઇન્સપેક્ટર કક્ષાના અધિકારીઓ કંટ્રોલરૂમને ફોન કરી પોતાની બીમારીનું કારણ આપી બીમારીની રજા ઉપર ઉતરી જાય છે. ગુજરાત પોલીસમાં કામ કરતા પોલીસ ઇન્સપેક્ટરોની રજાની યાદી કાઢવામાં આવે તો તેમને મળવાપાત્ર એક પણ રજા તેમણે લીધી હોય તેવુ ભાગ્યે જ જોવા મળશે, પરંતુ તમામ પોલીસ ઇન્સપેક્ટરો માંદગીના નામે જ રજા લીધી હશે. સિનિયર અધિકારીઓ રજા નહીં આપતા હોવાને કારણે ઇન્સપેક્ટરો બીમારીના નામે જ રજા લે છે.

પરંતુ સિનિયર પોલીસ અધિકારીઓ બીમારીની રજા લેનારા ઇન્સપેક્ટરોને હવે ગુજરાત પોલીસ એક્ટ 145ની નોટિસ આપી રહ્યા છે. આ નોટિસમાં આદેશ કરવામાં આવે છે કે તમે તમારા ફરજના સ્થળે હાજર થઈ જાવ. આમ એક ઇન્સપેક્ટર જ્યારે કહે કે હું બીમાર છું તો તેને ફરજ ઉપર હાજર થઈ જવાની નોટિસ મળે. 145ની નોટિસની જોગવાઈ પ્રમાણે બે વખત આ પ્રકારની નોટિસ આપ્યા પછી બીમાર પોલીસ અધિકારી સામે ગુનો નોંધવાની જોગવાઈ છે. આમ ગુજરાત પોલીસમાં તે ફરજ બજાવતા હોવ અને બીમાર પડશો તો ગુનો નોંધવામાં આવશે તે નક્કી છે.

ગુજરાતના DGP તરીકે શીવાનંદ ઝા આવ્યા પછી તેમમે નાના પોલીસ અધિકારીઓને રાહત થાય તેવા અનેક નિયમોમાં ફેરફાર કર્યો છે, પરંતુ આ રાહતો બધી કાગળ ઉપર રહી ગઈ છે. બહુ ઓછા IPS અધિકારીઓ પોતાના સ્ટાફની પીડાને સમજી શકે છે. ખરેખર હજી વધુ પોલીસ અધિકારીઓ આત્મહત્યા કરે, તે પહેલા DGPએ સિનિયરોની માનસિકતા બદલવા માટે ક્લાસ લેવાની જરૂર છે.

(પ્રશાંત દયાળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp