તે જમીન સંપાદન કરવાની એક રીત છે, મંદિર બચાવવા આવેલા લોકોને HCએ ફટકાર લગાવી

PC: rightnewsindia.com

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારના કેટલાક લોકો ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળના રોડ પહોળો કરવા માટે ડિમોલિશનની કાર્યવાહીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા હતા અને મંદિરનું ડિમોલિશન ન કરવાની વિનંતી કરી હતી. અરજી પર સુનાવણી કરતી વખતે ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે કહ્યું કે, મંદિર બનાવવું એ પણ દેશમાં સરકારી જમીન પર કબજો કરવાનો એક માર્ગ છે. તેમણે કહ્યું, 'આ રીતે લોકો દરેકને ઈમોશનલી બ્લેકમેલ કરે છે. ભારતમાં, સરકારી જમીન પર કબજો કરવા માટેનો એક સરળ રસ્તો મંદિર બનાવી દેવાનો છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, અમદાવાદમાં આવેલા ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા 93 પરિવારોએ રસ્તાના નિર્માણનો વિરોધ કરતી અરજી દાખલ કરી છે. સિંગલ જજ કોર્ટમાં અરજી ફગાવી દેવામાં આવ્યા પછી પણ તેમણે ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખાતરી આપી હોવા છતાં કે, કોઈ ઘર તોડી પાડવામાં આવશે નહીં, અરજદારોએ સૂચિત રોડ બનાવવામાં મંદિર તોડવાથી બચાવી લેવાની માંગ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે, સમગ્ર સમુદાયની ભાવનાઓ તેની સાથે જોડાયેલી છે અને દરેકે તેને બનાવવામાં ઘણું યોગદાન આપ્યું છે.

ચીફ જસ્ટિસે કહ્યું, 'હું અહીં જરૂર કહીશ કે, તમે આ રીતે બીજાને ઇમોશનલી બ્લેકમેલ કરો છો. તમે સરકારી મિલકતો પર કબજો કરી રહ્યા છો અને આ દરેક જગ્યાએ થઈ રહ્યું છે. ન્યાયાધીશે કહ્યું કે, અરજદારો પાસે જે જમીન પર મંદિર છે, તેના પર તેમનો માલિકીનો અધિકાર નથી. ન્યાયાધીશે કહ્યું, 'મંદિર હટાવવામાં આવશે, તેમ કહીને તમે ભાવનાઓનો ફાયદો ઉઠાવવા માંગો છો.'

આ પછી ન્યાયાધીશે ઘરોને મંદિરમાં બદલીને ગેરકાયદે બાંધકામને બચાવવાની વાત કરી અને કહ્યું કે, 'તમે ઘરની બહાર કેટલાક ચિહ્નો લગાવી દો અને તેને મંદિર બનાવી દો. ભારતમાં જમીન હડપ કરવાનો આ પણ એક માર્ગ છે.' આ પછી ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માઈની બેંચે પોતાના વચગાળાના આદેશમાં ડિમોલિશન સામે આપવામાં આવેલ વચગાળાનું રક્ષણ ચાલુ રાખ્યું હતું. હવે આ કેસની આગામી સુનાવણી 14 માર્ચે થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp