'જજ સાહેબ, પત્ની બાબાની જાળમાં ફસાઈ છે, સંબંધ નથી બનાવવા દેતી, છૂટાછેડા અપાવો..'

PC: livelaw.in

ગુજરાતમાં છૂટાછેડાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પતિએ છૂટાછેડા માટે હાઈકોર્ટમાં અરજી કરીને કહ્યું કે, તેની પત્ની બાબાની જાળમાં ફસાઈ ગઈ છે અને તે મારી સાથે વર્ષોથી સંબંધો નથી બનાવતી. એટલા માટે તે છૂટાછેડા માંગે છે. ગુજરાત હાઈકોર્ટે તે વ્યક્તિના છૂટાછેડા મંજૂર કર્યા હતા. પતિએ આરોપ લગાવ્યો હતો કે, તેની પત્ની સ્કિઝોફ્રેનિક દર્દી છે અને તેણે એક બાબાના પ્રભાવ હેઠળ આવીને એક દાયકાથી વધુ સમયથી તેની વૈવાહિક જવાબદારીઓ પૂરી કરવાનો ઇનકાર કર્યો હતો.

મીડિયા સૂત્રોના રિપોર્ટ અનુસાર, આ વ્યક્તિના લગ્ન 2009માં થયા હતા. જ્યારે પતિ MD છે, પત્ની આયુર્વેદ ડોક્ટર છે. પતિએ 2012માં અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ કર્યો હતો. છૂટાછેડા માટે પતિએ ક્રૂરતાનું કારણ આપ્યું હતું. તેણે આરોપ લગાવ્યો કે, તેની પત્ની સ્કિઝોફ્રેનિયાથી પીડિત છે અને તે આધ્યાત્મિક બાબાની પ્રખર અનુયાયી છે. બાબાના પ્રભાવમાં આવીને પત્ની તેની સાથે શારીરિક સંબંધ બાંધવા તૈયાર નહોતી.

પતિનો આરોપ હતો કે, 'પત્નીએ ધમકી પણ આપી હતી કે, જો તે તેની સાથે સેક્સ કરશે તો તે આત્મહત્યા કરી લેશે.' છૂટાછેડાની માંગ કરતા પતિએ દલીલ કરી હતી કે, લગ્ન પહેલા તેને તેની પત્નીની આ બીમારી વિશે જાણ કરવામાં આવી ન હતી અને આ પણ ક્રૂરતા સમાન છે. વર્ષ 2018માં, ફેમિલી કોર્ટે પતિના દાવાઓને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને પત્નીની દલીલ સ્વીકારી હતી કે, પતિએ અતિશયોક્તિપૂર્ણ પુરાવા રજૂ કર્યા હતા.

ફેમિલી કોર્ટમાંથી ઝટકો મળ્યા બાદ પતિ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટમાં તેણે પોતાની પત્નીને સ્કિઝોફ્રેનિયાની સારવાર કરનારા તબીબો અને અન્ય સાક્ષીઓની જુબાની રજૂ કરી હતી જેમણે ફેમિલી કોર્ટ સમક્ષ જુબાની આપી હતી કે, પત્ની 2011થી તેના સાસરે નથી રહેતી. કેસની સુનાવણી કર્યા પછી જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ નિશા ઠાકોરની બેન્ચે કહ્યું કે, પત્નીની તબીબી સ્થિતિ, તેની વૈવાહિક જવાબદારીઓ નિભાવવાનો ઇનકાર અને 12 વર્ષ સુધી પતિના ઘરથી દૂર રહેવું એ માનવા માટે પૂરતા આધાર છે કે લગ્ન સંબંધ તૂટી ગયું છે અને અધૂરું છે.

હાઈકોર્ટે કહ્યું કે, છૂટાછેડાનું હુકમનામું ન આપી શકાય તેવું કોઈ કારણ નથી, ખાસ કરીને જ્યારે પત્ની પતિ સાથેના વૈવાહિક સંબંધોની પ્રતિબદ્ધતાનું સન્માન કરવામાં સક્ષમ ન હોય. કોર્ટે કહ્યું કે, આ કોર્ટ માટે એકમાત્ર વિકલ્પ હિંદુ મેરેજ એક્ટની કલમ 13(1) હેઠળ અપીલકર્તા (પતિ)ની અરજી સ્વીકારવાનો છે. જો કે, કોર્ટે પતિને તેની પત્નીને કાયમી ભરણપોષણ તરીકે 5 લાખ રૂપિયા ચૂકવવા પણ કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp