રૂપાલાની ટિકિટ ન કાપતા ગુજરાતમાં ક્ષત્રિય સમાજ હવે શું કરશે, આ પ્લાન કર્યો જાહેર
ગુજરાતની રાજકોટ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજે BJPનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. ક્ષત્રિય સમાજ સંગઠન સમિતિએ નોમિનેશનના છેલ્લા દિવસે અંતિમ તારીખ પછી આ માહિતી આપી હતી. જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો હવે ક્ષત્રિય સમાજ તમામ 26 બેઠકો પર BJP વિરુદ્ધ મતદાન કરશે. સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ 7મી મે સુધી વ્યવસ્થિત રીતે ઉપવાસ કરશે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ નિર્ણય લીધો છે કે, અન્ય સમુદાયો પાસેથી પણ સમર્થન માંગવામાં આવશે. લાંબા આંદોલનને કારણે ક્ષત્રિય સમાજે મહિલાઓની અલગ ટીમ બનાવવાની જાહેરાત કરી હતી. 18 એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરષોત્તમ રૂપાલાનો બચાવ કર્યો હતો. તેમણે ગાંધીનગર રોડ શોમાં કહ્યું હતું કે, રૂપાલાએ દિલથી માફી માંગી છે.
ક્ષત્રિય સમાજ સંગઠન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ઉપવાસના તમામ જિલ્લાઓમાં રથયાત્રા કાઢવામાં આવશે. જેમાં અમે લોકોને BJPનો બહિષ્કાર કરવાની અપીલ કરીશું. ચાવડાએ કહ્યું કે, અમે અમારા આંદોલનને અન્ય રાજ્યોમાં લઈ જઈશું. ચાવડાએ જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજના આંદોલનથી સામાન્ય લોકોને કોઈ મુશ્કેલી નહીં પડે. ચાવડાએ BJPના 400ને પાર કરવાના નારા પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે, અમે તેમને 250 સુધી ઘટાડીશું. ગુજરાતમાં ક્ષત્રિય સમાજે 23 માર્ચે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ ઉઠાવી હતી. આ પછી 14 એપ્રિલે રાજકોટમાં એક વિશાળ ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી સંકલન સમિતિએ BJPને 19 એપ્રિલની સમયમર્યાદા આપી હતી. સમિતિએ 120 સંસ્થાઓ અને સમાજના આગેવાનોની બેઠક પછી આંદોલન ભાગ 2ની જાહેરાત કરી હતી. અમદાવાદમાં યોજાયેલી આ બેઠક બે કલાક સુધી ચાલી હતી.
ક્ષત્રિય સમાજે 20 એપ્રિલથી રાજ્યમાં આંદોલનનો ભાગ 2 શરૂ કરવાની જાહેરાત કરી છે. ક્ષત્રિય સમાજની વિવિધ મહિલાઓ 7મી મે સુધી એક દિવસના ઉપવાસ કરશે. ગુજરાતમાં BJPના દરેક કાર્યક્રમમાં ભગવાન શ્રી રામની તસવીર સાથે ભગવો ધ્વજ લઈને વિરોધ કરવામાં આવશે. 22મી એપ્રિલથી ગુજરાતભરના અલગ-અલગ ઝોનમાં ધરમ રથ કાઢવામાં આવશે અને BJPને મત ન આપવા અપીલ કરવામાં આવશે. BJPને હરાવનારને સમાજ વતી મત આપવાનું કહેવામાં આવશે. 5 મે સુધી ગુજરાત તેમજ દેશભરમાં ક્ષત્રિય સમાજ અલગ અલગ રીતે BJP વિરુદ્ધ પ્રચાર કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp