કુંભાણી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ, પાર્ટીએ કહ્યું- તમે ગાયબ છો અને...

PC: khabarchhe.com

સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયું પછી તેઓ ગાયબ થઈ ગયા છે. તેમણે જનતાની સામે આવવાની પણ હજુ સુધી હિંમત નથી કરી અને એ તો છોડો કોંગ્રેસના નેતાઓના પણ તે સંપર્કમાં નથી ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એક નિર્ણય લેતા નિલેશ કુંભાણીને કોંગ્રેસ પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. કોંગ્રેસ પાર્ટીએ આ અંગે કારણ આપતા એક લેટરમાં જણાવ્યું હતું કે, પ્રદેશ કોંગ્રેસ સમિતિની શિસ્ત સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચાના અંતે નીચે મુજબની હકીકતોને ધ્યાને લઈને તમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. તમોને કોંગ્રેસ પક્ષે સંસદની ટિકિટ આપી હતી. સૌરાષ્ટ્રના અનેક પાટીદારો તથા અન્ય સૌરાષ્ટ્રના લોકો, જેઓ સુરત સ્થિત થયા છે તેમના પ્રતિનિધિ તરીકે તમે અવાજ ઉઠાવો એવી પક્ષની ગણતરી હતી.

તમારા ફોર્મને રદ થવાની બાબતમાં તમારી સંપૂર્ણપણે નિષ્કાળજી અથવા ભારતીય જનતા પાર્ટી સાથે તમારી મિલીભગત હોવાની પરિસ્થિતિ સ્પષ્ટ દેખાઈ આવી હતી. આમ છતાં કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ તમે આવીને પૂરી સ્પષ્ટતા કરી શકો અને તમારો પક્ષ રજૂ કરી શકો એ માટે શિસ્ત સમિતિએ તમને સમય આપ્યો હતો. તમે નાટ્યાત્મક રીતે ગાયબ છો અને તમે કોઈપણ જાતનો તમારા પક્ષે ખુલાસો કર્યો નથી, જેથી પક્ષે તમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.

તમારું ફોર્મ રદ થવું એ અત્યંત કમનસીબ ઘટના છે. ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટીએ તમામ તંત્રનો દુરુપયોગ કરીને અન્ય પક્ષના ઉમેદવારને લોભ, લાલચ, ભય અને ત્રાસ આપીને બધાં જ ફોર્મ પરત ખેંચાવી લઈને લોકશાહીની હત્યા કરી છે. મતદાતાને ચૂંટણી સમયે મત આપવાનો એક પવિત્ર અધિકાર છે. સુરતમાં બનેલી ઘટનાથી લોકોના મત આપવાના અધિકાર પર ભારતીય જનતા પાર્ટી દ્વારા તરાપ મારવામાં આવી છે અને લોકશાહીના ઈતિહાસમાં આ ઘટના કલંકિત રીતે કાળા અક્ષરમાં લખાશે. 18 વર્ષની ઉંમરનો થયેલા યુવા મતદાર પ્રથમ વખત લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં મતદાન કરવા થનગની રહ્યો હતો, તેને પણ હતાશા પ્રાપ્ત થઈ છે. આ પ્રકારની પરિસ્થિતિએ અત્યંત શરમજનક ઘટના છે. આપ જાણતા હશો કે આપશ્રી સામે પણ સુરતના લોકો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને સોશિયલ મીડિયાથી લઈને તમામ સ્થળોએ તમારી સામે ભયંકર રોષ લોકો ઠાલવી રહ્યા છે, આથી આપને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો શિસ્ત સમિતિએ નિર્ણય લીધેલો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp