એક આમંત્રણના મુદ્દા પર પણ કોંગ્રેસ એક થઇ શકતી નથી, શક્તિસિંહ ગોહિલે કહ્યુ...

PC: navbharattimes.indiatimes.com

કોંગ્રેસ નેતા જયરામ રમેશે બુધવારે જાહેરાત કરી હતી કે કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે, અધીર રંજન ચૌધરી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જવાના નથી. જયરામ રમેશે કહ્યુ હતું કે, આ ભાજપ અને RSSની ઇવેન્ટ છે. હવે કોંગ્રેસના આમંત્રણ અસ્વીકારના કોંગ્રેસમાં જ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નરો વા કુંજરો વા જેવું નિવેદન આપ્યું છે, તો કોંગ્રેસના કેટલાંક નેતાઓએ નારાજગી વ્યકત કરી છે. એક આમંત્રણના મુદ્દે પણ કોંગ્રેસ એક થઇ શકતી નથી.

બુધવારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જવાનો કોંગ્રેસ નેતાઓનો ઇન્કાર પછી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે કે, કોંગ્રેસમાં કોઇ મતભેદ નથી. કોંગ્રેસમાં દરેક કાર્યકરો તેમના વિચારો વ્યકત કરવા માટે સ્વતંત્ર છે. જો કે ગોહિલે સાથે એમ પણ કહ્યુ કે, હિંદુ સંસ્કૃતિના કાર્યવાહક જગદગુરુ શંકરાચાર્યના આદેશને આપણે માનવો જોઇએ.

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યુ કે હું પોતે હિંદુ છુ, હિંદુ ધર્મમાં સર્વોત્તમ નિર્ણય શંકરાચાર્યનો જ હોય છે. કોંગ્રેસ નેતાએ કહ્યુ કે, મંદિરનું કામ પુરુ થયા પહેલા પ્રાણ પ્રતિષ્ઠા રાખવી યોગ્ય નથી. તેમણે કહ્યુ કે, શંકરાચાર્ય ના પાડતા હોય તો કોઇ હિંદુ ટાળી શકે નહીં.

જ્યારે મંદિરનું કામ પુરુ થઇ જશે ત્યારે અમે પણ અયોધ્યા જઇશું, ભગવાનના મંદિરમાં આમંત્રણની જરૂર નથી. ભગવાન રામ અમારા દિલમાં વસેલા છે એટલે મંદિર પુરુ થશે પછી અમે પણ અયોધ્યા જઇશું.

જો કે બીજી તરફ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અંબરીશ ડેરે સોશિયલ મીડિયો પોસ્ટ લખીને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં નહીં જવાના કોંગ્રેસ હાઇકમાન્ડના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં અંબરીશ ડેરે લખ્યું છે કે, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ આપણા આરાધ્ય દેવ છે. દેશભરના લોકોની શ્રદ્ધા નવા મંદિર સાથે જોડાયેલી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરના નેતાઓએ ચોક્કસ પ્રકારના નિર્ણયથી બચવું જોઇએ અને સાર્વજનિક ભાવનાઓનું સન્માન કરવું જોઇએ. અંબરીશ ડેરે લખ્યુ કે આવા નિવેદનથી ગુજરાત કોંગ્રેસના મારા જેવા અનેક નેતાઓ નારાજ થયા છે.

જ્યારથી કોંગ્રેસે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવાની ના પાડી ત્યારથી ભાજપને નિશાન સાધવાનો મોકો મળી ગયો છે. ભાજપ નેતાઓ વિરોધ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp