ઢોર પકડ પાર્ટી બહાર આવે તે પહેલા જ માલધારીઓએ AMC સામે આંદોલન શરૂ કર્યું

PC: divyabhaskar.co.in

માલધારીઓ તો સરકારના પણ માથાના નિકળ્યા.1લી ડિસેમ્બરથી ગુજરાતમાં ઢોર નિયંત્રણ પોલીસી લાગૂ થઇ રહી છે એ પહેલાં માલધારીઓએ અમદવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન મંદિર પાસે શુક્રવારથી આંદોલન શરૂ કરી દીધું હતુ. ઢોર પકડ પાર્ટી આવે તે પહેલા જ માલધારીઓએ પાણી પહેલા પાળ બાંધી દીધી હતી.

ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યાનો મુદ્દો હોટ ફેવરીટ છે. ગુજરાત હાઇકોર્ટે પણ અનેક વખત સરકારની અને અધિકારીઓની ઝાટકણી કાઢી છે. એટલે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ ઢોર નિયત્રંણ પોલીસી લાગી કરવાનું નક્કી કર્યું છે.

1લી ડિસેમ્બરથી નવી ઢોર નિયંત્રણ પોલીસી પ્રમાણે જો ઢોરનું લાયસન્સ ન હોય અને ઢોર રખડતા પકડાશે તો AMC પાંજરે પુરી દેશે. હવે AMC પોલીસી લાગૂ કરે તે પહેલા જ માલધારીઓએ શુક્રવારે જય શ્રી રામના નારા સાથે આંદોલન શરૂ કરી દીધું છે જેને કારણે AMCની હાલત સુડી વચ્ચ સોપારી જેવી થઇ ગઇ છે. એક તરફ હાઇકોર્ટ લાલ આંખ કરે છે અને બીજી તરફ માલધારીઓ ગાંઠતા નથી.

માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજી દેસાઇએ કહ્યું છે કે, અમારી માંગ છે કે અમારા જે ટેક્સ બિલ હોય અને લાઇટ બિલ હોય તેના આધારે લાયસન્સ આપવામાં આવે.પ્રમુખે કહ્યું કે, પશુ નોંધણીના નામે પરિવાર દીઠ 200 રૂપિયા લેખે કરોડો રૂપિયાની રકમ ઉઘરાવવામાં આવી હતી, તેનો હિસાબ માંગવા માટે અમે મંગળવારે AMCની દાણાપીઠ ઓફિસે પહોંચીશું. દેસાઇનો આરોપ છે કે AMCના પૂર્વ કમિશ્નર વિજય નહેરાએ પશુ નોંધણીના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે.

નાગજી દેસાઇએ આગળ કહ્યુ કે, જો દુધનો ધંધો કરવો હોય તો દસ્તાવેજ વાળી જગ્યા ફરજિયાત કરવામાં આવી છે. અમારી માંગણી છે કે આધાર કાર્ડ, લાઇટ બિલ,પાલિકાના ટેક્સમાં માલધારીઓનું જે સરનાનું આપવામાં આવ્યું છે તેના પર લાયસન્સ આપવામાં આવે. જે જગ્યા પર લાયસન્સ આપવામા આવે ત્યાં અમે અમારા ઢોરને બાંધીને રાખીશું. ઢોર રખડતા હોય તેને પકડો તો અમને કોઇ વાંધો નથી.

અમારું આંદોલન ગૌચરની જમીન સામે પણ છે, ગૌચરની જમીન બે પગ વાળા આખલા ચાઉં કરી ગયા છે અને સરકારને એ વાતની ખબર પણ છે કે ગૌચરની જમીન કોની પાસે છે? દેસાઇએ કહ્યુ કે, આખો માલધારી સમાજનો મોરચો ગૌચરની જમીન પર પહોંચી જશે અને અમે માંગણી કરીશું કે આ ગૌચરની જમીન પર જે બિલ્ડીંગ બન્યું છે તેમાં અમારા પશુઓને રાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp