સુરતમાં એક જ પરિવારના સામૂહિક આપઘાતથી ખળભળાટ,3 બાળકો સહિત 7 લોકોનો માળો વિખેરાયો
ગુજરાતના સુરતમાંથી એક હૈયુ હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. એક જ પરિવારના 7 લોકોના સામૂહિક આપઘાતને પગલે ખળભળાટ મચી ગયો છે. જેમના હાથ નીચે 30થી 35 લોકો કામ કરતા હતા તેવા મનિષ સોલંકીએ પહેલાં પરિવારના 6 લોકોને ઝેર આપીને પોતે પણ ફાંસો ખાઇ લીધો હતો. મનિષ સોલંકીએ પત્ની, 3 બાળકો અને માતા-પિતાને ઝેર આપ્યું હતું. પળવારમાં સોલંકી પરિવારનો આખો માળો વિખેરાયઇ ગયો હતો. પોલીસને એક સ્યુસાઇડ નોટ મળી છે, જેમાં કોઇને આપેલા ઉછીના રૂપિયા પાછા નહીં આવવાને કારણે આપઘાત કર્યો હોવાનું લખ્યું છે. આ ઘટના લખતા પણ હાથ ખચકાઇ રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે 3 માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતારતા મનિષ સોલંકીનો જીવ કેવી રીતે ચાલ્યો હશે?
સુરતમાં પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં પોતાની પત્ની, 3 બાળકો અને માતા પિતા સાથે રહેતા મનિષ સોંલકી ફર્નિચરનું કામકાજ કરતા હતા અને તેમના હાથ નીચે 30થી 35 લોકો કામ કરતા હતા.
પોલીસ પાસેથી જાણવા મળેલી વિગત મુજબ મનિષ સોલંકીએ શુક્રવારે રાત્રે પોતાની પત્ની રેશ્મા, તેમના 3 સંતાનો કાવ્યા, ત્રિશા, કૃષાલ અને તેમના પિતા કનુભાઇ અને માતા શોભાબેનને પહેલાં ઝેરી દવા પિવડાવી દીધી હતી. ઝેર પીવાને કારણે પરિવારના તમામ 6 લોકોના મોત થયા હતા. એ પછી મનિષ સોલંકીએ પોતે ફાંસો ખાઇ લીધો હતો. મનિષ સોલંકી મૂળ સુરેન્દ્રનગરના હોવાનું જાણવા મળ્યુ છે.
સામૂહિક આપઘાતની ઘટના અંગે DCP રાકેશ બારોટે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે રાતના સમયે એક જ પરિવારના 7 લોકોએ આપઘાત કરવાનો મેસેજ પોલીસને મળ્યો હતો. જેમાં 6 લોકોના ઝેરને કારણે અને 1 વ્યકિતનું ફાંસો ખાવાને કારણે મોત થયું છે. પોલીસને સ્યુસાઇડ નોટ મળી છે, જેમાં લખ્યું છે કે ઘરના મોભીએ કોઇકને રૂપિયા આપ્યા હતા તે પાછા નથી આપી રહ્યો એટલે આ આત્યાંતિક પગલું ભર્યું છે. DCPએ કહ્યુ કે સ્યુસાઇડ નોટમાં કોને રૂપિયા આપ્યા હતા તે વિશે કોઇ ઉલ્લેખ નથી. પોલીસ તપાસ કરી રહી છે.
સ્યુસાઇડમાં મનિષ સોલંકીએ એ પણ લખ્યું છે કે મને પૈસાની કોઇ તકલીફ નથી, પરંતુ જેની પાસે પૈસા લેવાના છે તેની પાસેથી ઉઘરાણી આવતી નથી.
પોલીસ તપાસ કરશે ત્યારે ઘણી બધી વિગતો બહાર આવી શકે છે, પરંતુ એક હસતો રમતો પરિવાર વિખેરાઇ ગયો અને તેમાં પણ 3 બાળકોના મોતને કારણે અનેક લોકોની આંખોમાંથી આંસૂ આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp