'મેરી ઔકાત ક્યા હૈ યે મત પૂછો, મૈં એલન મસ્ક કો નૌકરી દે સકતા હૂં'

PC: Khabarchhe.com

ઇગો વિશેની સાવ સાદી સમજ એવી છે કે અહંકારી માણસ પોતાને બહુ મહાન સમજતો હોય. એક એવી માન્યતા પ્રચલીત છે કે 'આઇ એમ સમથિંગ' ના વહેમમાં જીવી રહેલા માણસનો ઇગો બહુ મોટો હોય. હકીકતમાં જો માણસ પોતાને બહુ ઉંચો કે મહાન સમજતો હોય તો એ એનો સેલ્ફ એસ્ટીમ હોય છે. એ એનો ઇગો નથી. દરેક માણસ થોડેઘણે અંશે નાર્સિસ્ટ જ હોય છે. એ પોતાના પ્રેમમાં હોય છે. માણસ સતત પોતાની જાત વિશે જ વિચારતો હોય છે અને એને પંપાળતો રહેતો હોય છે. અધ્યાત્મક ઉન્નતિના સર્વોચ્ચ સ્તર પર પહોંચેલા મહાત્મા પણ પોતાના હુંપણા બાબતે સજાગ હોય છે. સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા પછી તો તેઓ કદાચ એમ જ વિચારે કે મેં એટલે કે મેં મોક્ષપ્રાપ્તી કરી. ઇગોને સમજવા માટેનું પહેલું પગથિયું સેલ્ફ એસ્ટીમને સમજવાનું છે. સેલ્ફ એસ્ટીમ એ માણસનું પોતાના વિશેનું એક મુલ્યાંકન છે, જેમાં માણસ પોતે જ પોતાની મોટાઇ કે મહાનતા વિશેનો અંદાજ બાંધે છે. પોતે મોટો છે એવા વિચારોમાં રાચવાનું માણસને હંમેશાં ગમતું છે. પોતાનો સેલ્ફ એસ્ટીમ ઉંચો રાખવો એ માણસની સહજ વૃત્તિ છે. સેલ્ફ એસ્ટીમનાં બે પાસાં હોય છે. એક તો માણસ પોતાની ઓળખની બાબતમાં એક સેલ્ફ એસ્ટીમ ધરાવતો હોય. અને બીજું, માણસ પોતાની ક્ષમતા બાબતે, પોતે શું કરી શકે છે એ બાબતના ચોક્કસ ખયાલો ધરાવતો હોય.

ઉંચે લોગ, ઉંચી પસંદ: મોટા ભાગના લોકો પોતાના વિશે ઉંચો સેલ્ફ એસ્ટીમ ધરાવતા હોય છે. સમસ્યા એ છે કે અન્ય લોકો એના ઉંચા સેલ્ફ એસ્ટીમથી વાકેફ નથી હોતા અને એમને એની કોઇ ફિકર પણ નથી હોતી. આથી જ ઘણા માણસોને આપણે ખુમારીમાં એવું કહેતા સાંભળીએ છીએ કે 'હું કોણ છું એની તમને ખબર નથી.' ક્યાંથી ખબર હોય? તમે ક્યારેય કીધું જ નથી. પોતાની ઓળખ બાબતે ઉંચો સેલ્ફ એસ્ટીમ રાખવાથી ક્યારેક વ્યક્તિને લાભ થતો હોય છે. જેમ કે ઉંચો સેલ્ફ એસ્ટીમ રાખવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધી શકે છે અને કોઇ સાહસીક પગલું ભરવાની હિંમત એનામાં આવી શકે છે. જોકે ઉંચો સેલ્ફ એસ્ટીમ રાખવામાં લાભ કરતાં નુકશાન વધુ છે. ઓળખ વિશે ઉંચો સેલ્ફ એસ્ટીમ રાખવાની અસર માણસના એટિટ્યુડ, વર્તન પર પડી શકે છે. સરેરાશ દેખાવ ધરાવતી કોઇ છોકરી પોતાના દેખાવ બાબતે ઉંચો સેલ્ફ એસ્ટીમ ધરાવતી હોય તો અન્ય લોકો સાથેના એના વર્તનમાં એટિટ્યુડ આવી જાય એવું બની શકે. અન્ય લોકો મનમાં એનો ઉપહાસ કરીને વિચારે કે આ છોકરી હવામાં ઉડે છે. આમ અવાસ્તવિક સ્તરના ઉંચા સેલ્ફ એસ્ટીમને લીધે વ્યક્તિ મજાકનું પાત્ર બની શકે છે. આપણી આસપાસના અનેક લોકો બહુ મોટી મોટી વાતો કરતાં હોય છે, જેને કારણે એમની છાપ ફાંકેબાજ તરીકેની પડી જાય છે, પરંતુ હકીકતમાં એ એમનો ઉંચો સેલ્ફ એસ્ટીમ હોય છે. તેઓ ખરેખર પોતાને એટલા ઉંચા માનતા હોય છે. આ જગતમાં માણસ પોતે ઇચ્છે એટલો ઉંચો સેલ્ફ એસ્ટીમ રાખી શકે છે. એમાં કોઇ એને રોકી નથી શકતું. અરીસાની સામે ઉભા રહીને અનેક યુવાનો વિચારતા હોય છે અરે, હું તો આસાનીથી બોલીવુડનો હીરો બની શકું.

આઇ કેન ડુ ઇટ: માણસે ધારી લીધેલી પોતાની ઓળખ, પોતાની ઇમેજ અને પોતાના સેલ્ફ એસ્ટીમ વિશેની વાત આપણે સમજ્યા, પરંતુ માણસનો પોતાની જાત સાથે પણ એક સંબંધ હોય છે, જેમાં માણસ પોતાની માન્યતાના આધારે પોતાની ક્ષમતા વિશે વિચારતો હોય છે, પોતે શું કરી શકે એમ છે એનો એક અંદાજ માણસ બાંધતો હોય છે. આ રીતે માણસ પોતાની ક્ષમતા વિશેનો એક સેલ્ફ એસ્ટીમ બાંધતો હોય છે. અને એના આધારે મોટા નિર્ણયો પણ લેતો હોય છે. અહીં વાત ઓળખ કે ઇમેજની નહીં, ક્ષમતાની હોય છે. વાત 'આઇ એમ સમથિંગ' ની નથી હોતી, વાત 'આઇ કેન ડુ ધીસ'ની હોય છે. તકલીફ ફક્ત એ વાતની છે કે માણસનો સેલ્ફ એસ્ટીમ હંમેશાં વાસ્તવિક સ્તરથી ઉપર હોય છે. એ હંમેશાં ઉપર ચગેલો અને ફુલેલો હોય છે.

ઉંચા સેલ્ફ એસ્ટીમના આધારે જો માણસ જોખમી નિર્ણયો લઇ લે તો એમાં એને મોટું નુકશાન થઇ શકે છે. હકીકતમાં આવું અનેક લોકો સાથે, અવારનવાર બનતુ જ હોય છે. ધંધામાં નુકસાન કરી ચુકેલા દશ વેપારીઓ કે ઉદ્યોગપતિઓમાંથી આઠના કિસ્સામાં એવું બન્યું હશે કે અગાઉની સફળતાને કારણે એમનો સેલ્ફ એસ્ટીમ બહુ ઉપર ચગી ગયો હોય અને એના આધારે એમણે લાંબુ વિચાર્યા વિના કે પૂરતી તૈયારી વિના કોઇ નવું દુઃસાહસ કરી નાંખ્યું હોય અને એમાં એમને મોટું નુકશાન થયું હોય. શા માટે આવું બને છે? માણસનો સેલ્ફ એસ્ટીમ કઇ રીતે ઘડાય છે એ જાણીએ.

ગજાં બહારનો સેલ્ફ એસ્ટીમ અને ઔકાત: હિન્દી ફિલ્મોમાં બહુ જ યોગ્ય રીતે વપરાતો 'ઔકાત' એક મજાનો શબ્દ છે, કારણ કે એ શબ્દ માણસને એની અસલી ક્ષમતાનું ભાન કરાવે છે. અવાસ્તવિક સ્તરે પોતાનો સેલ્ફ એસ્ટીમ રાખતા લોકોને જમીન પર લાવવાનું કામ આ શબ્દ કરે છે. ફિલ્મોમાં મોટે ભાગે આ શબ્દ હીરોનું અપમાન કરવા માટે વિલન અથવા હીરોઇનના બાપા બોલતા હોય છે. તેઓ એમ કહેવા માંગતા હોય છે કે તું જે કંઇ કરી રહ્યો છે, એ તારી લાયકાત, તારી કેપેસિટી બહારનું કરી રહ્યો છે માટે એવું ન કર, નહીંતર તું હેરાન થઇ જઇશ. રિયલ લાઇફમાં આવી ચેતવણી બહુ સાચી પુરવાર થતી હોય છે. ફિલ્મ તો ફિલ્મ હોય એટલે એમાં હીરો ભલે પછી ગમે એવું પરાક્રમ કરે, પરંતુ વાસ્તવિક જીવનમાં માણસ જ્યારે પણ પોતાની ઔકાત બહારનું કામ કે વર્તન કરે ત્યારે સમાજ એને એની અસલી ઔકાત પર પાછો લાવી જ દે છે. ઔકાત શબ્દનો પરફેક્ટ પર્યાયી શબ્દ ગુજરાતીમાં કે અંગ્રેજીમાં કયો છે એની ખબર નથી, પરંતુ આપણે ઔકાત શબ્દનો ખરો અર્થ બરોબર સમજતા જ હોઇએ છીએ. ઔકાત શબ્દ માણસને એની હેસિયતની ટોચ મર્યાદા સુચવે છે. એનાથી ઉપર એણે નથી જવાનું.

સફળતાના ભયસ્થાન અને જોખમો: આમ તો સેલ્ફ એસ્ટીમ બાંધતી વખતે, પોતાનું મુલ્યાંકન કરતી વખતે માણસ તટસ્થ હોય છે અને પોતાની અસલી ક્ષમતાથી વાકેફ હોય છે, છતાં દરેક પરિસ્થિતિમાં માણસ એવી સમતુલા જાળવી શકતો નથી. ઘણી વાર એ પોતાની હેસિયત, પોતાની ઔકાત બહારનું વર્તન કરી બેસતો હોય છે. આવું શા માટે બને છે? કારણ કે અમુક ઘટના કે વિચારને કારણે એનો સેલ્ફ એસ્ટીમ બહુ ઉપર ચડી જાય છે, જેને પગલે એ પોતાની અસલી હેસિયત કે ક્ષમતાને એ ભુલી જાય છે. વાતને જરા વિગતમાં સમજીએ. માણસને જ્યારે નાની મોટી સફળતા મળે છે ત્યારે એ પોતાના વર્તમાન સેલ્ફ એસ્ટીમ બાબતે નવેસરથી વિચારણા કરે છે. એને લાગે છે કે હું તો ઘણો વધુ કેપેબલ છું. હું ઘણું વધુ કરી શકું એમ છું. ત્યાર પછી વધુ એક સફળતા મળે ત્યારે માણસ વધુ ચગે છે. એ મક્કમપણે માનવા લાગે છે કે એની હેસિયત તો ખરેખર અનેકગણી વધુ છે. ત્યાર બાદ માણસને ટુંકા ગાળામાં કોઇ બહુ મોટી સફળતા મળે ત્યારે તો એ રીતસર આસમાનમાં ઉડવા લાગે છે. હકીકતમાં એવા સમયે માણસનો સેલ્ફ એસ્ટીમ વધુ પડતો ઉપર જતો રહે છે. પછી માણસ એમ માનવા લાગે છે કે ગમે તેવી મોટી સિદ્ધિ હાંસલ કરવાનું મારા માટે ડાબા હાથનો ખેલ છે. પછી આવા વિચારો તથા માન્યતાને પગલે એ કોઇ વધુ પડતું મોટું પગલું ભરે છે, મોટું સાહસ કરે છે, જેમાં એને નિષ્ફળતા મળે છે. આ એક સ્વાભાવિક પ્રક્રીયા છે અને મોટા ભાગના લોકોના દિમાગ આ રીતે જ કામ કરે છે. એક જુગારીની માનસિકતામાં ઉંચા સેલ્ફ એસ્ટીમ સિવાય બીજું કંઇ જ નથી હોતું. દરેક દાવ ખેલતી વખતે એ એમ જ માનતો હોય છે કે આ દાવ તો હું ચોક્કસ જીતી જઇશ. એનો સેલ્ફ એસ્ટીમ સતત ઉંચો જ રહેતો હોય છે. જુગારની ખાસ વાત એ છે કે માણસ નિષ્ફળ જાય તોય એનો સેલ્ફ એસ્ટીમ નીચે આવતો નથી. એ વિચારતો રહે છે કે હવે પછીનો દાવ તો હું ચોક્કસ જીતી જવાનો છું. સાવ બર્બાદ થઇ જાય ત્યારે એને સમજાય છે કે ખોટા સેલ્ફ એસ્ટીમના આધારે એ મોટા દાવ રમતો ગયો એમાં એને કેટલું નુકસાન થયું. ક્યારેક તો બર્બાદ થઇ ગયા પછી પણ સાચી વાત એને નથી સમજાતી.

ફિલ્મ, મોડેલિંગ કે ટીવી જેવી ગ્લેમર ઇન્ડસ્ટ્રી વિશે એવું કહેવાય છે કે ત્યાં નિષ્ફળતા કરતાં સફળતા માણસને વધુ બર્બાદ કરે છે. એની પાછળનું કારણ આ જ છે. સફળતાને પગલે માણસનો સેલ્ફ એસ્ટીમ વધુ પડતો ચગી જાય છે અને એની અસર અન્યો સાથેના એના વર્તનમાં, સંબંધોમાં તથા આગળના નિર્ણયોમાં દેખાવા લાગે છે. આને પગલે એની સફળતાની સફરમાં બ્રેક લાગે છે અને પડતી શરુ થાય છે. પછી એ મેળવ્યું હતું એના કરતાંય વધુ ગુમાવતો જાય છે. આવા સમયે લોકો એવી વાતો કરે છે કે સફળતા એના માથામાં ચડી ગઇ હતી. હકીકતમાં સફળતાને પગલે એણે પોતાની જાતને વધુ પડતી મહાન માની લીધી હતી. પોતાના સેલ્ફ એસ્ટીમને વધુ પડતો ઉપર ચગાવી દીધો હતો.

શા માટે સેલ્ફ એસ્ટીમ ખામીયુક્ત હોય છે? સેલ્ફ એસ્ટીમ બંધાવાની પ્રક્રીયા વિશેની આ વાત બહુ જ રસપ્રદ છે. સામાન્ય સંજોગોમાં તો માણસ પોતાના જમા અને ઉધાર બંને પાસાં વિશે તટસ્થ બનીને વિચારતો હોય છે. પરંતુ દરેક પરિસ્થિતિમાં એ મનની સમતુલા જાળવી શકતો નથી. કારણ? પ્લેઝર પ્રિન્સિપલ. આપણે એ જાણ્યું હતું કે પ્લેઝર પ્રિન્સિપલ માણસને ફક્ત આનંદ મેળવવા અને પીડાથી દુર રહેવા પ્રેરે છે. આથી સફળતા મળ્યા બાદ પોતાનો સેલ્ફ એસ્ટીમ ઉંચો બાંધવા લાગે છે. પ્લેઝર પ્રિન્સિપલ આપણને આપણા જમા પાસાંને સ્વીકારવા તથા નબળા પાસાંને અવગણવા પ્રેરે છે. આપણે કોઇ કામ હાથ ધરીએ અને એમાં સફળતા મળે ત્યારે આપણે એમ વિચારીએ કે આપણે બહુ હોંશિયાર અને બુદ્ધિશાળી છીએ એટલે આપણને સફળતા મળી, આપણા માટે તો આ કામ ડાબા હાથનો ખેલ છે વગેરે. આપણી સફળતા માટે જવાબદાર હોઇ શકે એવા અન્ય પરિબળો વિશે વિચારવાનું આપણે ટાળીએ છીએ. બહુ ઓછા લોકો પોતાની સફળતામાં મદદરુપ થયેલા અન્ય લોકોને અથવા નસીબને ક્રેડિટ આપતા હોય છે. આ રીતે આપણો સેલ્ફ એસ્ટીમ આપણે સતત ઉંચે જ ચડાવતા જઇએ છીએ. હવે એ વિચારીએ કે આપણને નિષ્ફળતા મળે ત્યારે આપણે શું વિચારતા હોઇએ છીએ? ફરી પ્લેઝર પ્રિન્સિપલ જ આપણા મન પર છવાઇ જાય. આપણને નિષ્ફળતાની લાગણી કે પીડા ગમતી નથી. આથી આપણે નિષ્ફળતા માટેના બહાના શોધવા માંડીએ. ક્યારેક આપણા સાથીદારનો વાંક કાઢીએ તો ક્યારેક સામેવાળી વ્યક્તિનો વાંક કાઢીએ. ક્યારેક ટાઇમિંગ ખોટું હતું એવું બહાનું આગળ કરીએ તો ક્યારેક આપણી સાથે છેતરપિંડી થઇ એટલે નિષ્ફળતા મળી એવી દલીલ કરીએ. ટુંકમાં પ્લેઝર પ્રિન્સિપલ આપણને આપણો વાંક, આપણી નબળાઇ સાચી રીતે જોવા નથી દેતો. આની સીધી અસર આપણા સેલ્ફ એસ્ટીમ પર પડે. આપણે નિષ્ફળ ગયા જ નથી એવી માન્યતાને કારણે આપણો સેલ્ફ એસ્ટીમ નીચો નથી જતો. બીજી તરફ સફળતાને પગલે તો આપણો સેલ્ફ એસ્ટીમ ઉપર ચડતો જ રહે છે. તો પ્લેઝર પ્રિન્સિપલને કારણે આપણી ક્ષમતા વિશેનું સાચું મુલ્યાંકન આપણે કરી શકતા નથી. પ્લેઝર પ્રિન્સિપલને કારણે આપણે સેલ્ફ એસ્ટીમ બાંધવામાં તટસ્થ રહી શકતા નથી. આથી જ આપણો સેલ્ફ એસ્ટીમ મોટે ભાગે ખામીયુક્ત હોય છે. હંમેશાં યાદ રાખવા જેવી હકીકત એ છે કે આપણો સેલ્ફ એસ્ટીમ હંમેશાં વાસ્તવિક સ્તરથી ઉપરનો અને ખામીયુક્ત હોય છે. ઇગોના સંદર્ભમાં આ બહુ જ મહત્વની જાણકારી છે.

સેલ્ફ એસ્ટીમની મોટાઇ અપૂરતી: ઉંચો સેલ્ફ એસ્ટીમ રાખવા પાછળનો માણસનો મુખ્ય ઉદેશ પોતાની જાતને મોટી અને મહાન અનુભવવાનો હોય છે. એવી અનુભુતિમાં આનંદ મળે છે. આમ છતાં ફક્ત મોટા બન્યા હોવાના અહેસાસથી માણસને સંતોષ નથી થતો.

અહીં આપણે માનવ સ્વભાવની એક વધુ ખાસિયતની વાત કરીએ. માણસને મોટા તો બનવું જ હોય છે, પરંતુ એની અંદરની ઝંખના પોતે મોટો છે, પોતે મહાન છે એવું દુનિયાને દેખાડવાની અને પોતે અન્યો કરતાં ચડિયાતો છે એવું સાબિત કરવાની હોય છે. મોટા બનવા કરતાંય મોટાઇ દેખાડવાના અભરખા માણસને વધુ હોય છે. આવા તુલનાત્મક ભાવમાં જ એને આનંદ મળે છે. પણ મોટાઇ કઇ રીતે દેખાડવી? હવે જો આ નવા પ્રકારનો આનંદ મેળવવો હોય, જો અન્યોની સરખામણીમાં ચડિયાતા બન્યા હોવાનો અહેસાસ કરવો હોય, એવો આનંદ મેળવવો હોય તો અન્યો સાથે સરખામણી કરવી પડે. બે વ્યક્તિ વચ્ચે તુલના થાય તો જ ખબર પડે કે બેમાંથી ચડિયાતુ કોણ અને નબળું કોણ. તમે નવું એસી ખરીદ્યું એનો તમને આનંદ હોય, પરંતુ બીજા જ દિવસો જો તમારા પડોશી વધુ સારી કંપનીનું, વધુ મોંઘી એસી ખરીદી લાવશે તો નવું એસી વસાવવાનો તમારો આનંદ ઓછો થઇ જશે. અલબત્ત, તમારા ઘરમાં એસીની કમ્ફર્ટ તમે માણવના જ છો, પરંતુ પડોશી સાથેની એક અનાયસ તુલનાને કારણે તમારો આનંદ ઓછો થઇ ગયો એ હકીકત છે. તો મોટાઇ દેખાડવાનો આનંદ મેળવવા માટે અન્ય લોકો સાથે તુલના કરવાનું જરુરી છે. આમ ઉંચો સેલ્ફ એસ્ટીમ બાંધ્યા પછી માણસ અન્ય લોકો સાથે તુલના કરવા તત્પર બને છે. સેલ્ફ એસ્ટીમ ઇગોનો પુર્વાર્ધ છે તો તુલના એ ઇગોનો ઉતરાર્ધ છે. માણસ માણસ વચ્ચે તુલના કઇ રીતે થાય છે? સરખામણીઓ અને તુલના વિશે આપણે આગામી પ્રકરણમાં વિગતમાં ચર્ચા કરીશું અને એમાંથી જ ઇગોનું મૂળ જાણવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp