દિવાળી પર ઘરે જવા સુરત રેલવે સ્ટેશન પર ધક્કામુક્કીમાં એકનું મોત, અનેક બેભાન
દિવાળીના તહેવારની રજામાં સુરત રેલ્વે સ્ટેશન પર સવારથી જ ભારે ભીડ જોવા મળી રહી છે. રેલ્વે સ્ટેશન પર હજારો લોકો ઉમટી પડતા ધક્કામુક્કીના દૃશ્યો જોવા મળ્યા. આ ધક્કામુક્કીમાં એક વ્યક્તિનું મોત થઇ ગયું હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઉપરાંત 3 લોકો બેભાન થયા હતા. જેમને વધુ સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ભીડને કારણે કેટલાક લોકોની ટિકિટ કન્ફર્મ હોવા છતા પણ ટ્રેનમાં ચઢવામાં મુશ્કેલી સર્જાઈ હતી અને બેસી શક્યા નહોતા.
એક મહિલાએ જણાવ્યું હતું કે, લોકો મને લાત મારીને ટ્રેનમાં જતા હતા. જેથી મને શરીરમાં ઘણો જ દુઃખાવો થઇ રહ્યો છે. મુસાફરોના ભારે ઘસારા વચ્ચે બેભાન થતા મહિલા સહિત 2 લોકોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સુઇજા રામપ્રકાશ સિંહ અને રામપ્રકાશ સિંહને સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. અંકિત બિરેન્દ્રસિંહ નામના યુવાને બિહાર છપરા ટ્રેનમાં જવાનું હતું. ધક્કામુક્કીમાં તેનું મોત થઇ ગયું.
સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચઢવા માટે લોકો જીવને જોખમમાં મુકતા પણ ખચકાતા ન હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. ટ્રેનના ટ્રેક અને રેલવે સ્ટેશન પર વિખેરાયેલા ચપ્પલો અને પ્લેટફોર્મ પર બેભાન પડેલા લોકોની મદદે પોલીસ અને 108ની ટીમ પણ મદદે આવી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતમાં પરપ્રાંતિય લોકો મોટી સંખ્યામાં વસવાટ કરતા હોય છે. આ લોકો દિવાળીની રજાઓમાં પોતાના વતન જતા હોય છે.
જો કે, ગઇકાલે શુક્રવારે પણ તાપી-ગંગા સાહિતની ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. ટ્રેનમાં બેસવા માટે કલાકોથી લોકો લાઈનમાં ઉભા હતા. ટ્રેનની 1,700 લોકોની કેપેસિટી સામે 5,000થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. રેલવે સ્ટેશન પર પરેશાન પેસેન્જર્સની મજબૂરીનો ફાયદો કુલીઓને થઇ રહ્યો છે. કુલીઓ પૈસા લઈને પેસેન્જર્સ રેલવે કોચની ઇમરજન્સી બારીમાંથી કોચની અંદર ધકેલતા જોવા મળ્યા. દશરથ નામના પેસેન્જરે જણાવ્યું કે, હું ગઈકાલથી રેલવે કોચમાં જગ્યા મળે તે માટે લાઇનમાં ઊભો છું.
અહીં કેટલાક માણસો પૈસા લઈને મુસાફરોને ટ્રેનની અંદર ઘૂસાડી દે છે. એ સિવાય ટિકિટની કાળાબજારી પણ થઈ રહી છે. નીલુ નામના પેસેન્જરે જણાવ્યું કે, સાંજે 04:00 વાગ્યાથી અમે રેલવે સ્ટેશન પર કોચમાં જગ્યા મળે તે માટે લાઇનમાં નાના બાળકો સાથે ઊભા છીએ. અમારે દિવાળી વેકેશનમાં વતન પ્રતાપગઢ જવું છે. ભીડ એટલી છે કે અમને રેલવે કોચમાં ચઢવાનું ન મળ્યું. આટલા કલાક લાઇનમાં ઊભા રહેવાનું પાણીમાં ગયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp