ગુજરાતના BJP સાંસદ કહે- ના કામવાળી મળે છે ના પટાવાળા, ક્યાંય બેરોજગારી નથી

PC: westerntimesnews.in

ગુજરાતથી રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાએ બેરોજગારીને લઇને અજીબ નિવેદન આપ્યું છે. સાંસદ મોકરિયાનું કહેવુ છે કે, દેશ અને રાજ્યમાં બેરોજગારી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત રોજગાર મેળામાં 71 હજાર યુવાઓને નિયુક્તિ પત્ર વહેંચવાના કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું. મોકરિયાએ કહ્યું કે, ઘર માટે કામવાળી, ઓફિસ માટે પટાવાળા નથી મળતા. તમામ જગ્યાઓ પર રોજગાર ઉપલબ્ધ છે. મોકરિયાએ કહ્યું કે, દેશમાં નોકરીઓની કોઈ કમી નથી. લોકોને શોપિંગ મોલ્સ અને થિયેટર્સમાં સફાઈકર્મી, સુરક્ષા ગાર્ડ અને પ્લંબરની નોકરી મળી જ જાય છે. મોકરિયાએ આગળ કહ્યું કે, કૃષિ ક્ષેત્રમાં પર્યાપ્ત સંખ્યામાં મજૂર નથી. તેમના આ નિવેદન પર વિવાદ પણ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસે આ નિવેદન પર આપત્તિ વ્યક્ત કરી છે.

રામભાઈ મોકરિયાના આ નિવેદન પર વિવાદ પણ થઈ રહ્યો છે. કોંગ્રેસનું કહેવુ છે કે, BJPના રાજ્યસભા સાંસદનું નિવેદન ગુજરાત અને દેશના યુવાઓને ગેરમાર્ગે દોરનારું છે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કહ્યું કે, BJPમાં એક નવી ફેશન ચાલી રહી છે- મહિમામંડન કરો અને પ્રગતિ કરો. દોશીએ એવુ પણ કહ્યું કે, ગુજરાતમાં ભરતી અને ભ્રષ્ટાચાર બંને સાથે ચાલી રહ્યા છે. રાજ્યસભા સાંસદે પોતે તથ્યોને જાણવા જોઈએ અને પોતાના વખાણ કરવાને બદલે ગુજરાતના યુવાઓને રોજગાર કઈ રીતે મળે તેની ચિંતા કરવી જોઈએ.

લાંબા સમયથી BJP સાથે સંકળાયેલા રામભાઈ મોકરિયા ફેબ્રુઆરી, 2021માં ગુજરાતમાંથી રાજ્યસભા પહોંચ્યા હતા. 1 જૂન, 1957ના રોજ જન્મેલા રામભાઈ મોકરિયા પોરબંદર જિલ્લાના ભાડ ગામના વતની છે. તેઓ એક બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. તેમને બે દીકરા અને એક દીકરી છે. રામ મોકરિયા કોલેજના દિવસોમાં ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી હતા. તેમણે બીએ બાદ એલએલબીનો અભ્યાસ કર્યો છે. મોકરિયાને વિદ્યાર્થી જીવનથી જ રાજકારણમાં ઊંડો રસ હતો. તેઓ 1976માં એબીવીપી સાથે જોડાયા હતા અને પછી BJP સાથે જોડાઈ ગયા. તેઓ 1979થી 1995 સુધી સાંસદ રહ્યા. ત્યારબાદ તેઓ પોરબંદરના BJPના સચિવ રહ્યા. 1992થી 1994ની વચ્ચે તેઓ પોરબંદર શહેર BJPના ઉપાધ્યક્ષ રહ્યા. ત્યારબાદ પ્રદેશ સંગઠનમાં આવી ગયા અને કમિટીના સભ્ય બન્યા.

મોકરિયાએ નોકરી કરવાને બદલે 1985માં મારૂતિ ટ્રાવેલ એન્ડ કારગોની શરૂઆત કરી. બે વર્ષ બાદ જ મોકરિયાએ 1987માં મારૂતિ કુરિયર સર્વિસીસની શરૂઆત કરી. બે દાયકામાં મોકરિયાએ મારૂતિ કુરિયરનું મોટું નેટવર્ક તૈયાર કરી દીધુ. મોકરિયાનો દીકરો અજય અને મૌલિક મોકરિયા વર્તમાનમાં શ્રી મારૂતિ કુરિયરને સંભાળે છે. હાલ કંપનીના 126 વેરહાઉસ છે. કંપનીએ 2026 સુધી 150 વધુ વેરહાઉસ સામેલ કરવાનું લક્ષ્ય બનાવ્યું છે. કંપનીના સમગ્ર ભારતમાં 3764 આઉટલેટ્સ છે અને કુરિયર કંપનીએ 2.5 લાખ કુરિયર અને કન્સાઇન્મેન્ટ હવાઈ અને માર્ગ દ્વારા પહોંચાડ્યા છે.

ગુજરાતની હાલની રાજનીતિમાં મોકરિયાને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નજીકના નેતા માનવામાં આવે છે. CM પદેથી વિજય રૂપાણીની છૂટ્ટી પછી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મોકરિયાનું કદ વધી ગયું છે. રાજકોટમાં તેમની ગણતરી રાજકીય રીતે શક્તિશાળી નેતાના રૂપમાં થાય છે. તેમના વિજય રૂપાણી સાથે સારા સંબંધો નથી રહ્યા. પહેલીવાર રાજ્યસભામાં પહોંચેલા મોકરિયાનો કાર્યકાળ 2026 સુધી રહેશે.

રાજ્યસભા સાંસદ રામ મોકરિયાના બેરોજગારીવાળા નિવેદન પર સોશિયલ મીડિયામાં ખૂબ જ તીખી પ્રતિક્રિયા આવી રહી છે. યુઝર્સ પૂછી રહ્યા છે કે, જો બેરોજગારી નથી તો પછી કેટલીક હજારો નોકરીઓ માટે લાખોની સંખ્યામાં યુવાઓ ફોર્મ શા માટે ભરી રહ્યા છે? યુઝર્સ એવુ પણ લખી રહ્યા છે કે, લાગે છે કે આ સાહેબ ભારતમાં નથી રહેતા. તો કેટલાક યુઝર્સે તેમને મીડિયા રિપોર્ટનો હવાલો આપ્યો છે. જેમા બીટેક અને એમટેકની ડિગ્રી સાથે એમબીએની ડિગ્રી ધરાવતા યુવાઓએ પટાવાળાની નોકરી માટે અરજી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp