સુરતના બ્રેઈનડેડ યુવાનની કિડની, લીવર અને બે આંખોના દાનથી અનેકને નવજીવન

PC: twitter.com

‘અંગદાન મહાદાન’ના સુત્રને સાર્થક કરતા સુરત શહેરમાં ફરીવાર સફળ અંગદાન થયું છે. મૂળ ઉતરપ્રદેશના ભિંદ પરિવારના નિલમદેવી ભિંદેએ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઈન ડેડ થયેલા પોતાના પતિ સ્વ.રામજીભાઇ સંતલાલ ભિદેની બે કિડની, લીવર અને બે આંખોનું મહાદાન કરીને માનવતા મહેંકાવી છે.

સુરત શહેરના કડોદરા સ્થિત જોલવા પાટીયાની બાલાજી સોસાયટી ખાતે રહેતા( મુળ.મહદેપુર ભોરી સંત રવિદાસનગર, ઉતરપ્રદેશ) 43 વર્ષીય યુવાન રામજીભાઇ સંતલાલ ભિંદ સંચાના ખાતામાં કામ કરીને આજીવિકા મેળવતા હતા. ગત તા.19મી સપ્ટેમ્બરના રોજ સાંજે પોતાના ઘરના બાથરૂમમાં ચક્કર આવતા પડી ગયા હતા. જેથી પરિવારજનો તત્કાલ નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. વધુ સારવાર માટે તા.20મીએ બપોરે સુરત નવી સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં તેઓને હેડ ઈન્જરી થયાનું નિદાન થયું હતું.

આઇસીયુમાં 17 દિવસની સધન સારવાર બાદ આજરોજ તા.05મી ઓક્ટોમ્બરના રોજ બપોરે 1.15 વાગે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિમેષ વર્મા, ડો.જય પટેલ, ડો.કેયુર પ્રજાપતિની તબીબી ટીમ દ્વારા બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા. તેમના પરિવારજનોને આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઇકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડે બ્રેઈનડેડ સ્વ.રામજીભાઈના અંગોના દાનથી અન્ય જરૂરિયાતમંદને નવજીવન મળી શકે તેમ સમજાવી અંગદાનની માહિતી આપી હતી.

બ્રેઇનડેડ યુવાનના પરિવારમાં પત્નિ નિલમદેવી ભિંદ, મોટો દિકરો સુરજ ભિંદ,નાના દિકરો પવન ભિંદ અને દિકરી કાજલ ભિંદ છે. સ્વ.રામજીભાઇ ભિંદને બ્રેઇન ડેડ જાહેર કરતાં પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કરી અન્ય જરૂરિયાતમંદ પરિવારના બાળકોના પિતાની છત્રછાયાના ન ગુમાવે એવી ભાવના વ્યક્ત કરી હતી.

દુઃખદ ઘડીમાં બ્રેઈનડેડ રામજીભાઈના પત્ની નિલમદેવીએ અંગદાનનો નિર્ણય કરી સમાજ માટે પ્રેરણારૂપ બન્યા હતા. આમ પરિવારની સંમતિ મળતા સોટો અને નોટોની ગાઈડલાઈન મુજબ અંગદાનની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. સુરત સિવિલ ખાતેથી બ્રેઈનડેડ યુવાનની બંન્ને કિડની અને લીવરનું દાન સ્વીકારીને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તથા બન્ને આંખોનું દાન નવી સિવિલ હોસ્પિટલની આઇસ બેંકે સ્વીકાર્યું હતું.

સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ અંગદાનના આ સેવા કાર્યમાં સુરત પોલીસ, સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ, સફાઈ કર્મીઓ જહેમત ઉઠાવી હતી. આમ, સુરત સિવિલમાં આજે 46મું સફળ અંગદાન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp