લાખો લોકોને મતદાનથી વંચિત રાખનાર કુંભાણીની ટણી તો જુઓ, કહે- 2017નો મેં બદલો લીધો

PC: divyabhaskar.co.in

ગુજરાતમાં ત્રીજા ચરણ દરમિયાન તમામ સીટો પર મતદાન થઈ ગયું. પરંતુ એ અગાઉ સુરત લોકસભા ચૂંટણીમાં હાઈ વૉલ્ટેજ ડ્રામા સર્જાયા હતા. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ કરી દીધા બાદ તે છેલ્લા 22 દિવસથી ગાયબ હતા. ત્યારબાદ ગઇ કાલે મોડી સાંજે સામે મીડિયા સામે તેઓ હાજર થયા હતા અને તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે, મેં નહીં, કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે. મારે ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે કંઈ લેવા-દેવા નથી. મેં કોંગ્રેસ સાથે ગદ્દારી કરી નથી. કોઈ માનો લાલ પેદા થયો નથી, જે મને મારી શકે. સુરત કોંગ્રેસના 5 નેતાઓના કારણે મેં એમ કર્યું છે. મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે.

તેમણે કહ્યું કે, હું અને મારા ટેકેદારો એક સાથે છીએ. કોંગ્રેસના નેતાઓએ વર્ષ 2017માં મને ટિકિટ આપીને પાછી ખેંચી લીધી હતી, એટલે મેં આ પરિવાર સાથે બદલો લીધો છે. મારા ટેકેદારો અને કાર્યકર્તાઓએ બદલો લીધો અને હું પણ તેમાં સાથે છું. હું પિટિશન કરવા હાઇ કોર્ટ ગયો હતો, પરંતુ કોંગ્રેસે મારા ઘરે વિરોધ ચાલું કર્યો એટલે હું ગાયબ થઇ ગયો હતો. અત્યારે હું કોંગ્રેસ સાથે નથી. હવે રાજકારણમાં રહેવું કે ન રહેવું એ અંગે મારા હિતેચ્છુંઓ સાથે ચર્ચા કરીશું. ટેકેદારોનું અપહરણ થયુ નહોતું.

નિલેશ કુંભાણીએ કહ્યું કે, મારા નિવેદનથી કોંગ્રેસને કોઈ નુકસાન ન થાય, એટલે હું ચૂપ હતો. પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલની મર્યાદા નડતી હતી, એટલા માટે નિવદેન આપવા ચૂંટણી પૂર્ણ થયા બાદ મારે હાજર થવું હતું. મારા નિવદેનથી કોંગ્રેસને કોઈ નુકસાન ન થાય. કોંગ્રેસે 2017માં કહ્યું હતું કે, ટિકિટ તમારી જ છે મહેનત કરો. મેં ખર્ચો કર્યો, મહેનત કરી, BJPમાંથી આવેલાને મારું મેન્ડેડ આપી દીધું હતું. ટિકિટ મને મફત નહોતી આપી. જે તે પ્રમખ હતા તેમના દ્વારા ટિકિટ લીધી હતી. ત્યારબાદ ઉપરથી રૂપિયા આપ્યા તો તેમણે ટિકિટ આપી દીધી. પછી ટી.વી.માં સમાચાર આવ્યા કે મેન્ડેડ બીજાને આપ્યું છે.

મેં પ્રમુખને કહ્યું હતું કે, ટિકિટ કોને આપી છે. તેમણે કહ્યું મેન્ડેડ મળી ગયું હોય તો ફોર્મ ભરો. સામાન્ય જનતા, પાર્ટી મારી સાથે હતી. તેમણે કહ્યું કે,20 હજાર લોકોને લઇને હું ફોર્મ ભરવા ગયો હતો. કલેક્ટર ઓફિસે પહોંચ્યા ત્યારે મને કહ્યું કે, તમે પાછા જાવ. મારી સાથે જનતા જોડાયેલી હતી. કાર્યકર્તા હતા. ત્યારે પાર્ટીએ ગદ્દારી નહોતી કરી. અત્યારે ગદ્દારી ગદ્દારીની વાતો કરે છે. હું ચૂપ બેઠો હતો. સામાન્ય જનતા પણ જાણે છે. કોંગ્રેસ કાર્યાલય 24 કલાક ખુલ્લુ રાખ્યું છે. અહીં કોંગ્રેસના કોર્પોરેટર નહોતા. કોંગ્રેસના પ્રમુખે પણ રાજીનામું આપી દીધું હતું. જ્યારે કોરોના આવ્યો ત્યારે કોંગ્રેસને ઉજ્જવળ રાખવા માટે મેં કોંગ્રેસના નામે આઇસોલેટેડ વોર્ડ ખોલ્યો હતો. રસોડું કોંગ્રેસના નામે 24 કલાક ખોલ્યું હતું.

નિલેશ કુંભાણીએ કહ્યું કે, કોઇએ ગામ જવું હોય અથવા પરપ્રાંતિય કોઈ અટવાયા હોય, તો કોંગ્રેસે એક નંબર જાહેર કર્યો હતો. ત્યારે મને ફોન આવતા હતા કે આ સરનામાં પર તમે જઈ આવો. તેમને કીટ આપો, ફલાણાને રૂપિયા આપો, તેને ટ્રેનની વ્યવસ્થા કરી આપો, કોઈએ સૌરાષ્ટ્રમાં જવાનું હોય ત્યારે બસની વ્યવસ્થા હું કરતો હતો, તે બધું કોંગ્રેસના નામે હતું. અહીં કોંગ્રેસમાં જે 5 લોકો છે, જે વિરોધ કરનારા છે. એ ચૂંટણી સમયે વિરોધ કરશે. કેટલાક કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટી (AAP)માં જતા રહ્યા હતા તે અત્યારે વિરોધ કરવા નીકળશે. AAPએ ટિકિટ ન આપી તો કોંગ્રેસમાં ટિકિટ લેવા માટે અને કોંગ્રેસમાં સામેલ થવા માટે વિરોધ કરે છે.

તેમણે કહ્યું કે અહીંના જે વિરોધ કરે છે તે લોકો કામ નહોતા કરતા. જ્યારે કોંગ્રેસને ઊભી રાખવા 24 કલાક સરદાર ફાર્મ ખુલ્લુ રાખી કામ કરતો હતો. અત્યારે કોંગ્રેસવાળા ગદ્દારી ગદ્દારી કરે છે. પહેલા કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે. 2017માં ટિકિટ આપી હતી. ટિકિટ આપ્યા બાદ ટિકિટ અંતિમ સમયે કાપી નાખી હતી. અત્યારે આ કોંગ્રેસ માટે કરવાનું નહોતું. પણ મારા કાર્યકર્તા, ટેકેદારો, હોદેદારો, ઓફિસનો સ્ટાફ નારાજ હતા કે એકપણ વોર્ડ પ્રમુખ બનાવે તો બહારનાને બનાવે છે. વોર્ડ પ્રમુખ કામ ન કરે, બીજા પાસે કામ કરાવે.

અહીના કાર્યકર્તાઓએ કામ કરવું હતું, પણ અહીં બની બેઠલા 5 નેતાઓએ કામ કરવું નથી અને કામ કરવા દેવું નથી. AAPના નેતાઓ કે કાર્યકર્તાઓ મારી સાથે કામ કરતા હોય કે અહીંના કોર્પોરેટર મારી સાથે કામ કરતા હોય તો તેમનો વિરોધ કરે કે તેમને શા માટે સાથે રાખો છો. એમના ફોટા કેમ રાખો છો. અમારા ફોટા કેમ નથી રાખતા. અમને કેમ સાથે નથી રાખતા. હોદ્દેદારો છે તેના કાયદેસર ફોટા રાખીએ છીએ. આપણને 2,700 મત મળ્યા હોય અને જેને 50 હજાર વોટ મળ્યા હોય તેમને આપણે સાથે રાખવા પડે. INDIA ગઢબંધન છે. એટલે આપણે AAPને સાથે રાખવી પડે એ સમજાવતા હતા. તેમણે ડોર ટુ ડોર જવું નથી અને વિરોધ કરે છે.

કોંગ્રેસ દ્વારા સસ્પેન્ડ કરવા પર તેમણે કે, વર્ષ 2017માં મારી ટિકિટ કાપી હતી. ત્યારે મેં કોંગ્રેસ વિરૂદ્ધ એક પણ નિવેદન આપ્યું નહોતું. ત્યારે આ કોંગ્રેસે જ મને કહ્યું હતું કે, તમે રાત્રે આવો, હું સવારે નીકળીશ. બાબુ મંગુકિયા સાથે વાત થઈ હતી અને હજી તો કરજણ જ પહોંચ્યો હતો. એટલામાં જ મારા ઘર પર વિરોધ શરૂ કરાયો હતો. મેં મારા ટેકેદારો અને કાર્યકરો અને સમર્થકોને સમજાવ્યા કે કંઈ કરવાનું નથી. મેં ચૂંટણી સુધી રાહ જોઈ, એમ કરીને કે મારા નિવેદનથી કોંગ્રેસને નુકસાન થવું ન જોઈએ. હું BJP કે AAP સાથે નહોતો. મારો BJPમાં કોઈ સાથે કોન્ટેક થયો નથી કે નથી AAP સાથે રહ્યો.

હું મારી ગાડીમાં જ કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો અને ત્યાંથી મારી ગાડીમાં જ કલેક્ટર કચેરીથી નીકળ્યો હતો. હું કોઈ BJPવાળાઓની ગાડીમાં નહોતો. મારા ઠેકેદારો બધુ જોતા હતા કે કોંગ્રેસના નેતાઓ કેવી રીતે મારી સાથે વર્તી રહ્યા હતા. દર્શનભાઈ નાયકને સાથે રાખીને કામ કરીએ તો સંગઠનને મારી સાથે કામ કરવું નથી. હું સુરતમાં હતો. સૌરાષ્ટ્ર મારા વતનમાં હતો અને મારી વાડીએ હતો. કોઈ BJP સાથે હું બેઠો નથી. કોઈ AAPવાળાઓ સાથે પણ બેઠો નથી. અત્યારે હું મારી રીતે એમ જ બેઠો છું. સમાજ સેવા કરવાની તૈયારી કરી છે પછી ગમે તે રસ્તો લેવો. અમારા હિતેચ્છુ જે નિર્ણય લશે, એ મુજબ કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp