લ્યો બોલો! હવે ધારાસભ્યોના લાખો રૂપિયાના મેડિકલ બિલ પણ જનતાના પૈસામાંથી ચૂકવાશે

PC: youtube.com

જે જનતા પોતાના વિસ્તારમાં વિકાસનાં કામ કરવા માટે જે ધારાસભ્યોને ખોબલે ને ખોબલે મત આપીને વિધાનસભામાં મોકલતા હોય છે. તે ધારાસભ્યો સત્તા મળ્યા પછી જનતાના પૈસે જ લીલાલહેર કરે છે. એક તરફ ગુજરાતમાં ઘણા એવા વિસ્તારો છે, જ્યાં રોડ-રસ્તા અને ગટરની વ્યવસ્થાના પણ ફાંફા છે અને બીજી તરફ ધારાસભ્યો મોંઘી મોંઘી હોસ્પિટલોમાં સારવાર કરાવીને બિલ સરકાર પાસેથી વસુલ કરે છે. ત્યારે કેટલાક ધારાસભ્યના લાખો રૂપિયાના મેડિકલ બિલ મુકાતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નારાજગી વ્યક્ત કરી હતી અને આર્થિક રીતે સદ્ધર ધારાસભ્યોના મેડિકલ બિલ નહીં મુકવા માટે ટકોર કરી છે.

એક લાખ રૂપિયાનો પગાર ધરાવતા અને આર્થિક રીતે સક્ષમ ધારાસભ્યો લાખો રૂપિયાનું મેડિકલ બિલ સરકારમાં મુકતા હોવાનો ખુલાસો એક RTIમાં થયો છે. ધારાસભ્યોના મેડિકલ બિલની વાત કરવામાં આવે તો ધારાસભ્ય નિરંજન પટેલનું 10 લાખનુ બિલ, ધારાસભ્ય મિતેશ ગરાસીયાએ 5.91 લાખનું બિલ, ધારાસભ્ય રામસિંહ પરમારે 4.77 લાખનું બિલ, ધારાસભ્ય મણીભાઈ વાઘેલાએ 4.20 લાખનું બિલ, ધારાસભ્ય પંકજ મહેતાએ 3.68 લાખનું બિલ, ધારાસભ્ય અશોક પટેલે 3.16 લાખનું બિલ, ધારાસભ્ય બળદેવજી ઠાકોરે 1.25 લાખનું બિલ, ધારાસભ્ય રાકેશ શાહે 1.11 લાખનું બિલ, ધારાસભ્ય કરમશી મકવાણાએ 4.26 લાખનું બિલ, ધારાસભ્ય રમેશ ચાવડાએ 4 લાખનું બિલ, ધારાસભ્ય જોયતા પટેલે 3 લાખનું બિલ, ધારાસભ્ય છોટુ વસાવાએ 6.56 લાખનું બિલ મુક્યું છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ બાબતે જણાવ્યું હતું કે, આરોગ્યનું બિલ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના ધારાસભ્યો મુકે તે વ્યાજબી અને યોગ્ય છે. તેમના પરિવારમાં માતા-પિતાની સારવાર હોય, દીકરાઓની સારવાર હોય કે, પરિવારની વ્યાખ્યામાં આવતા હોય તેની સારવાર હોય. તો સરકાર પાસે ભલે તેઓ મેડિકલ બિલ મેળવે પણ સુખી અને સાધન સંપન્ન ધારાસભ્યો છે, તે આવી રકમ પરત ન મેળવે તેવી મારી લાગણી છે. મારી આ લાગણી મેં વિધાનસભામાં વ્યક્ત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp