ભાડે સર્ટિફિકેટ આપતા ફાર્મસિસ્ટ પર લગામ લગાવવા કાયદો બદલાયો, હવે 1 લાખ દંડ અને..

PC: justdial.com

હાલમાં અનેક એવા મેડિકલ સ્ટોર છે, જેના માટે ફાર્મસિસ્ટ પોતાનું સર્ટિફિકેટ આપે છે અને તેની સામે ભાડું વસૂલતા હોય છે. આ મામલે અત્યાર સુધી 1,000 રૂપિયાનો દંડ હતો. હવે આ દંડની રકમ વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. ભારત સરકારે જન વિશ્વાસ બિલમાં ફાર્મસી એક્ટમાં સુધારો કરીને નવા દંડની રકમ નક્કી કરવામાં આવી છે. જો બીજી વખત નિયમનું ઉલ્લંઘન કરતા પકડાશે તો 2 લાખનો દંડ અને 3 મહિનાની જેલની સજા કરવામાં આવશે.

ફાર્મસી માફિયા પર અંકુશ લાવવા માટે 75 વર્ષે કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભારત સરકારે જનવિશ્વાસ બિલમાં ફાર્મસી એક્ટમાં સુધારો કરીને કાયદો કડક કર્યો છે. હવે ફાર્મસી એક્ટનું ઉલ્લંઘન કરનાર લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. ફાર્માસિસ્ટ પોતાના રજિસ્ટ્રેશનનો ઉપયોગ કરી સર્ટિફિકેટ મેડિકલ સ્ટોર ચલાવવા ભાડે આપશે તો 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. અગાઉ 1,000 રૂપિયાનો દંડ અને 6 મહિના જેલની સજા હતી. જૂના કાયદામાં સુધારો કરીને દંડની રકમ 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ મોન્ટુ પટેલે જણાવ્યું  કે, સરકાર દ્વારા સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ અને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને પાવર આપવામાં આવ્યા છે કે, નિયમનું ઉલ્લંઘન કરનાર ફાર્માસિસ્ટને પહેલી વખત 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે, તો બીજી વખત પકડાય તો 2 લાખ રૂપિયાનો દંડ અને 3 મહિનાની જેલની સજા કરવામાં આવશે. આ કાયદાથી ગામડાના લોકોને પણ ગામડાના મેડિકલ સ્ટોરમાંથી ફાર્માસિસ્ટ પાસેથી જ દવા મળશે. ફાર્માસિસ્ટ વિના દવા વેચી જ શકાશે નહીં.

તેમણે આગળ જણાવ્યું હતું કે, ફાર્મસી કાઉન્સિલ ઇન્ડિયા દ્વારા દેશના દરેક રાજ્યની સરકાર અને સ્ટેટ ફાર્મસી કાઉન્સિલને સેક્શન 26 હેઠળ જન વિશ્વાસ બિલમાં સુધારો આવ્યો છે તે અંગે જાણ કરવામાં આવી છે. ભાડા પર ફાર્મસીના રજિસ્ટ્રેશન ચાલી રહ્યા છે, ટીચર્સ પણ દવાઓ આપતા હોય છે તે બધા પર કાયદા દ્વારા નિયંત્રણ આવશે. લોકોને ફાર્માસિસ્ટ પાસેથી ચોક્કસ ગુણવત્તાવાળી દવા મળવી જોઈએ તો ફાર્માસિસ્ટની હાજરીમાં જ મળશે. અત્યાર સુધી ફાર્મસી માફિયાઓ ફાર્મસી ચલાવી રહ્યા હતા એ માફિયાગીરીનો અંત આવશે. હવે ગરીબ લોકો સુધી પણ ગુણવત્તાયુક્ત દવા પહોંચશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp