હવે ચાલુ કોર્ટમાં વકીલનું હાર્ટ એટેકથી મોત,ગુજરાતના વડોદરામાં ઘટના પ્રકાશમાં આવી

PC: navbharattimes.indiatimes.com

ગુજરાતમાં અચાનક હાર્ટ એટેકના કેસ પર બ્રેક લાગી નથી. રાજ્યમાં હાર્ટ અટેકથી જીવ ગયાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજ્યની વડોદરાની કોર્ટમાં એક એડવોકેટનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. હાર્ટ એટેકના કારણે વકીલના મોતને લઈને કોર્ટમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તમામ વકીલો તેમના સાથી વકીલની ખબર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. વકીલની ઓળખ જગદીશભાઈ જાધવ તરીકે થઈ હતી. તેઓ વડોદરા બાર એસોસિએશનમાં વર્ષોથી પ્રેક્ટિસ કરતા હતા. એક કેસની સુનાવણી દરમિયાન તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેમનું મૃત્યુ થયું. આ સમાચાર મળતાની સાથે પરિવાર સહિત વકીલ આલમમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ હાર્ટ એટેકના વધતા જતા કેસોને જોતા ગુજરાત સરકારે રાજ્યના બે લાખ પ્રાથમિક શિક્ષકોને CPRની તાલીમ આપવાનો નિર્ણય કર્યો છે.

 

વડોદરાના ડભોઈ રોડ પર રહેતા જગદીશભાઈ જાદવ એક કેસ સંદર્ભે જિલ્લા કોર્ટમાં હાજર થયા હતા. ચાલુ કોર્ટમાં જગદીશભાઈને હ્રદયરોગનો હુમલો આવ્યો અને તેમનું અવસાન થયું. જગદીશભાઈ જાદવ 53 વર્ષના હતા. એડવોકેટ હર્ષદ પરમારે જણાવ્યું હતું કે, તેઓ ઘરેથી કોર્ટ પહોંચ્યા ત્યારે તો એકદમ સ્વસ્થ હતા. ગુજરાત બાર કાઉન્સિલના પ્રમુખ નલિન પટેલે જગદીશભાઈ જાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અત્યાર સુધી રાજ્યમાં ગરબાના કાર્યક્રમો તેમજ શાળા-કોલેજોમાં હાર્ટ એટેકના કેસ નોંધાયા છે. ચાલુ કોર્ટમાં એડવોકેટના મૃત્યુનો આ પહેલો કેસ છે.

 

હાર્ટ એટેકની વધતી જતી ઘટનાઓ વચ્ચે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત સરકારે રાજ્યની તમામ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના બે લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન (CPR)ની તાલીમ આપવાનું નક્કી કર્યું છે, જેથી કટોકટીની સ્થિતિમાં જો કોઈને હાર્ટ એટેક આવે તો શિક્ષકો તેમણે પ્રાથમિક સારવાર તરીકે તેમને બચાવવાની કોશિશ કરી શકે. ગુજરાત સરકારે આ અગાઉ પોલીસ કર્મચારીઓને CPRની તાલીમ આપી હતી. પોલીસકર્મીઓને તાલીમ આપ્યા પછી એવું જોવા મળ્યું છે કે, તેઓએ ઘણા લોકોના જીવ બચાવ્યા છે. શિક્ષણ મંત્રી કુબેર સિંહ ડીંડોરે કહ્યું કે, રાજ્યના 2500થી વધુ ડોકટરો દ્વારા 3 થી 18 ડિસેમ્બર વચ્ચે શિક્ષકોને તાલીમ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp