હવે મુખ્યમંત્રી ઠાકોર સમાજમાંથી હોવા જોઇએ, ગરીબોની સરકાર બને: ગેનીબેન ઠાકોર

PC: zeenews.india.com

ઉત્તર ગુજરાતના વાવના કોંગ્રેસના ધારાસભ્ય અને વિવાદાસ્પદ નિવેદનોથી ચર્ચામાં રહેતા ગેનીબેન ઠાકોર એક વિજય યાત્રા દરમ્યાન કહ્યું કે હવે મુખ્યમંત્રી ઠાકોર સમાજનો હોવો  જોઇએ, ગરીબોની સરકાર હોવી જોઇએ. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ હતું કે, પછાત સમાજની બહુમતી હોવા છતા આ સરકારમાં કોઇ પણ રીતે પ્રાધાન્ય મળતું નથી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની છે ત્યારે બધી રાજકીય પાર્ટીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. બધા સમાજને પોતાનો મુખ્યમંત્રી જોઇએ છે. પાટીદાર સમાજ કહે છે, અમારા સમાજના CM હોવા જોઇએ, હવે ઠાકોર સમાજ કહે છે કે મુખ્યમંત્રી અમારા સમાજના હોવા જોઇએ.

અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના નેતા નવઘણ ઠાકોરના નેજા હેઠળ વાવના ઢીમામાં એક વિજય યાત્રા નિકળી હતી જે ભગવાન ઘણીધર મંદિર પહોંચી હતી. નેતા નવઘણે કહ્યું કે અમે મંદિરમાં સંકલ્પ કર્યો છે કે મુખ્યમંત્રી ઠાકોર સમાજનો બને અને તેના માટે અમે ઢીમાથી વિજય યાત્રાની શરૂઆત કરી છે.ચૂંટણીના મદમાં નેતાઓ કેવા કેવા વચનો આપી દેતા હોય છે તેનો દાખલો પણ જોવો મળ્યો. મીડિયા સાથેની વાતચીતમાં નવઘણે કહ્યું કે અમારી સરકાર આવશે તો જેમના વાહનોના દંડ લેવાયા છે તે 10 વર્ષ સુધીના પાછા આપી દઇશું અને એવી પોલીસી લાવીશું કે પોલીસ વાહનોને અટકાવી જ ન શકે.

આ યાત્રામાં જોડાયેલા ગેનીબેન ઠાકોરે ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, વર્તમાન સરકારે SC, ST, OBCને પાયાની સુવિધા, રોજગારી, લાભ કે કશું આપ્યું નથી. રૂલીંગ પાર્ટીના મૂડિપતિ નેતાઓ ચૂંટાઇ ગયા પછી કયારેય આવતા નથી આ સમાજની બહુમતી હોવા છતા સમાજના કોઇ કામ થતા નથી, સરકારમાં કંઇ ઉપજતું પણ નથી. ચૂંટણી સમયે ભાજપ આ સમાજના લોકોને ટિકીટ તો આપે છે, નેતાઓ ચુંટાઇને પણ આવે છે, પરંતુ તેમનું કોઇ મહત્ત્વ રહેતું નથી. વર્તમાન સરકારમાં હીટલરશાહી જેવો વહેવાર ચાલી રહ્યો છે.

ગેનીબેન ઠાકોરે કહ્યુ કે આ વખતની વિધાનસભાની ચૂટંણી પછી મુખ્યમંત્રી ઠાકોર સમાજનો હોવો જોઇએ અને અમે બધા આ વિજય યાત્રાને સમર્થન આપી રહ્યા છે. અમે ઇચ્છીએ છીએ કે હવે ગરીબોની સરકાર બને.

ગેનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય છે અને વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી ભાજપના શંકરસિંહ ચૌધરીને હરાવીને વિજયી બન્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp