હવે ગામડામાં પોસ્ટર લાગ્યા, રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપને નો એન્ટ્રી

PC: twitter.com/PRupala

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2024ની ચૂંટણીમાં આ વખતે પરષોત્તમ રૂપાલાને રાજકોટથી ટિકિટ આપી છે. રૂપાલા આજ સુધી ક્યારેય ચૂંટણી લડ્યા નથી, પરંતુ પહેલી જ ચૂંટણીમાં તેમને ગ્રહણ લાગી ગયું છે. 23 માર્ચે રાજકોટમાં તેમણે જે નિવેદન આપ્યું હતું તેના પડઘા હવે શહેરો સુધી સીમિત નથી રહ્યા, પરંતુ ગામડામાં પણ વિવાદ પહોંચી ગયો છે. અત્યાર સુધી અમદાવાદ, ભરૂચ, વડોદરા, સુરત,રાજકોટમાં રૂપાલાની સામે ક્ષત્રિય સમાજે રેલીઓ કાઢીને પ્રદર્શન કર્યું છે. 3 એપ્રિલે ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની બેઠક પણ પડી ભાંગી છે ત્યારે આ આંદોલન હવે વધારે ઉગ્ર બનશે તેવા એંઘાણ મળી રહ્યા છે.

ભાજપના દિગ્ગજ નેતા પરષોત્તમ રૂપાલા 23 માર્ચે રાજકોટમાં વાલ્મીકી સમાજના કાર્યક્રમમમાં પ્રચાર કરવા માટે ગયા હતા. રૂપાલાએ તે વખતે કહ્યું હતું કે, રાજા મહારાજાઓ અંગ્રેજોની સામે નમી ગયા હતા અને રોટી-બેટીનો વહેવાર કર્યો હતો. આ વાતથી ક્ષત્રિય સમાજ જબરદસ્ત નારાજ થયો હતો અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ શરૂ થઇ હતી. આ વિવાદને 11 દિવસ થઇ ગયા. ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરી પરંતુ ડેમેજ કંટ્રોલ થઇ શક્યું નથી. સૌથી પહેલા ડેમેજ કંટ્રોલ કરવાની જવાબદારી ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહ જાડેજાને સોંપવામાં આવી હતી. તેમણે એક જાહેર કાર્યક્રમમાં કહ્યું કે, રૂપાલાએ બે વખત માફી માંગી લીધી છે એટલે આ વિવાદનો અહીં અંત આવે છે. પરંતુ ક્ષત્રિય સમાજે બીજા દિવસે નિવેદન આપ્યું કે જયરાજ સિંહ જાડેજાની વાત અમને મંજૂર નથી અમને માફી નથી જોઇતી, માત્ર એક જ મુદ્દો છે કે રૂપાલાની ટિકિટ રાજકોટ બેઠક પરથી રદ કરો.

હવે રૂપાલાનો વિવાદ ગામડામાં પણ પહોંચ્યો છે અને નર્મદા જિલ્લામાં આવેલા ગોપાલપુરા ગામની બહાર એક પોસ્ટર લગાવવમાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે ભાજપના કોઇ પણ કાર્યકર કે આગેવાનોએ ગોપાલપુરા ગામમાં પ્રવેશ કરવો નહીં. નીચે લખ્યું છે જ્યા સુધી પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી. સમસ્ત ગોપાલપુરા રાજપૂત સમાજ એવું લખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp