મોરબી અસરગ્રસ્તોને વળતર આપવાની જવાબદારી ઓરેવા કંપનીની છે: ગુજરાત હાઇકોર્ટ

PC: barandbench.com

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં શુક્રવારે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. હાઇકોર્ટે ઓરેવા ગ્રુપની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને કહ્યુ હતું કે, અસરગ્રસ્તોને વળતર આપવાની જવાબદારી ઓરેવા ગ્રુપની છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને પણ ખખડાવી હતી.

ગુજરાત સરકાર તરફથી ગુજરાત હાઇકોર્ટમાં SITનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં કેટલા મહત્ત્વના મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોરબી બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધી 10ની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 6 આરોપીઓને જામીન મળ્યા છે, જ્યારે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ સહિત 4 આરોપી હજુ જેલમાં છે.

સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા SITના રિપોર્ટમાં કહેવાયું છે કે, ભવિષ્યમાં મોરબી પુલ જેવી દુર્ઘટના ન બને તેના માટે સરકારે રાજ્યવ્યાપી નીતિ બનાવવામાં આવી હોવાની અને મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવેલા વળતરની વિગત પણ આપવામાં આવી હતી.

જ્યારે પીડિત પરિવારના વકિલે હાઇકોર્ટમાં પરિવારજનોની સ્થિતિનો ચિતાર રજૂ કર્યો તો હાઇકોર્ટે ઓરેવા કંપનીને કડક ફટકાર લગાવીને કહ્યું હતું કે, આર્થિક વળતર ચુકવવાની જવાબદારી ઓરેવા કંપનીની છે. વિધવાઓને નોકરી આપવી અને જો તેમને નોકરી ન જોઇતી હોય તો તેમને માસિક વળતર ચુકવવા માટે કલેકટર રિપોર્ટ રજૂ કરશે. હાઇકોર્ટે કહ્યું કે એક વખત વળતર ચુકવ્યુ એટલે કંપનીની જવાબદારી પુરી થઇ જતી નથી.

જ્યારે આરોપી જયસુખના વકીલે કોર્ટમાં કહ્યું કે, જયુસખ પટેલ જાન્યુઆરી મહિનાથી જેલમાં છે અને તેમને જામીન પણ મળતા નથી. આ વાત સાંભળીને ચીફ જસ્ટિસ ધુંઆફુંઆ થઇ ગયા હતા અને વકિલને તતડાવતા કહ્યુ હતું કે, આ અમારો વિષય નથી, આ બાબતે આ કોર્ટમાં રજૂઆત ન કરો. ચીફ જસ્ટિસે કહ્યું કે, તમને અંદાજ પણ છે ખરો કે તમે શું કર્યું છે? આ તો અસરગ્રસ્તોને મદદ થઇ શકે એટલા માટે તમને સાંભળવાનો મોકો આપવામાં આવ્યો છે, અન્યથા તમને કોર્ટમાં ઉભા પણ નહીં રહી શકો.

હાઇકોર્ટે રાજ્ય સરકારને પણ ટકોર કરી કે, હવેથી તમામ બ્રિજની જવાબદારી નગર પાલિકા અને મહાનગર પાલિકાને બદલે રાજ્ય સરકાર ઉપાડે.કોર્ટે આગળ કહ્યું કે જે બ્રિજ જૂના થયા છે અને ઉપયોગમાં લઈ શકાય તેમ નથી તેને બંધ જ કરી દેવામાં આવે. તેનો અર્થ કોઈપણ બ્રિજ તોડવાનો નથી પણ આઇકોનિક બ્રિજની જાળવણી કરવી એ સરકારની જવાબદારી છે. ઐતિહાસિક બ્રિજ જાળવણી માટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા સાથે પરામર્શ કરી નિપુણ આર્કિટેક્ટસને આ પ્રકારના કામ સોંપવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp