મૂળ નેપાળના અને સુરતમાં રહેતા નબરાજના અંગદાનથી 4 લોકોને મળશે નવજીવન
સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક સફળ અંગદાન થયું છે. અને મૂળ નેપાળના અને સુરત નજીક આવેલા મગદલ્લામાં રહી રસોઈકામ કરતા બ્રેઈનડેડ નબરાજ ભુજેલના લિવર, બે કિડની અને હ્રદયના દાનથી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.
મૂળ ધનુસા નગરપાલિકા, ગણેશમાન સારનાથ વોર્ડ નં-૫, નેપાળના વતની ૨૩ વર્ષીય નબરાજ બહાદુરભાઈ ભુજેલ રસોઈ કામ સાથે સંકળાયેલ હતા. તા.૦૨ જાન્યુ.ના રોજ પોતાની બહેનના ઘરેથી બાઈક પર પરત ફરી રહ્યા હતાં, ત્યારે બાઈકનો અકસ્માત થયો હતો. રસ્તા પર બેભાન અવસ્થામાં મળી આવતા કોઈ અજાણ્યા વ્યક્તિએ નબરાજના મોબાઈલથી સંપર્ક કરી ઘરપરિવારને જાણ કરી હતી અને ૧૦૮ ઈમરજન્સી સેવાનો સંપર્ક કરી નવી સિવિલ હોસ્પિટલમાં તા.૦૨ જાન્યુ.એ રાત્રે વાગ્યે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. જ્યાં માથામાં ગંભીર ઈજા અને હેમરેજનું નિદાન થતા સિવિલના આઈસીયુમાં શિફ્ટ કરાયા હતા. સઘન સારવાર બાદ તા.૪થીએ રાત્રે ૯.૪૯ વાગ્યે ડો.જય પટેલ તથા ડો.હરિન મોદી, ડો.નિલેશ કાછડીયા અને RMO ડો.કેતન નાયકે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
નેપાળી પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. બ્રેઈનડેડ નબરાજના પરિવારે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી. મગદલ્લાના ભાટિયા ફાર્મમાં રહેતા તેમના પત્ની ભગવતીબેન સહિત પરિવારે સંમતિ આપતા તા.૫મીએ બ્રેઈનડેડના કિડની અને લીવરને અમદાવાદની KD હોસ્પિટલ ખાતે તથા હ્રદય સિમ્સ હોસ્પિટલ-અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, એનેસ્થેસિયા વિભાગના વડા ડો.નિતા કવિશ્વરના માર્ગદર્શનમાં એનેસ્થેસિયાના ડોક્ટર્સની ટીમ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp