પાન-મસાલાના ગલ્લા ગમે ત્યારે બંધ થશે, જાણો CMના સચિવ શું કહે છે

PC: ANI

ગુજરાતમાં પાન-મસાલાના ગલ્લાઓને છૂટ આપવામાં આવી છે પરંતુ જો આ જગ્યાએ ભીડ એકત્ર થવાની ચાલુ રહેશે તો આ છૂટને ગમે તે સમયે પાછી ખેંચી લેવામાં આવશે તેવી ચેતવણી મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આપી છે. તેમણે કહ્યું હતું કે લોકડાઉન 4.0 પછી મંગળવારે આપવામાં આવેલી કેટલીક છૂટછાટોમાં પોલીસ અને વહીવટી તંત્ર બજાર પર નજર રાખી રહ્યું છે. કોરોના સંક્રમણ એક કે બે દિવસમાં થાય તે શક્ય નથી, તેના માટે પાંચ થી સાત દિવસનો સમય જોઇએ તેમ છતાં જ્યાં ભીડ જેવું લાગે છે ત્યાં પોલીસના કર્મચારીઓ એક બીજાથી અંતર રાખવાની સૂચના આપી રહ્યાં છે.

ગુજરાત સરકારે તેની ગાઇડલાઇનમાં સ્પષ્ટ કર્યું છે કે દુકાનદાર જો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરાવે તો તેની દુકાન બંધ કરી દેવામાં આવશે. એટલું જ નહીં વેચનાર અને ખરીદનાર એમ બન્નેએ માસ્ક પહેરેલું હોવું જરૂરી છે. દુકાનની આગળના ભાગમાં હેન્ડ સેનેટાઇઝર વસાવવું પણ ફરજીયાત છે.

ગુજરાતના શહેરોમાં પહેલા દિવસે પાન-સિગારેટના ગલ્લા ખોલવામાં આવ્યા પરંતુ દુકાનમાં માલ ઓછો હોવાથી મોટાભાગના લોકો નિરાશ થઇ ગયા હતા. આ દુકાનદારો કે ગલ્લાના માલિકો પાસે તમાકુનો અભાવ હતો. માત્ર જૂની સિગારેટ મળતી હતી. જથ્થાબંધ માર્કેટમાંથી માલસામાનની ડિલીવરી વિના ગ્રાહકોને તેમના વ્યસન મળી શકે તેમ નથી.

અમદાવાદ અને ગાંધીનગરમાં જ્યાં પાન-સિગારેટના ગલ્લા દુકાનોમાં આવેલા છે ત્યાં વેપારીઓ અત્યારે કેસર કેરી વેચી રહ્યાં છે. આશ્ચર્ય સાથે જે લોકો પાન-મસાલા લેવા જાય છે તેઓને વ્યસન તો મળતું નથી પરંતુ કેસર કેરી લઇને પાછા આવે છે. તમાકુ અને સોપારીના હોલસેલ વેપારીઓએ હજી તેમનો માલ ડિલીવર કર્યો નથી ત્યારે પાન-મસાલાના ગલ્લા ખોલવાનો કોઇ અર્થ રહેતો નથી.

Image

અશ્વિનીકુમારે કહ્યું હતું કે પહેલા દિવસે પાન-મસાલાની દુકાનો અને ગલ્લાઓ પર લોકોની ભીડ જોવા મળી હતી. ઘણી જગ્યાએ ડિસ્ટન્સ નહીં રાખતાં પગલાં લેવાની ફરજ પડી છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આવી દુકાનોને બંધ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ઘણી જગ્યાએ પાન-મસાલા અને સિગારેટ મેળવવા માટે લાંબી લાઇનો લાગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp