ગુજરાતમાં પેન્ડિંગ દસ્તાવેજોના કારણે મિલકત ધારકો અટવાયા, જાણો આંકડો કેટલો?

PC: timesofindia.indiatimes.com

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગમાં દર મહિને સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સના અધ્યક્ષસ્થાને નાયબ કલેક્ટર (સ્ટેમ્પડ્યુટી) ની કામગીરી માટે સમીક્ષા બેઠક રાખવામાં આવે છે તેમ છતાં હાલની સ્થિતિએ કલમ-32 ક હેઠળ કુલ 152790 કેસોમાં બાકી વસૂલાત 230.86 કરોડ રૂપિયા થવા જાય છે.

મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે માર્ચ 2020 અંતિત કલમ-32 ક ના પડતર દસ્તાવેજોની સંખ્યા 56112 હતી જ્યારે 2020-21ના વર્ષમાં એપ્રિલ થી ડિસેમ્બર સુધીના સમયગાળામાં આ કલમ હેઠળ કુલ 11609 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને તેના દ્વારા સરકારને 16.25 કરોડ રૂપિયાની આવક થઇ હતી.

જ્યારે કલમ-32 ક હેઠળ રાજ્યની કુલ 35 નાયબ  કલેક્ટર સ્ટેમ્પડ્યુટી મૂલ્યાંકનની કચેરીમાં ગયા વર્ષના ડિસેમ્બર મહિનાના અંતે કુલ 46365 કેસો પડતર રહ્યાં હતા અને હવે આ કલમ પ્રમાણેના કેસોની કુલ સંખ્યા દોઢ લાખ કરતાં વધી ગઇ છે.

અધિકારીએ જણાવ્યું હતું કે બાકી વસૂલાતના કેસોમાં ઝડપ આવે તે માટે એલઆરસી-152 તેમજ 200 પ્રમાણે નોટીસ અને બોજા અંગની નોંધ ઇ-ધરાના રેકર્ડ પર લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે પડતર કેસો અંગે વિભાગને ચાલુ વર્ષે ટારગેટ આપ્યો છે. મુંબઇ સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ- 32 ક ના પડતર દસ્તાવેજોના નિકાલ માટે સરકારના આદેશથી તમામ કેસો ચલાવવા માટે પ્રાંતઅધિકારીઓને ખાસ સત્તા આપવામાં આવેલી છે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિયત કાર્યપદ્ધતિ તેમજ અરજદારને સાંભળવાની વ્યાજબી તક ન મળવાની બાબતને ધ્યાને લઇ એક ચૂકાદાથી તમામ બાકી વસૂલાતના કેસો ફરી ચલાવવા હુકમ કરવામાં આવ્યો હતો. એ ઉપરાંત અપીલ ઓથોરિટી દ્વારા નિકાલ કરવામાં આવેલી બાકી વસૂલાત હોય તેવા કેસો ફરી ચલાવવા હુકમ કરવામાં આવ્યો હતો જેના કારણે આ કેસો બાકી રહ્યાં છે.

2020-21ના વર્ષમાં ડિસેમ્બર 2020 સુધીમાં સરકારને માત્ર 1862 દસ્તાવેજો મળ્યા હતા જે પૈકી અગાઉના મળીને કુલ 11609 દસ્તાવેજોનો નિકાલ કરવામાં આવ્યો છે અને નિકાલ કરવાના બાકી કેસોની સંખ્યા 46365 જોવા મળી છે. આ સમયગાળાના આખરી હુકમમાં સમાવિષ્ટ રકમ 208.16 કરોડ થવા જાય છે. વિભાગે આ ગાળામાં માત્ર 16.25 કરોડની રકમ વસૂલ કરી છે અને 230.86 કરોડની રકમ બાકી રહી છે.

ઉલ્લેખનીય છે કે મુંબઇ રાજ્યના વિભાજન વખતે ગુજરાત રાજ્યની સ્ટેમ્પ ડ્યુટીની આવક માત્ર 208 લાખ રૂપિયા હતી જેમાં દર વર્ષે ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. 2013-14મા આ રકમ 4749.35 કરોડ હતી જે 2019-20માં 7697.16 કરોડ થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp