આ જગ્યાએ સ્માર્ટ મીટરને લઇને લોકોએ હોબાળો કરતા GEBના અધિકારીઓને ભગવું પડ્યું

PC: divyabhaskar.co.in

રાજ્યભરમાં શહેરોમાં સ્માર્ટ મીટરોને લઈને હાહાકાર મચી ગયો છે. લોકો આ મીટરોનો વિરોધ કરી રહ્યા છે. એવી જ રીતે વડોદરામાં પણ સ્માર્ટ મીટરને લઈને વિરોધ થઇ રહ્યો છે. મુજમહુડા વિસ્તારના લોકોએ અકોટા સબ ડિવિઝન કચેરીએ હોબાળા કરી દીધો હતો અને સખત વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમને સ્માર્ટ મીટર નથી જોઈતા. એ સાથે જ અધિકારીઓએ ભગી છૂટવું પડ્યું હતું. સ્થાનિક રહેવાસી કમળા નામની મહિલાએ કહ્યું કે, કે મારો પતિ વોચમેનમાં નોકરી કરે છે અને તેનો પગાર 9,000 રૂપિયા છે અને સ્માર્ટ મીટરમાં અમારું બિલ 8,000 રૂપિયા આવ્યું છે.

અમે પરિવારમાં પતિ-પત્ની બે જ છીએ. તેમ છતા આટલું મોટું બિલ આવે છે. તો અમારે શું કરવાનું? અમને અમારું જૂનું મીટર પાછું આપો. અમાને નવું સ્માર્ટ મીટર નથી જોઇતું. તો અન્ય એક મહિલા વીણાબેન ચૌહાણે કહ્યું કે, અમારે ત્યાં દર મહિને 5,000 રૂપિયા લાઈટ બિલ આવે છે. અમારા ઘરવાળાઓનો પગાર પણ એટલો નથી.  અમારા પતિઓનો પગાર 12,000-15,000 રૂપિયા છે. તેમાં દર મહિને 5,000 રૂપિયા તો લાઈટ બિલમાં જતા રહે છે તો પછી અમે શું ખાઈશું?

અમારા છોકરાઓને ખવડાવીશું કેવી રીતે અને ભણાવીશું કેવી રીતે? અમારી લાઈટ ગમે ત્યારે કાપી નાખે છે. સૌથી વધુ ભ્રષ્ટાચાર GEBમાં જ થાય છે. પહેલા 2 મહિનાનું બિલ 2,700 રૂપિયા આવતું હતું અને હવે 2 મહિનાના 10,000 રૂપિયા આવે છે તો હવે અમારે શું કરવાનું? તેણે આગળ જણાવ્યું કે, અમારી માગણી છે કે અમને અમારા જૂના મીટર પાછા આપો અને તમારા સ્માર્ટ મીટર પાછા લઈ જાવ. અમે લોકો ઝૂંપડપટ્ટીમાં રહીએ છીએ. અમારી પરિસ્થિતિ એવી નથી કે અમે આટલું મોટું લાઈટ બિલ ભરી શકીએ.

જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી નહીં જઇએ. અન્ય એક સ્થાનિક મહિલાએ કહ્યું કે અમે આ સ્માર્ટ મીટરથી ખૂબ જ પરેશાન છીએ. 15 દિવસમાં 2,500 રૂપિયા લાઈટ બિલ અમને પોષાતું નથી. અમને સ્માર્ટ મીટર નથી જોઈતા. ગમે ત્યારે અમારા ઘરમાં લાઈટ બંધ થઈ જાય છે. અમારા ઘરમાં નાના-નાના બાળકો છે. રુબી નામની મહિલા કહે છે કે, અમારા બધાના ઘરમાં 3000, 5000 અને 8,000 બિલ આવ્યાં છે. પહેલા આટલું બિલ આવતું નહોતું અને હવે આટલાં સમમોટાં બિલ આવ્યાં છે. અમારા ઘરનું 5,000નું બિલ આવ્યું છે. અમારી આવક એટલી નથી. અમારા ઘરમાં અડધી રાત્રે લાઈટ જતી રહે છે. ઘરમાં સીનિયર સીટિઝન છે. તેમને કંઈ થઈ જશે તો તેની જવાબદારી કોની?

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સ્થાનિક કોર્પોરેટર મનીષ પગારે લોકોને કહ્યું કે કોઈ પણ માઈનો લાલ તમારી પાસે બળજબરીપૂર્વક ઉઘરાણી કરવા આવે અને લાઇટ બિલ આપે તો તમારે તમારા કોર્પોરેટરને બોલાવવાના.  તમે મારો સંપર્ક કરવાજો. આટલા લોકો આવ્યા છીએ, તો એ લોકો ઊભી પૂંછડીએ ભાગી ગયા છે, તો એ શું આપણા મોહલ્લા-ગલીમાં આવે. જેનું પણ કનેક્શન કપાય ગયું હોય એ મારો સંપર્ક કરજો, તાત્કાલિક ચાલુ કરાવી દઈશ. નહીં તો આ લોકોને અહીં બેસવા નહીં દઉં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp