26th January selfie contest

સાધુ બેટ સ્થિત ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ ની મુલાકાત લેતા PM મોદી

17 Sep, 2017
07:09 PM
PC: gujaratinformation.net

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસે એટલે કે  17મી સપ્ટેમ્બરે સરદાર સરોવર પ્રોજેક્ટના રાષ્ટ્રાર્પણ માટે નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં સરદાર સરોવર પ્રોજેકટ રાષ્ટ્રાર્પણ કર્યા બાદ નર્મદા નદીના પટમાં સાધુ બેટ ઉપર આકાર લઇ રહેલા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ : સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારકના ચાલી રહેલા નિર્માણકાર્યની પણ જાત મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ ની મુલાકાત વેળા તેમની સાથે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત સરદાર સરોવર નિગમ લીમીટેડના ચેરમેન એસ.એસ.રાઠોર ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ અહીં તબક્કાવાર થઇ રહેલા નિર્માણકાર્યની સૂક્ષ્માતિસૂક્ષ્મ જાણકારી મેળવી, ઉપયોગી સૂચનો કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર પ્રોજેક્ટ એ લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનું સ્વપ્ન હતું. જેની પૂર્ણતા બાદ સરદાર પટેલના વિરાટ વ્યક્તિત્વને ઉજાગર કરતા, તથા દેશની એકતા અને દેશની શ્રેષ્ઠતાનું સૌથી ઊંચુ સ્મારક રચી તેમને સાચી હૃદયાંજલી અર્પવાના નરેન્દ્ર મોદીના સ્વપ્નને પૂર્ણ કરવા માટે દેશ અને દુનિયાનું સમર્થન, સહયોગ અને માર્ગદર્શન મળી રહ્યું છે.

વડાપ્રધાને જણાવ્યું કે ભારતની એકતા માટે પોતાનું આખુ આયખું સમર્પિત કરનારા સરદાર પટેલની આ પ્રતિમાના માધ્યમથી એક ભારત - શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સૂત્ર સાથે દુનિયામાં ભારતનો વૈશ્વિક પ્રભાવ ઊભો થશે. ભારતને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે એકતાની શક્તિથી જોડવાનું આ આખુ અભિયાન છે. જે આવનારા દિવસોમાં ભારતને વિશ્વગુરૂ બનાવવાનો નવો માર્ગ કંડારશે.

ભારતની એકતા અને અખંડિતતા માટે લોખંડી મનોબળ અને રાજકીય કુનેહથી ૫૬૫ જેટલા દેશી રાજ્યો-રજવાડાઓનું ભારતમાં વિલિનીકરણ કરવાનું ભગિરથ કાર્ય કરનારા સરદાર સાહેબની આ વિરાટકાય પ્રતિમાના સ્મારકની ઊંચાઇ, દુનિયાને નવી દિશા બતાવશે. દેશની નવી પેઢી, આવનારી પેઢી ભારતના ઇતિહાસને સાચા અર્થમાં સમજે અને જાણે તે માટે ઇતિહાસની આ વિરાસતનું અહીં ગૌરવગાન થશે. ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ આવનારી પેઢીઓને ભારતની એકતાનો રાહ બતાવતો પ્રેરણા સંદેશ બની રહેશે.

‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ પ્રોજેક્ટ અંતર્ગત નર્મદા તટ પ્રદેશમાં અંદાજીત 176 કરોડના ખર્ચે શ્રેષ્ઠ ભારત ભવનનું પણ નિર્માણકાર્ય પણ ચાલી રહ્યું છે. આ ભવન માત્ર ઇંટ પત્થરની ઇમારત નહીં, પરંતુ સરદાર સાહેબના જીવનકવનની મલ્ટી મીડિયા ઝાંખી, આઝાદીની લડતના ઐતિહાસિક પૃષ્ઠો, અભ્યાસ અને સંશોધન કેન્દ્ર તથા રોજગારી નિર્માણ જેવી બહુવિધ પ્રવૃત્તિઓથી ધમધમતું કેન્દ્ર બની રહે તેવા પણ રાજ્ય સરકારના પ્રયાસો છે. શ્રેષ્ઠ ભારત ભવનનો શીલાન્યાસ તત્કાલિન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે તા.૩૧ મી ઓક્ટોબર, ૨૦૧૪નાં રોજ કરાયો હતો.

સરદાર સરોવર ડેમના હેઠવાસમાં નર્મદા નદીની વચ્ચોવચ્ચ આવેલા સાધુ બેટ ખાતે આકાર લેનાર ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ : લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા હશે. 182 (597 ફૂટ) મીટરની સરદાર સાહેબની આ પ્રતિમા તેના પાયા સાથે 240 મીટરની (790 ફૂટ) ઊંચાઇ પ્રાપ્ત કરશે.

સરદાર સરોવર ડેમના હેઠવાસમાં નદીની વચ્ચોવચ્ચ ડેમની બિલકુલ સામે 3.2 કિલોમીટર દૂર આવેલા સાધુ બેટ ઉપર તૈયાર થઇ રહેલી આ વિરાટકાય પ્રતિમા સહિતનું આખુ સ્ટ્રક્ચર 20 હજાર ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર થઇ રહ્યું છે. ડેમ સાઇટથી અંદાજીત 12 કિલોમીટરના નદીના પટમાં તૈયાર થઇ રહેલો આ આખો પ્રોજેક્ટ સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એક્તા ટ્રસ્ટ દ્વારા રાજ્ય સરકારના સહયોગથી હાથ ધરાયો છે. જેની પ્રારંભિક અંદાજિત કિંમત 2,,989 કરોડ આંકવામાં આવી છે. ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’: વિરાટ પ્રતિમાનો શિલાન્યાસ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળતા હતા ત્યારે, એટલે કે ગત તા.31મી ઓક્ટોબર, 2013નાં કરાયો હતો. જેનું કન્સ્ટ્રકશન વર્ક લાર્સન ઍન્ડ ટુબ્રો દ્વારા તા.31મી ઓક્ટોબર, 2014થી શરૂ કરી દેવામાં આવ્યું છે. જે આગામી તા.31મી ઓક્ટોબર, 2018 સુધી સંપન્ન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

શ્રેષ્ઠ ભારત-એક ભારતની વિભાવના સાથે પૂણ્યસલિલા માં નર્મદા મૈયાના આશીર્વાદ સાથે કેવડિયા ખાતે, નર્મદા તટે આકાર લઇ રહેલા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ : સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારક, અને સરદાર સાહેબના જીવનમાંથી દેશને હંમેશા શાશ્વત પ્રેરણા મળતી રહે, તેવુ અવિસ્મરણિય પ્રકલ્પ અહીં આકાર લઇ રહ્યું છે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.