PM મોદી આવશે ગુજરાતની મુલાકાતે, વડોદરા અને અમરેલી જશે, જાણી લો કાર્યક્રમ

PC: PIB

PM નરેન્દ્ર મોદી 28 ઓક્ટોબરનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે. PM સવારે 10 વાગ્યાની આસપાસ સ્પેનના PM પેડ્રો સાન્ચેઝ સાથે મળીને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ) કેમ્પસમાં સી-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદઘાટન કરશે. ત્યાર બાદ સવારે 11 વાગ્યાની આસપાસ તેઓ લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરાની મુલાકાત લેશે. PM વડોદરાથી અમરેલીની મુલાકાત લેશે, જ્યાં બપોરે 2:45 વાગ્યે તેઓ અમરેલીનાં દુધાળામાં ભારત માતા સરોવરનું ઉદઘાટન કરશે. વધુમાં બપોરે લગભગ 3 વાગ્યે તેઓ લાઠી, અમરેલી ખાતે 4,800 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.

PM સ્પેનના PM પેડ્રો સાંચેઝ સાથે મળીને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ) કેમ્પસમાં સી-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદઘાટન કરશે. સી-295 પ્રોગ્રામ હેઠળ કુલ 56 એરક્રાફ્ટ છે, જેમાંથી 16 વિમાન સીધા સ્પેનથી એરબસ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યા છે અને બાકીના 40 એરક્રાફ્ટ ભારતમાં બનાવવાના છે.

ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ ભારતમાં આ 40 વિમાન બનાવવા માટે જવાબદાર છે. આ સુવિધા ભારતમાં સૈન્ય વિમાનો માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ ફાઇનલ એસેમ્બલી લાઇન (એફએએલ) હશે. તેમાં ઉત્પાદનથી લઈને એસેમ્બલી, પરીક્ષણ અને લાયકાત, એરક્રાફ્ટની સંપૂર્ણ જીવનચક્રની ડિલિવરી અને જાળવણી સુધીની સંપૂર્ણ ઇકોસિસ્ટમના સંપૂર્ણ વિકાસનો સમાવેશ થાય છે.

ટાટા ઉપરાંત ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ભારત ડાયનામિક્સ લિમિટેડ જેવા સંરક્ષણ જાહેર ક્ષેત્રના અગ્રણી એકમો તેમજ ખાનગી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો આ કાર્યક્રમમાં ફાળો આપશે.

આ અગાઉ ઓક્ટોબર, 2022માં PMએ વડોદરા ફાઇનલ એસેમ્બલી લાઇન (એફએએલ)નો શિલાન્યાસ કર્યો હતો.

PM અમરેલીનાં દુધાળામાં ભારત માતા સરોવરનું ઉદઘાટન કરશે. આ પ્રોજેક્ટને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડેલ હેઠળ ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન વચ્ચેના સહયોગથી વિકસાવવામાં આવ્યો હતો. ધોળકિયા ફાઉન્ડેશને ચેકડેમમાં સુધારો કર્યો હતો, જે મૂળભૂત રીતે આ ડેમમાં 4.5 કરોડ લિટર પાણી રહી શકતું હતું, પરંતુ તેને ઊંડું, પહોળું અને મજબૂત કર્યા પછી તેની ક્ષમતા વધીને 24.5 કરોડ લિટર થઈ ગઈ છે. આ સુધારણાથી નજીકના કુવાઓ અને બોરમાં પાણીનું સ્તર વધ્યું છે જે સ્થાનિક ગામો અને ખેડુતોને વધુ સારી સિંચાઈ આપીને મદદ કરશે.

PM નરેન્દ્ર મોદી એક જાહેર સમારંભમાં ગુજરાતનાં અમરેલીમાં આશરે રૂ. 4,900 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આ યોજનાઓથી રાજ્યના અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના નાગરિકોને લાભ થશે.

PM રૂ. 2,800 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રોડ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે અને શિલાન્યાસ કરશે. જે પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવશે તેમાં રાષ્ટ્રીય રાજમાર્ગ 151, રાષ્ટ્રીય રાજમાર્ગ 151એ અને રાષ્ટ્રીય રાજમાર્ગ 51 અને જૂનાગઢ બાયપાસના વિવિધ વિભાગોને ચાર માર્ગીય બનાવવાનો સમાવેશ થાય છે. જામનગર જિલ્લાના ધ્રોલ બાયપાસથી મોરબી જિલ્લાના આમરણ સુધીના બાકીના વિભાગના ચાર માર્ગીય પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવશે.

PM આશરે રૂ.1,100 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ભુજ-નલિયા રેલ ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ વિસ્તૃત પ્રોજેક્ટમાં 24 મુખ્ય પુલો, 254 નાના પુલો, 3 રોડ ઓવરબ્રિજ અને 30 રોડ અંડરબ્રિજ છે અને તે કચ્છ જિલ્લાના સામાજિક-આર્થિક વિકાસને વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

PM અમરેલી જિલ્લામાંથી પાણી પુરવઠા વિભાગના 700 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જે પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવશે તેમાં નવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇન સામેલ છે, જે 36 શહેરો અને બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના 1,298 ગામોના અંદાજે 67 લાખ લાભાર્થીઓને વધારાનું 28 કરોડ લિટર પાણી પૂરું પાડશે. ભાવનગર જિલ્લામાં પાસવી ગ્રુપ ઓગમેન્ટેશન વોટર સપ્લાય સ્કીમ ફેઝ-2નું ભૂમિપૂજન પણ કરવામાં આવશે, જેનો લાભ ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા અને પાલિતાણા તાલુકાના 95 ગામોને મળશે.

PM પ્રવાસન સાથે સંબંધિત વિકાસલક્ષી પહેલોનો શિલાન્યાસ પણ કરશે, જેમાં પોરબંદર જિલ્લામાં મોકરસાગરમાં કાર્લી રિચાર્જ જળાશયને વૈશ્વિક કક્ષાનું ટકાઉ ઇકો-ટૂરિઝમ ડેસ્ટિનેશન બનાવવાની બાબત સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp