બનાસકાંઠા બેઠક ભાજપે કેમ ગુમાવી તેનો રાજકીય એક્સરે

PC: twitter.com

(Dilip Patel) બનાસકાંઠામાં શંકર ચૌધરીની જોહુકમી સામે વારંવાર ફરિયાદો થતી રહી છે. ભ્રષ્ટાચાર, વિવાદની તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી. હિટલરશાહીના કારણે બનાસકાંઠા ભાજપ અને બનાસકાંઠાની પ્રજા, અમલદારો, ખેડૂતો, પશુપાલકનો વિરોધ લોકસભાની 2024ની ચૂંટણીમાં સ્પષ્ટ સામે આવી ગયો છે.

2024માં બનાસકાંઠામાં ભાજપ પાછી પાની કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો સ્પષ્ટ આદેશ છે કે, કોઈપણ જાતના જૂથવાદ અને પક્ષના શિષ્ટાચાર વિરુદ્ધમાં જશે તે ચલાવી લેવામાં નહીં આવે. તેમ છતાં શંકર ચૌધરીએ પક્ષ વિરુદ્ધ કામ ચાલુ રાખ્યા છે. ઉત્તર ગુજરાતમાં પક્ષને નુકસાન થાય છે. અગાઉની ચૂંટણીમાં પણ ભાજપે સહન કરવું પડ્યું હતું. ફરી એક વખત પક્ષને નુકસાન થયું છે.

કોનો વિરોધ

શંકર ચૌધરી સામે સમયે સમયે વિરોધ થતો રહ્યો છે જેમાં ઘણાં નેતાઓએ પક્ષની શિસ્તમાં રહીને વિરોધ કર્યો છે. બનાસકાંઠાના પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી અને સાંસદ પરબતભાઇ પટેલ, ધારાસભ્ય શશીકાંત પંડ્યા, પૂર્વ મંત્રી અને બનાસકાંઠા ભાજપ પ્રમુખ કેસાજી ચૌહાણ, બનાસ ડેરીના પૂર્વ અધ્યક્ષ પરથીભાઇ ભટોળ, બનાસ ડેરીના બોર્ડ ડાયરેક્ટર અને થરાદ માર્કેટ યાર્ડના અધ્યક્ષ અણદાભાઈ પટેલ, પૂર્વ મંત્રી લીલાધરભાઇ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્ય મફતભાઇ પુરોહિત, પૂર્વ ધારાસભ્ય વસંતભાઇ ભટોળએ અવારનવાર સંગઠન અને સરકારનું ધ્યાન દોર્યું છે તેમ છતાં શંકર ચૌધરીની દાદાગીરી, જોહુકમી, આપખુદશાહી ચાલુ રહી તેવું પરિણામ 2024ની લોકસભાની ચૂંટણીમાં આવ્યું છે.

જાહેર આરોપ

ડીસા માર્કેટ યાર્ડના અધ્યક્ષ અને બનાસ ડેરીના ઉપાધ્યક્ષ દ્વારા પત્રકાર પરિષદ કરી જગ જાહેર કર્યું કે શંકર ચૌધરી જૂથવાદ ચલાવી રહ્યા છે. ખરા ખોટા કામો કરી પક્ષને નુકસાન કરી રહ્યા છે. આ બાબતે સરકાર અને ભારતીય જનતા પક્ષએ ગંભીરતાથી લેવાની જરૂર છે. છતાં પાટીલ કે શાહે તેમની સામે પગલાં લીધા નહીં. તેથી આજે એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે.

ભાજપના દરેક કાર્યકર માટે સન્માન ધરાવતા હરીભાઈ ચૌધરી સાથે શંકર ચૌધરીએ બોલવાના સંબંધ રાખ્યા નથી.

પરથી ભટોળ

પરથી ભટોળ ડેરીના અધ્યક્ષ હતા. તેને હરાવીને બનાસ ડેરીમાં શંકર ચૌધરી અધ્યક્ષ થયા છે. તેનો અંદરથી ભારે વિરોધ છે. ડેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી કરવામાં આવી તે અંગે ચૌધરી સમાજના આગેવાન ભેમાભાઈ ચૌધરીએ સરકારને પત્રો લખ્યા હતા. ડેરીમાં 189 કર્મચારીઓની ભરતીના પુરાવા આપ્યા હતા. તે અંગે તપાસ થવાની હતી પણ પછી દબાણના કારણે તપાસ થઈ ન હતી. હવે સહકાર વિભાગ અમિત શાહ પાસે છે ત્યારે ભાજપના નારાજ નેતાઓ ઇચ્છે છે કે હવે બહુ થયું. તેની સામે જે ફરિયાદો થઈ છે તેની તપાસ કરો. આ અંગે કેટલાંક સભ્યો અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલને મળવા જવાનું વિચારી રહ્યાં છે.

વસંત ભટોળ

ધાંધાર પ્રદેશ ચૌધરી નેતા તરીકે આગળ આવે તો ત્યાં પરથી ભટોળ અને વસંત ભટોળનું રાજકારણ પૂરું થઈ જાય. વડગામ, પાલનપુર અને દાંતાના સરસ્વતી નદીના કાંઠાનો વિસ્તાર કે જે ધાન્યધરા કહેવાય છે. અહીં શેરડી પાકતી હતી. રેખા ચૌધરી જો જીતે વડગામના છે તેથી તે વિકસે તો તે ભટોળ કુટુંબને પડી શકે છે.

અણદાભાઈ પટેલ ચૌધરી હાલ થરા એપીએમસીના અધ્યક્ષ છે. બનાસ બેંકના અધ્યક્ષ હતા તેમને કાઢવા માટે શંકર ચૌધરીની ભૂમિકા હતી. પાટીલનો પણ આદેશ હતો. 

ગોવા રબારી

ડીસાના પૂર્વ ધારાસભ્ય અને અમિત શાહના ખાસ અંગત શશીકાંત પંડ્યાનું રાજકારણ પૂરું કરવા માટે ગોવા રબારીને ભાજપમાં શંકર ચૌધરી લાવ્યા હતા. પણ હવે બન્ને વચ્ચે વિવાદો છે. કોંગ્રેસના ગોવા રબારી  જોડાયા છે તે પણ શંકર ચૌધરીનો વિરોધ કરતાં હતા. તેમને ડીસા એપીએમસી અધ્યક્ષ બનાવ્યા પણ બોર્ડની બેઠક થવા દેતા નથી. ડિરેક્ટરોને બેઠકમાં જવા દેતા નથી. ગોવા રબારીએ ડબલ ગેમ કરી હતી. ડીસા અને ધાનેરામાં કોંગ્રેસને મદદ કરી. દાંતામાં ભાજપને મદદ કરી હતી.

પરબત પટેલના નારાજ જૂથનો ફાયદો કોંગ્રેસને થયો છે. પરબત પટેલને 2019માં 6,79,108 મત 61.62 ટકા મત મળ્યા હતા. 3 લાખની સરસાઈ હતી. છતાં શંકર ચૌધરીના કારણે તેમને ફરીથી ઉમેદવાર બનાવાયા ન હતા. સમગ્ર ગુજરાતમાં ગાંધીનગર પછી સૌથી વધારે બોગલ મતદાન થયું હોય તો તે બનાસકાંઠામાં થયું છે. બોગસ મતદાન કરનારા ચૌધરીના ટેકેદારોને ગેનીબેને પકડીને તેના વીડિયો વાયરલ કરાવ્યા હતા, તે વિરોધમાં ગયું. (ક્રમશઃ4)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp