એહમદ પટેલના દીકરી મુમતાઝે છોટુ વસાવા સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું

PC: facebook.com/patels.mumtaz

લોકસભા 2024ની ચૂંટણીમાં ગુજરાતને ભાજપના સૌથી સુરક્ષિત ગઢ તરીકે જોવામાં આવી રહ્યું છે. ભાજપનો દાવો છે કે તેઓ ત્રીજી વખત લોકસભાની 26 બેઠકો જીતશે. તો આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ભાજપને હરાવવાની જાહેરાત કરી છે. જેને કારણે છેલ્લાં કેટલાંક સમયથી ભરૂચની બેઠક ચર્ચામાં છે.

જાન્યુઆરીની શરૂઆતમાં જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે જેલમાં બંધ તેમના પક્ષના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આ બેઠક પરથી લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા હતા.તેમણે કહ્યું હતું કે જો ચૈતરને જામીન મળશે તો સારું છે, નહીં તો ચૈતર વસાવા જેલમાંથી પણ ચૂંટણી લડશે. આ બધા વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિવંગત એહમદ પટેલની પુત્રી મુમતાઝે આદિવાસી નેતા BTPના છોટુ વસાવા સાથે મુલાકાત કરીને રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. 

રાજ્યની તમામ લોકસભા બેઠકો અંગે કોઈ ચર્ચા થતી નથી,ત્યારે ભરૂચ બેઠકને લઈને રસ વધ્યો છે કે 2024માં આ બેઠક પર અજેય બનેલા ભાજપના દિગ્ગજ નેતા મનસુખ વસાવાને કોણ પડકારશે? છેલ્લા ત્રણ દાયકાથી આ બેઠક ભાજપ પાસે છે.અગાઉ અહીંથી કોંગ્રેસના નેતા એહમદ પટેલ સતત ત્રણ વખત જીત્યા હતા. આવી સ્થિતિમાં પિતાના નિધન બાદ મુમતાઝ આ સીટ પર પોતાનો દાવો રજૂ કરી રહી છે. જો કે આ વખતે ભાજપ મનસુખ વસાવાને ટિકીટ આપે તેવી શક્યતા ઓછી હોવાનું રાજકારણના જાણકારોનું માનવું છે.

સવાલ એ છે કે INDIAગઠબંધનમાં આ સીટ કોને મળશે? કારણ કે મુમતાઝ પટેલ પોતાનો દાવો છોડે તેવું લાગતું નથી. મુમતાઝ પટેલે આદિવાસી નેતા છોટુ વસાવા સાથે મુલાકાત બાદ દાવો કર્યો છે કે, આદિવાસી સમાજના હીરો અને વરિષ્ઠ નેતા છોટુભાઈ વસાવાએ ખુલ્લેઆમ તેમના સમર્થનની ખાતરી આપી હતી. એટલું જ નહીં, આદિવાસી, લઘુમતી અને દલિત સમાજના પ્રશ્નોને લઈને ભાજપ સામે સામૂહિક લડત ચલાવવાનું નક્કી કરાયું હતું.મુમતાઝે લખ્યું છે કે સંઘર્ષ થશે સાથે લડશું અને જીતીશું. ભરૂચ લોકસભા સીટ અંતર્ગત આવતી ઝગડીયા બેઠક પરથી છોટુ વસાવા 7 વખત ધારાસભ્ય ચૂંટાયા હતા. વર્ષ 2022ની ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા.

મુમતાઝ પટેલે છોટુ વસાવા સાથેની મુલાકાતનો એક નાનો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં છોટુ વસાવા કોંગ્રેસના વખાણ કરી રહ્યા છે અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ જ હોવાનું કહી રહ્યા છે. સમગ્ર દેશમાં કોંગ્રેસ પાસે મત છે, આવી સ્થિતિમાં છોટુ વસાવાએ અહેમદ પટેલની પુત્રી મુમતાઝને આશીર્વાદ આપ્યા છે. જો કે AAPએ જે ચૈતર વસાવાને લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તેવા ચૈતરના પણ છોટુ વસાવા ગુરુ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બનતા પહેલા ચૈતર વસાવા છોટુ વસાવાની BTP સાથે હતા.

મુમતાઝ પટેલ ઘણા સમયથી ભરૂચની દિકરી તરીકે લોકોની વચ્ચે સક્રીય છે. મુમતાઝ કોંગ્રેસના નાના મોટા કાર્યક્રમોમાં પણ જોવા મળે છે. મુમતાઝ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા માટે લોકોનો સંપર્ક કરવામાં પણ વ્યસ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp