ગુજરાતમાં વ્યભિચારની રાજનીતિ

PC: youtube.com

ગુજરાતના રાજકારણમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવતી જાય છે, તેમ-તેમ વ્યભિચારની રાજનીતિ રંગ લાવી રહી છે. આપણું ગુજરાત સુસંસ્કૃત સમાજથી ઓળખ પામ્યું છે. આપણે આપણાં ગુજરાતને ‘સોને કી ચીડિયા’ બનાવવાની દિશામાં ખંતથી આગળ વધી રહ્યા છીએ, ત્યારે હાલમાં ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે ચોક્કસ સમાજના ઉભરી આવેલા યુવા નેતૃત્વ વિશે અવિરત કંઈક એવા પ્રકારના વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં યુવાધન વ્યભિચારના માર્ગે વળી ગયું હોય તેવું જણાય રહ્યું છે.

ગુજરાતમાં જ્યારે-જ્યારે ચૂંટણીનો માહોલ બને છે, ત્યારે-ત્યારે કંઈક આ પ્રકારના વીડિયો રાજનેતાઓના બહાર આવતા હોય છે. છેલ્લી ઘડીએ મતદારોની વચ્ચે આવતા આ પ્રકારના વ્યભિચારના વીડિયો કે CD આખેઆખી રાજકીય રમતને ફેરવી કાઢતી સાબિત થાય છે, જેમાં કોઈક વ્યક્તિનો ભોગ લેવાય અને વોટની રાજનીતિ કરી લેવાતી હોય છે. વાત કરીએ ગુજરાતની પ્રજાની વિચારધારાની તો ગુજરાતનો સમાજ રૂઢિચુસ્ત નથી, પરંતુ શિસ્તનો આગ્રહી તો રહ્યો છે. આ પ્રકારના વિષયો યુવા માનસ પટલ પર વ્યભિચારની રાજકીય વિચારધારાની છબી અંકિત કરતી ધ્યાને આવી રહી છે.

પાટીદાર આગેવાન હાર્દિક પટેલના વીડિયો વાયરલ થયા અને પાછળ જ તેમના સાથીદાર બ્રિજેશ પટેલ સાથેના પણ કંઈક આ જ પ્રકારના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવનારા સમયમાં જો આ જ ચાલુ રહ્યું તો બની શકે કે હાર્દિકની આખેઆખી ટીમના કંઈક આ જ પ્રકારના વીડિયો બહાર આવે. હાર્દિક પટેલના નિવેદનો સાર કંઈક એવો જણાય રહ્યો છે કે, આ બધી બાબત તેના અંગત જીવનની છે. વાત તો ખરી કહી શકાય, પરંતુ સ્પષ્ટપણે જો આ સાચું હોય, તો તેને વ્યભિચાર પણ કહેવાય.

કોઈપણ રાજનેતા કે સામાજિક આગેવાન જ્યારે સમાજસેવાના માર્ગે આગળ વધ્યા હોય, ત્યારે તેમનું ચારિત્ર્ય ખૂબ પારદર્શી હોવું જોઈએ. રાજકીય પક્ષો જ્યારે યેનકેન પ્રકારની રાજનીતિ અપનાવે ત્યારે-ત્યારે પરિણામ સ્વરૂપ કંઈક આ જ પ્રકારના પ્રકરણ બહાર આવતા હોય છે અને આંદોલનો તૂટતા હોય છે, તથા સત્તા પરિવર્તન પણ થતું હોય છે.

એક કહેવત છે કે છીંડે ચઢ્યો તે ચોર..રાજકારણમાં પણ આવું જ છે. પકડાઈ જાઓ તો પત્યું અને બચી ગયા તો ભયો, ભયો. સમાજ અને રાજકારણ એક બીજાના પર્યાય છે. સમાજનો પડઘો રાજકારણમાં પડે છે અને સમાજનું પ્રતિબિંબ રાજકારણમાં દેખાય છે. નૈતિક મૂલ્યો વિનાના રાજકારણમાં હવે સ્વચ્છ છબિ અને શોધવા માટે દિવો લઈને ફરવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp