જગન્નાથ રથયાત્રાનો વિવાદ, અમદાવાદના રસ્તા પર મહંતના ફોટા સાથે લાગ્યા પોસ્ટરો

PC: news18.com

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નહીં નીકળવાના મુદ્દે એક વાર સરકારની સાથે જગન્નાથ મંદિરના મહંતને સમાધાન થયા પછી પણ અમદાવાદમાં રથયાત્રાનો વિરોધ સામે આવ્યો છે. રથયાત્રાને લઇને અમદાવાદના રસ્તા પર કેટલાક પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોના કારણે આગામી દિવસોમાં ફરી રથયાત્રાને લઈને રાજકારણમાં ગરમાવો આવે તો નવાઈ નહીં.

રિપોર્ટ અનુસાર રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદ જગન્નાથ મંદિરને રથયાત્રા કાઢવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી ન હોતી. ત્યારબાદ રાજ્ય સરકારે પણ હાઈકોર્ટમાં અરજી કરીને રાથયાત્રા કાઢવા દેવા બાબતે મંજૂરી માંગી હતી. હાઈકોર્ટે લોકોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સરકારની અરજીને પણ ફગાવી હતી. જેથી રથયાત્રા મંદિર પરિસરમાં યોજવામાં આવી હતી. રથયાત્રાના બીજા દિવસે ભગવાનને નજર ઉતારીને મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવ્યા તે અવસરે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજે તેમની સાથે રમત રમાઈ હોવાનું અને એક વ્યક્તિએ વિશ્વાસઘાત કર્યો હોવાનું કહ્યું હતું.

મહંતના આ નિવેદન પછી રથયાત્રાને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. લક્ષમણદાસ મહરાજે પણ 48 કલાકના સમયમાં સરકારના રાજીનામાંની માંગણી કરી હતી અને તેઓએ સરકાર રાજીનામું નહીં આપે તો આત્મદાહ કરશે તેવું પણ જણાવ્યું હતું. જગન્નાથ મંદિરનો વિવાદ વકરતા રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જગન્નાથ મંદિરના મહંતની મુલાકાત કરીને તેમની સાથે વાટાઘાટો કરીને વિવાદનો અંત લાવ્યા હતા. ત્યારબાદ AHPના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ પણ રથયાત્રાને લઇને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ત્યારે હવે રાજ્યમાં ફરી એક વખત રથયાત્રાને લઇને માહોલ ગરમાયો છે. રથયાત્રાના વિવાદને લઈને અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

અમદાવાદના જજીસ બંગલો વિસ્તારમાં રસ્તા પર લાગેલા પોસ્ટરોમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહરાજનો ફોટો લગાવવામાં આવ્યો છે. રસ્તા પર આ પ્રકારના વિરોધના પોસ્ટર લાગતા આગામી દિવસોમાં પણ રાજ્યમાં રથયાત્રાને લઈને રાજકારણ ગરમાય તો નવાઈ નહીં. મહત્ત્વની વાત છે કે, રસ્તા પર લગાવવામાં આવેલા પોસ્ટરો કોના દ્વારા લગાવવામાં આવ્યા છે, તેની કોઈ પણ માહિતી મળી શકી નહીં.

  • રસ્તા પર લાગેલા પહેલા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, 'રામના નામે માગ્યા વોટ, જગન્નાથ માટે મનમા કેમ ખોટ? મહંતની લાગણીઓ સાથે કોણે રમી રમત?'
  • બીજા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, 'હિંદુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત.'
  • ત્રીજા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, 'કર્યો વિશ્વાસઘાત જગન્નાથ માફ નહીં કરે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp