રાજભાની માફી છતા BJP નેતા અને રાજાની ચીમકી, ડાયરા નહીં થવા દઈએ, ડાંગમાં...
સેલિબ્રિટીઓ, કલાકારો, નેતાઓ કેટલાક નિવેદનોના કારણે ચર્ચામાં અને વિવાદમાં આવી જતા હોય છે, એવી જ રીતે ગુજરાતના જાણીતા લોક કલાકાર રાજભા ગઢવી પણ એક નિવેદનને લઇ વિવાદમાં ફસાઇ ગયા છે. લોકડાયરામાં રાજભા ગઢવીએ ડાંગના આદિવાસીઓને લૂંટારા કહી દેતા વિવાદ સર્જાયો છે. એક લોકડાયરાના કાર્યક્રમમાં રાજભા ગઢવીએ કહ્યું હતું કે, તમે ઉત્તરપ્રદેશ, બિહારના જંગલમાં જાવ તો તમને જંગલવાસીઓ લૂંટી લે. મધ્યપ્રદેશ અને ડાંગ-આહવાના જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડાં પણ રહેવા દેતા નથી. તેમણે વધુમાં કહ્યું કે, આ ફક્ત ગીરમાં એવું છે કે, જ્યાં જો તમે રાત્રે ભૂલા પડો તો તમને વચ્ચે આવીને લોકો જમાડવા માટે લઇ જાય.
વાયરલ વીડિયોમાં કેન્યાની વાત કર્યા બાદ રાજભા ભારતની વાત કરે છે. તેઓ આગળ કહે છે, ભારતના બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ રાજ્યનાં અમુક જંગલોમાં રાત્રે તમને અધિકારીઓ કહી દે કે આ જંગલમાંથી પસાર ન થતાં, ફરીને જાઓ, આ જંગલમાંથી પસાર ન થવું, કારણ કે ત્યાં તમને લૂંટી લેશે. ગુજરાતમાં ડાંગ-આહવાનાં જંગલોમાં કેટલાયને લૂંટી લે, કપડાં પણ ન રહેવા દે. આ ગુજરાતની વાત છે, પણ મને ગૌરવ થાય છે કે આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે રાત્રે દોઢ વાગે પણ તમે ભૂલા પડો તો નેહડાવાળા તમને જમાડવા માટે લઇ જાય એ પોતે લૂંટાઇ જાય, પણ તમને જમાડે.
આ વીડિયો વાયરલ થયા બાદ આદિવાસી સમાજ અને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના આદિવાસી નેતાઓએ રાજભાની ટિપ્પણીને આદિવાસી સમાજ માટે અપમાનજનક ગણાવી હતી. વીડિયો વાયરલ થયાના બીજા જ દિવસે રાજભા ગઢવીએ એક નવો વીડિયો જાહેર કર્યો, જેમાં તેમણે દિલગીરી વ્યક્ત કરી. વિવાદ બાદ રાજભા ગઢવીએ એક વીડિયો જાહેર કરીને માફી માગી હતી. તેમણે વીડિયોમાં કહ્યું છે કે 2 દિવસથી જે કંઇ વાત ચાલે છે એ તમે બધા જાણો છો.
આદિવાસીભાઇઓને એવું લાગ્યું છે કે હું આદિવાસીઓ અંગે એવું બોલ્યો છું કે લૂંટી લે છે. દુનિયાના દેશોની વાત કરતા કરતા મેં ડાંગનું નામ લીધું હતું. ક્યારેક એવી ઘટના બની હોય એ મગજમાં આવી જતી હોય. હું આદિવાસી કે વનવાસી શબ્દ ક્યાંય બોલ્યો નથી. હું પણ વનબંધુ છુ. હું પણ ગીરમાંથી આવું છું. વનબંધુઓની લાગણીને વંદન છે. મને ઘણાએ એમ પણ કહ્યું કે અમે પણ મહેમાનગતિ કરીએ છીએ, રોટલા ખવડાવ્યા છે. જે લોકો મહેમાનગતિ કરે છે અને આપણી સંસ્કૃતિ સાચવે છે તેમને વંદન છે.
તેમણે વધુમાં કહ્યું કે હું તો જે લોકો લૂંટી લે છે તેમનું બોલ્યો છું. એ જંગલમાં બીજા કોઇ લૂંટારા ક્યાંકથી આવીને પણ લૂંટી લેતા હોય. હું આદિવાસી એવો શબ્દ બોલ્યો નથી. હું લોકસાહિત્યનો માણસ છું. મેં દરેક જ્ઞાતિની સારી વાતો કરી છે. કોઇ સમાજને દુઃખ થાય એવી વાત મેં આજ સુધી કરી નથી. આજે પણ મેં સમાજના નામથી વાત કરી નથી. એક પ્રાંતનું નામ લેતા-લેતા દાખલામાં આવ્યું હોય તો એ પ્રાંતમાં તો કોઇ પણ આવીને કંઇ પણ કરી શકે.
ઘણાં વર્ષો અગાઉ બીજા રાજ્યમાંથી આવીને ગીરમાં સિંહ મારી ગયા હતા એ દાખલો આપણે જોયો છે. ડાંગવાળા જ આ કરે છે એવું નથી, પણ ત્યાં લૂંટી લે છે એવું છે. મેં આદિવાસીભાઇઓની ખૂબ સારી વાતો કરી છે. ભગવાન બિરસા મુંડાથી લઇને ફાંસિયા વડની વાતો કરી છે. મેં કહ્યું છે કે આદિવાસીઓ અંગ્રેજો સામે કાળઝાળ થઇને લડ્યા હતા તેનો ઇતિહાસ બહાર આવ્યો જ નથી. મારે એની વાતો બહાર લાવવી છે. એવું હું ઘણી જગ્યાએ બોલ્યો છું. તેમણે પોતાના નિવેદનને અન્ય કોઇ અર્થમાં ન જોવાની અપીલ પણ કરી હતી.
તેમણે કહ્યું કે, આદિવાસીબંધુઓ મારા નિવેદનને સાચી રીતે જુએ, ગેરસમજ ન કરે. મારા બોલવાથી કોઇને દુઃખ થયું છે એ ખબર પડતા મને પણ બહુ દુઃખ થયું છે. હું બહુ દિલગીરી વ્યક્ત કરું છું. હું કોઇ જ્ઞાતિ-જાતિનો શબ્દ જ બોલ્યો નથી. હું પણ વનબંધુ છું, તમે છો તેમ હું પણ ST સમાજમાંથી આવું છું. બધા જે વડીલો આદિવાસી વિસ્તારોમાંથી બોલ્યા છે તેમની લાગણીને પણ હું માન આપું છું, પણ એવી કોઇ જ્ઞાતિ-જાતિની વાત જ મેં કરી નથી. આ પૂરું કરીને એક ભાઇ તરીકે તમે બધા સાચી રીતે જુઓ. મેં આદિવાસી સમાજના ઇતિહાસની ખૂબ વાત કરી છે એટલે એ સારો પોઇન્ટ છે એ પણ તમે જોજો. કોઇ વિસ્તારમાં તો કોઇ ઘટના બને એ તો કોણ આવીને કરી ગયું, એ ઘટના ક્યાંક બની હોય એ મારા મગજમાં આવી ગઇ એટલે હું બોલ્યો છું.
રાજભાએ માફી માગતો વીડિયો જાહેર કર્યા બાદ ભાજપના સાંસદ ધવલ પટેલે રાજભાએ આયોજનપૂર્વક આ ટિપ્પણી કરી હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું હતું કે મને તેમનો માફીવાળો વીડિયો કોઇએ હમણાં જ સોશિયલ મીડિયાથી મોકલ્યો હતો એ મેં આખો જોયો. તેમણે જે કહ્યું છે એ મારા મતે તો માન્ય નથી. સમગ્ર ગુજરાતના ક્રાઇમ રેટની સરખામણીએ ડાંગમાં સૌથી ઓછો ક્રાઇમ રેટ છે. અહીં સમગ્ર ગુજરાત, ભારત અને વિદેશમાંથી ડાંગમાં અને સાપુતારામાં લોકો આવે છે. જો એવું લૉ એન્ડ ઓર્ડરનું હોત તો દર વર્ષે અહીં આવતા લોકોની સંખ્યામાં વધારો ન થતો હોત છતા પણ રાજભા ગઢવીએ દિલગીરી વ્યક્ત કરી છે કે મારું આ ખોટું નિવેદન છે.
જો રાજભા ગઢવી ભવિષ્યમાં આદિવાસી સમાજ વિશે કશું બોલશે તો સાંખી નહીં લેવાય એવી ચીમકી અપતા ધવલ પટેલે કહ્યું કે મંત્રી અને ડાંગના પ્રભારી કુંવરજી હળપતિએ પણ કહ્યું હતું કે જો આગામી સમયમાં આવા કોઇપણ નિવેદન આપવામાં આવશે તો ઉમરગામથી લઇને અંબાજીનો જે પટ્ટો છે ત્યાં તેમનો પ્રોગ્રામ નહીં થવા દઇએ. હું કુંવરજીભાઇ હળપતિની વાતથી સહમત છું. આદિજાતિ વિકાસમંત્રી કુંવરજી હળપતિએ કહ્યું હતું કે, રાજભાએ જાહેરમાં માફી માગવી પડશે, નહિંતર તેમના ડાયરા નહીં થવા દઇએ.
બારડોલીના ભાજપના સાંસદ પ્રભુ વસાવાએ કહ્યું કે રાજભા સાથે કોઈ અણબનાવ બન્યો હોય તો ખુલાસો કરે. આદિવાસી સમાજમાં તેમની ટિપ્પણીથી ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે. ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા રહી ચૂકેલા સુખરામ રાઠવાએ કહ્યું કે સમાજ માટે ખરાબ બોલવું એ સારું નથી. કોઇ કલાકાર જ્યારે કોઇ જગ્યાએ કાર્યક્રમ કરતો હોય અને લોકો સામે તેમના મોંઢામાંથી કોઇ શબ્દો નીકળી ગયા હોય તો એ પણ યોગ્ય નથી. કલાકારો જ્યારે કાર્યક્રમમાં બેસે ત્યારે સજાવીને બધી વાતો કરતા હોય છે. તેમણે રોઅંદર લડવાનું બંધ કરવાનું કહ્યું હતું.
રાજભાએ માફીને લઇને ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે કોઇને તમાચો મારીએ અને પછી માફી માગી લઇએ, પણ એ તમાચો તો પડી જ ગયો હોય ને. રાજભાને જે બાબતે કોઇ લેવા-દેવા નથી એ નિવેદન તેમણે આપવાની શું જરૂર હતી? હાલમાં ડાંગના લોકો FIR નોંધાવવાની વાત કરી રહ્યા છે, અમે તેમને સપોર્ટ કરીશું. અમે લડીશું કેમ કે એ અમારા બધાનું અપમાન છે. માફી તો પુરુષોત્તમ રૂપાલાએ પણ માગી હતી, ને તોય ક્ષત્રિય સમાજે માફી નહોતી સ્વીકારી. જે અપમાન થવાનું હતું એ થઇ ગયું અને પછી રાજભા માફી માગી લે એમ ન ચાલે.
તેમણે વધુમાં કહ્યું કે, આજે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, તેમાં તમે શું બોલો છો એ આખી દુનિયામાં ફેલાઇ જાય છે. એટલે રાજભા આટલું બોલ્યા એટલામાં તો અમે બદનામ થઇ ગયા ને? માફીને કોણ જુએ છે? રાજભા ગઢવીનો આ નિવેદન પાછળનો આશય શું હતો એ મારી સમજની બહાર છે. તેઓ કોઇ રાજકીય માણસ નથી. તેમણે આ રીતે બોલવાની પણ જરૂર ન હતી. હાલની તારીખમાં શનિવાર-રવિવારે સુરતથી લઇને ગુજરાત અને બહારના લોકોથી સાપુતારા ઊભરાય છે. લોકો રાત્રે 12-12 વાગ્યે અને મોડીરાત સુધીમાં ત્યાં પહોંચતા હોય છે. જો એવું થતું હોત તો સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો કેમ રહે છે? AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું હતું કે આવી ટિપ્પણી આદિવાસી સમાજને નીચું બતાવવા માટે કરી છે. જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.
રાજભા ગઢવીએ ભલે માફી માગી લીધી હોય, પરંતુ ડાંગના રાજામાં હજુ પણ તેમના વિરુદ્ધ રોષ છે. તેમણે કહ્યું હતું કે ભલે રાજભાએ માફી માગી લીધી હોય, પરંતુ ભવિષ્યમાં અમે તેમને ડાયરા કે કોઇ કાર્યક્રમ માટે ડાંગમાં પ્રવેશવા નહીં દઇએ. એવું બોલાઇ જાય, વાંધો નહીં, પણ રાજભા જાહેર જનતાની માફી માગે તો સારામાં સારી વાત છે. કોઇ માણસ ભૂલ સ્વીકારી લે તો પછી તેમની સમક્ષ બીજી શું માગ મૂકવી? હવે પછી તેઓ કોઇ દિવસ આવી ટીકા-ટિપ્પણી ન કરે બસ, એટલું જ જોઇએ.
તેમણે વધુમાં કહ્યું હતું કે અમે તેમને ડાંગ જિલ્લામાં ડાયરો કરવા માટે પ્રવેશવા નહીં કરવા દઇએ. અમારા રાજવી સમાજના લોકો ખૂબ નારાજ છે. 5 રાજા, 9 નાયકમાં નારાજગી છે. અમને અમારી પ્રજા બહુ વ્હાલી છે. અમે પ્રજાને સાથે રાખીને ચાલીએ છીએ. અમારી પ્રજાનું કોઇ અપમાન કરે એ યોગ્ય નથી. ડાંગ જિલ્લામાં એવા કોઇ લોકો હોતા નથી, એવી કોઇ ચોરી થઇ નથી. રાજભાએ કહેવું જોઇએ કે મેં તો હવામાં જે સાંભળ્યું તેના પરથી કહ્યું હતું એટલે હું ડાંગના આદિવાસી લોકોની માફી માગું છું. રાજભા જાહેરમાં આદિવાસીઓની માફી માગે.
રાજભાની નિવેદનની ટીકા કરતા રાજા કહે છે, રાજભાએ જે નિવેદન આપ્યું હતું એ ખૂબ નિંદનીય છે. આ નિવેદનથી ડાંગના લોકોની ઇજ્જત ગઇ છે એ પાછી આવવાની નથી. આટલા બધા પ્રવાસીઓ આવે છે, હરે-ફરે છે, ડાંગના લોકો તેમનું સ્વાગત કરે છે, પ્રવાસીઓને આવકારે છે. જો કોઇ એવી ટીકા-ટિપ્પણી કરે તો પ્રવાસીઓ આવતા ખચકાય જ ને? સામાજિક FIR કાર્યકર સ્નેહલ ઠક્કરે કહ્યું હતું કે, ડાંગ જિલ્લાના આદિવાસી સમાજને જાહેરમાં બદનામ કરવાનું કાવતરું કરવામાં આવ્યું છે. કલાકાર રાજભા ગઢવી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp