રાજકોટ: CIDમાં ભરતીના નામે છેતરપિંડી, 6000 લાવો, નોકરી મેળવો
અજબ-ગજબના ગઠીયાઓ લોકોને છેતરવાના જુદા જુદા કારસાઓ રચી રહ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. CIDમાં ભરતીના નામે છેતરપિંડી સામે આવી છે. 6,000 લાવો અને CIDમાં નોકરી મેળવો આ વાત પોલીસના ધ્યાન પર આવતા બે સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
જાણવા મળેલી વિગત મુજબ CIDમાં ભરતીના નામે છેતરપિંડી થઇ હોવાનું ખુલ્યું છે. આ કૌભાંડમાં અત્યારે લાઠી, જામનગરના 3 યુવાનો સાથે ઠગાઇ હતી. પણ પોલીસનું માનવું છે કે આ આંકડો મોટો થઇ શકે છે.
રાજકોટની CID ક્રાઇમ બ્રાન્ચે મૂળ ધોરાજીના અને અત્યારે રાજકોટમાં રહેતા લાલજી માંગરોલિયા અને હરિયાણાના ગુલાબ ચંદર સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
CID ક્રાઇમના PI એમ.પી. હુંબલે પોતે ફરિયાદી બન્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, લાલજી માંગરોલિયાએ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ નામનું પોતાનું નકલી ID કાર્ડ બનાવ્યું હતું. આવા કાર્ડ બીજાને પણ બનાવી આપતો હતો અને કાર્ડ દીઠ 6,000 રૂપિયા પડાવતો હતો. પોલીસે તપાસ કરતા ખબર પડી હતી કે લાલજી જે નકલી કાર્ડ ઇશ્યુ કરતો હતો તે સરકાર દ્રારા ઇશ્યુ કરાતા કાર્ડ જેવું જ અસલી લાગતું હતું.
પોલીસને તપાસમાં એ પણ જાણવા મળ્યુ કે લાલજી આ કાર્ડ હરિયાણાના ગુલાબ ચંદર પાસે બનાવતો હતો. નકલી કાર્ડ બનાવ્યા બાદ આરોપીઓ સોશિયલ મીડિયામાં જાહેરાત મુકતા અને આ જાહેરાતમાં લખતા કે CID ક્રાઇમમાં ભરતી કરવાની છે. નોકરી વાંચ્છુક યુવાનો તેમનો સંપર્ક કરતા અને 6,000 રૂપિયા પડાવી લેતા હતા. જે રૂપિયા પડાવવામાં આવ્યા હતા તે ગુલાબ ચંદરના બેંક ખાતામાં જમા થતા હતા. હરિયાણાનો ગુલાબ રાજકોટના લાલજીને કમિશન પેટે 1,000 રૂપિયા આપતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp