26th January selfie contest

મગફળી ખરીદી મામલે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ આપ્યું નિવેદન

PC: facebook.com

કૃષિ મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું છે કે, રાજ્યમાં થયેલા મગફળીના મબલખ ઉત્પાદન સંદર્ભે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરતાં કેન્દ્ર સરકારે જે ટેકાના ભાવો નક્કી કર્યા હતા તે ઉપરાંત રાજ્ય સરકારે વધારાનું બોનસ આપીને મગફળી ટેકાના ભાવે ખરીદી કરી છે. ખરીદી વ્યવસ્થાપન તંત્રમાં NAFED પોતાની જવાબદારી ચૂક્યું છે. NAFEDના અધ્યક્ષ દ્વારા મીડિયા સમક્ષ જે પત્ર જાહેર કર્યો છે તે સંદર્ભે કૃષિમંત્રીએ પત્ર પાઠવ્યો છે.

કૃષિમંત્રી દ્વારા પાઠવેલ પત્ર અક્ષરશ: આ મુજબ છે.  છેલ્લા બે વર્ષમાં ગુજરાત રાજ્યના ખેડૂતોના અથાગ પરિશ્રમ, પ્રયત્નો અને રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતિઓને કારણે રાજ્યમાં કૃષિ પેદાશોનું મબલખ ઉત્પાદન થયેલું છે. તેના કારણે ખેડૂતોને યોગ્ય બજાર ભાવ મળી શકતા ન હતા. આથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા સમગ્ર દેશમાં વિવિધ કૃષિ પદાશોની જરુરીયાત પ્રમાણે મોટા પ્રમાણમાં ટેકાના ભાવે ખરીદી કરી બજારમાં ઓછા ભાવ હોવા છતાં ખેડૂતોને ઉંચા ભાવ આપી ભારત સરકારે અબજો રૂપિયાનું નુકશાન ઉપાડી લીધુ છે. તેવી જ રીતે ગુજરાત રાજ્યમાં પણ મગફળી, અડદ, કપાસ, તુવેર, ચણા અને રાયડા જેવા પાકોનું ખેડૂતોને બજાર ભાવ કરતા ઉંચી કિમત આપી મોટા પ્રમાણમાં ખરીદી કરાવેલ છે.

આપે મારા નામ જોગ ગઇ કાલે મીડિયા સમક્ષ જે પત્ર જાહેર કર્યો છે તેમાં તમો પોતે કબુલ કર્યું છે કે તમે જે NAFED સંસ્થાના ચેરમેન છો તે NAFED સંસ્થા પાસે 2 થી 3 વર્ષ પહેલા કર્મચારીઓના પગાર કરવાના પૈસા ન હતા, તે સંસ્થાને દેશના ખેડૂતોના હિતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂા. 25000 કરોડ જેવી માતબર રકમની સંસ્થા દ્વારા ખરીદી કરાવી, NAFEDને જિવંત બનાવી દીધી છે.

સમગ્ર દેશમાં NAFED દ્વારા ભારત સરકાર ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે ટેકાના ભાવે ખરીદી કરાવે છે તે જ રીતે આ વર્ષે ગુજરાતમાં અંદાજે 32 લાખ મે.ટન કરતા વધુ મગફળીનું ઉત્પાદન થયું જે દર વર્ષની સરેરાશ કરતા ઘણું વધારે હતું. તેના કારણે બજારમાં ખેડૂતોને મગફળીના પુરતા ભાવ મળતા ન હતા, તેથી ગુજરાત સરકારની વિનંતી અને માંગણી ધ્યાને રાખી ભારત સરકારે NAFED દ્વારા ગુજરાતમાં મગફળી ખરીદ કરવાની કામગીરી શરૂ કરાવી.

સીઝનની શરૂઆતમાં જ્યારે માર્કેટયાર્ડોમાં મોટા પ્રમાણમાં આવક થતી હતી ત્યારે નાફેડે પૂરતા પ્રમાણમાં સેન્ટરો નહી ખોલી ખેડૂતોમાં મોટો ઉહાપોહ અને અસંતોષ થયો હતો અને ખેડૂતોએ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ કૃષિ મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. ખેડૂતોની લાગણી ધ્યાને રાખી NAFEDની જવાબદારી હોવા છતાં, રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં NAFEDને મદદરૂપ થવા માટે મગફળી ખરીદીના વધુને વધુ સેન્ટરો શરૂ થાય અને મગફળીનો સંગ્રહ કરવા માટે NAFEDને વધુ ગોડાઉનો પ્રાપ્ત થાય તે માટે રાજ્યના વહીવટી તંત્ર દ્વારા આપને મદદરૂપ થવાનો સંપુર્ણ પ્રયત્ન કરેલો છે. આ સીઝનમાં રાજ્યમાંથી 8 લાખ મે.ટન કરતાં વધુ મગફળીની ખરીદી રાજ્ય સરકારના સહયોગથી કરવામાં આવેલ છે. જો રાજ્ય સરકારે મદદ ન કરી હોત તો NAFED આના કરતા અડધી ખરીદી પણ ન કરી શક્યુ હોત અને ગુજરાતના ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકશાન થયુ હોત.

આપ NAFEDના ચેરમેન છો, ગુજરાતના અને સૌરાષ્ટ્રના છો છતાં પણ લગભગ 8 મહિના કરતાં વધુ સમય સુધી મગફળી અને અન્ય જણસીઓની ખરીદી ચાલતી હતી ત્યારે NAFEDના ચેરમેન તરીકે કોઇપણ કામમાં કયાંય કોઇ ખોટુ થતુ હોય તો તમે રાજ્ય સરકારનું એકપણ વખત ધ્યાન દોર્યુ નથી. આપ જાણો છો કે NAFEDના ખરીદી સેન્ટર પર મગફળીની ગુણવતા જોવા માટે NAFEDના પ્રતિનિધિ હાજર હોય છે તેની મંજુરી બાદ જ મંડળીઓ મગફળીની ખરીદી કરે છે.

તમારા પ્રતિનિધિની હાજરીમાં વજન થાય છે અને NAFEDના બારદાનમાં જ તે મગફળી ભરવામાં આવે છે અને તે સીલ કરવામાં આવે છે અને આ મગફળી જે ગોડાઉન પર સ્ટોક માટે મોકલવાની હોય તે ગોડાઉન પર પણ ટ્રક ખાલી કરાવતી વખતે તમારા પ્રતિનિધિ તેનું રેન્ડમ ચેકીંગ કરે છે અને તેમની સંમતિ બાદ જ આ મગફળી ગોડાઉનમાં ઉતારવામાં આવે છે. યોગ્ય ગુણવત્તા અને વજનવાળી મગફળી ગોડાઉનમાં આવી ગઇ છે એવો NAFED તરફથી દાખલો આપવામાં આવે છે અને આ દાખલો મળ્યા બાદજ તે મગફળીનું ચુકવણું મગફળી વેચનાર ખેડૂતોના ખાતામાં સીધે સીધુ ઓન લાઇન જમા કરાવવામાં આવે છે. આ કોઇ પ્રક્રિયામાં રાજ્ય સરકાર કોઇ રીતે સંકળાયેલી નથી.

NAFEDના ચેરમેન તરીકે આપ આ બધું જ જાણતા હોવા છતાં તમે જે નિવેદન કર્યુ તેમાં કૃષિ મંત્રી તરીકે મને કે મારી સરકારને સાંકળવાનો જે પ્રયત્ન કર્યો છે જે સહેજ પણ ઉચિત નથી. ખરેખર તો તમારે ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની પ્રજાને તમે NAFEDના ચેરમેન હોવા છતાં અને સૌરાષ્ટ્રમાં જ રહેતા હોવા છતાં મગફળી ખરીદીની આખી પ્રક્રિયામાં કોઇ માર્ગદર્શન કે મદદ કેમ નથી કરી અને તમો જવાબદારી / ફરજ ચુકયા છો તેનો ખુલાસો કરવો જોઇએ. રાજ્યમાં 8 મહિનાથી વધુ સમય સુધી 8 લાખ ટન કરતાં વધુ મગફળીની ખરીદી ચાલી તે દરમિયાન તમારા તરફથી રાજ્ય સરકારને એક પણ વખત કોઇ સલાહ, સુચન કે ફરિયાદ કરવામાં આવી હોય તેવું મારા ધ્યાનમાં નથી.

તમે કેટલીક મંડળીઓ પર ગેરરીતિ કરવાનો આક્ષેપ કર્યો છે તે મંડળીઓની કામગીરી અંગે પણ તમે કદી કોઇ ફરીયાદ કરી નથી. રાજ્ય સરકારે તો NAFEDને મદદ કરી છે, પણ ખરીદીની જવાબદારી ચેરમેન તરીકે તમારી હતી. તમારા પત્રમાં તમે કેટલા ગોડાઉનોમાં આગ લાગી તે વિષે ઉલ્લેખ કર્યો છે પરંતુ મારે તમને પુછવું છે કે, જયારે ગોડાઉનમાં આગ લાગી ત્યારે તમે શું કાર્યવાહી કરી. જો કાંઇ ખોટું થયું હોય કે ગેરરીતિ થઇ હોય તેવું તમને લાગતું હોય તો તમોએ તે વખતે કેમ ફરિયાદ ન કરી. અમારી જાણકારી પ્રમાણે આપે ચેરમેન હોવા છતાં તથા NAFEDના કબજા હેઠળ મગફળી હોવા છતાં આપે કોઇ ગોડાઉનની જે તે વખતે મુલાકાત લીધી નથી, કોઇ ખોટું થયું હોય તેવી કોઇ ફરિયાદ કરી નથી. જો તમે ખેડૂતોના સાચા અને જવાબદાર પ્રતિનિધિ હોત તો NAFEDના ચેરમેન તરીકે તમારી જવાબદારી થતી હતી કે તમે તમારી માન્યતા પ્રમાણે જયાં પણ ખોટું થયું હોય ત્યાં કાયદેસરની કાર્યવાહી કરી શકયા હોત. આમાનું કશું જ આપે કર્યુ નથી અને હવે છેલ્લે રહી રહીને તમારી જવાબદારીમાંથી છટકવા માટે ખોટા નિવેદનો કરી રહયા છો.

અમારી સરકારે તો જયારે પણ મગફળી ગોડાઉનમાં આગ લાગી કે તરત જ પોલીસ ફરીયાદ પણ કરી છે. સી.આઇ.ડી. ક્રાઇમને પણ તપાસ સોંપી છે અને એફ.એસ.એલ. દ્વારા પણ તપાસ કરાવી છે. જે મંડળીઓમાં સહેજ પણ ગેરરીતિની ફરીયાદ આવી તેવી તમામ મંડળીઓને ખરીદી કરવાની મંજુરી રદ કરાવી છે. ખરેખર આ બધું આપે કરવાનું થતું હતું પણ આપે કશુ જ કર્યુ નથી. પણ ગુજરાતના ખેડૂતોના હિતમાં સરકારે નાણાંનો દુર્વય ન થાય તે માટે અમોએ કડક કાર્યવાહી કરાવી છે અને હજુ પણ મારી આપને વિનંતી છે કે તમને કયાં પણ ખોટું થયું હોય તેવું જણાતું હોય તો લેખીતમાં ફરીયાદ કરશો તો રાજ્ય સરકાર તમામ પ્રકારની કાર્યવાહી કરાવશે. અમારા હૈયે ફકત ગુજરાતના ખેડૂતોનું હિત જ સમાયેલું છે. અમે ગેરરીતિ કરનાર કોઇને પણ છોડવા માંગતા નથી. અને હજુ તમે જે ફરીયાદ કરશો તે અંગે કાર્યવાહી કરાવીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં રૂા.25000 કરોડ જેવી માતબર રકમની ખરીદીની જવાબદારી ફકત ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી તમને સોંપી હોઇ અને તમે તમારી જવાબદારી યોગ્ય રીતે ન બજાવો તે ખેડૂતો પ્રત્યે આપનો દ્રોહ છે અને ભારત સરકારનો વિશ્વાસ પણ ઓછો થાય તેવું આપે કર્યુ છે. આવું કેમ કર્યુ તેનો તમોએ રાજ્યના ખેડૂતોને જવાબ આપવો જોઇએ.

ગુજરાતના ખેડૂતોને મદદરૂપ થવાના ઉદેશથી ભારત સરકાર તરફથી ટેકાના ભાવની સાથે સાથે અમારી રાજ્ય સરકારે ભારત સરકારના ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ કિ.વી. 500 અને મગફળીમાં પ્રતિ કિ.વી. 50 રૂપિયા બોનસ જાહેર કરી ગુજરાતના ખેડૂતોને વધારે લગભગ રૂપિયા 66 કરોડ જેટલી રકમ વધારે આપી છે.

તમારા તરફથી ભારત સરકારને સમયસર બીલો અને ગોડાઉનની પાવતીઓ રજૂ નહીં થવાને કારણે મગફળીનું પેમેન્ટ જે મોડું થયું હતું તે નિવારવા અમારી રાજ્ય સરકારે રૂા.416 કરોડ ખેડૂતોને મગફળીનું સમયસર પેમેન્ટ મળે તે માટે રીવોલ્વીંગ ફંડ પેટે ફાળવેલ છે. આમ બધી જ રીતે ગુજરાત સરકાર ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી તમારે જે જવાબદારી બજાવવાની હતી તે સમયસર ન બજાવી શકયા તે હકીકત આપે સ્વીકારવી જોઇએ. જે હકિકત આપ ધ્યાને રાખશો, તેવી અપેક્ષા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp