ઉમિયાધામના પ્રમુખે જણાવ્યુ દીકરીઓ અન્ય સમાજમાં લગ્ન ન કરે તે માટે શું કરવું જોઈએ

PC: vishvumiyafoundation.org

અમદાવાદના જાસપુરમાં વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન દ્વારા સંસ્થાના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે પાટીદાર સમાજમાંથી અન્ય સમાજમાં ભાગીને લગ્ન કરતી દીકરીઓ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આપણી દીકરીઓને ઘરમાં જ લાગણી અને હૂંફ મળે તેવું વાતાવરણ આપો, જેથી તેઓ અન્ય સમાજના યુવાનો સાથે ભાગી લગ્ન ન કરે. આ મામલે મીડિયા સાથે વાતચીત કરતા વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે ઘણી વાતો જણાવી હતી.

તેમણે કહ્યુ હતું કે, હવે સમય આવી ગયો છે કે, દીકરીઓને એવું વાતાવરણ આપવાનું છે કે, તેઓ માતા-પિતા સાથે છૂટથી વાતો કરી શકે. દીકરીને કોઇની સાથે પ્રેમ હોય કે તેને કોઇ વ્યક્તિ ધમકાવે છે તો તે ઘરે આવીને વાત કરી શકે. તેને એવો વિશ્વાસ અપાવવો પડશે કે, મને કોઇ મદદ કરે કે નહીં, પરંતુ મારો પરિવાર અને મારા સમાજની સંસ્થા તેમાં મારી મદદ કરશે. એ સાથે જ તેમણે આગળ જણાવ્યુ કે, દીકરીઓ ભાગી જવાની ઘટના ગરીબ, મધ્યમ અને શ્રીમંત પરિવારોમાં બધાને ત્યાં બનતી હોય છે.

આ દીકરીઓને ટેમ્પરરી હુંફ મળે તેવા છોકરાઓ સાથે વાત કરવા લાગે છે અને તેને પછી લાગે છે કે, આ યુવાન જ મારા માટે સર્વસ્વ છે. અનેક વખત અસામાજિક યુવાનો તેમને આવી જાળમાં ફસાવી દે છે. જેથી આપણે ઘરનો માહોલ એવો બનાવવો જોઇએ કે, તે પોતાના ઘરમાં માતા-પિતા સાથે કોઇ પણ વાત કરી શકે. પછી પ્રેમની વાત હોય કે તેને ગમતા પાત્રની વાત હોય કે પછી કોઇ પણ તેનો પ્રશ્ન હોય. દીકરીઓને ઘરમાં જ હુંફ મળે તે માટે રોજ રાત્રે ઘરસભા થવી જોઇએ. જેથી દીકરીને વાત કરવા માટેનું વાતાવરણ મળી શકે.

સ્નેહમિલન કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના વૈશ્વિક સંગઠનને મજબૂત બનાવવા અને પાટીદાર સહિત તમામ વર્ગના લોકો સુધી સંસ્થાની સેવાઓ પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. ખાસ કરીને અમેરિકાથી આવેલા NRI મિત્રોએ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને વિદેશોમાં ઘેર-ઘેર સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે કાર્યકર્તાઓ-ટ્રસ્ટીઓને સંબોધન કરતા વિશ્વ ઉમિયાધામના પ્રણેતા પ્રમુખ આર.પી.પટેલે દાતાઓને માર્મિક ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજકીય લાભ લેવા માટે દાનની જાહેરાત કરનારા દાતાઓએ સમાજની કોઈ પણ સંસ્થાઓમાં સમયસર પોતાના દાનની રકમ ચૂકવી દેવી જોઈએ.

તેમણે વિશ્વ ઉમિયા સુરક્ષા કવચથી 5,000 લોકોને સુરક્ષિત કરવા માટે સંકલ્પ લેવડાવ્યા હતા. વિશેષરૂપે આર.પી. પટેલે પાટીદાર સમાજમાંથી અન્ય સમાજમાં ભાગીને લગ્ન કરતી દીકરીઓ બાબતે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ તેમણે ત્યા બેઠા તમામને સુનિશ્ચિત કરાવ્યું હતું કે, આપણી દીકરીઓ પરિવારના સભ્યો જ સમય આપે અને તેને લાગણીઓ આપે કે જેથી તેઓ અન્ય યુવાનો સાથે ભાગી ન જાય. મહત્ત્વપૂર્ણ છે કે વિશ્વ ઉમિયાધામના સંકલ્પને પરિપૂર્ણ કરવા સંગઠનના તમામ કાર્યકર્તાઓએ પણ એકીસૂરે તમામ કાર્યને પૂર્ણ શક્તિથી પૂરા કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp