ઉધના સ્ટેશને UP-બિહારના મુસાફરોનો ધસારો,પાટીલની રજૂઆતથી 6 ટ્રેનને મંજૂરી

PC: twitter.com

ઉધના સ્ટેશન પર છેલ્લા બે-ત્રણ દિવસથી ઉત્તર પ્રદેશ અને બિહાર જનારા લોકોની એટલી ભારે ભીડ રહે છે કે ટ્રેનમાં ચઢવાની પણ મુશ્કેલી ઉભી થાય. એક તો હજારોની સંખ્યા અને તેમાં પાછો માલસામાન અને બાળકો. તમે ચિતાર જુઓ તો ખબર પડે કે કેવી રીતે લોકો ટ્રેનમાં જતા હશે. જો કે, હવે સી આર પાટીલની રજૂઆતથી વધારાની 6 ટ્રેનો મળી હોવાનું જાણવા મળ્યું છે.

સુરત એવું શહેર છે જે દેશભરના રાજ્યોમાંથી લોકો અહીં આવીને વસેલા છે અને ખાસ કરીને ટેક્સટાઇલ અને અન્ય બિઝનેસમાં મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોની વસ્તી છે. સુરતની અંદાજે 60 લાખની વસ્તીમાં 70 ટકા કરતા વધારે પરપ્રાંતીયો વસે છે. હવે સ્વાભાવિક વાત છે કે ઉનાળું વેકેશન અને લગ્નસરાંના સમયમાં હજારો લોકો તેમના વતન જાય તો સ્ટેશન પર એટલી ભીડ થાય કે કંટ્રોલ કરવી મુશ્કેલ થઇ જાય. છેલ્લાં બે-ત્રણ દિવસથી આવું જ બની રહ્યું છે.

ઉધના રેલવે સ્ટેશન પર છેલ્લાં બે દિવસથી ઉત્તર પ્રદેશ અને બિહાર જનારા મુસાફરોનો એવો ધસારો જોવા મળી રહ્યો છે કે, એક ટ્રેનની કેપિસીટી કરતા 4 ગણાં વધારે લોકો ટ્રેનમાં જઇ રહ્યા છે. સ્ટેશન પર પગ મુકવાની જગ્યા હોતી નથી. ઉધના સ્ટેશન પર લોકોનું એવું કિડિયારું ઉભરાઇ રહ્યું છે કે, અરાજકતા સર્જાઇ રહી છે. શનિવારે તો કેટલાંક લોકો વિરોધ કરવા માટે ટ્રેનના પાટા પર ઉભા રહી ગયા હતા.

મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને મેડિકલ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પરંતુ ટ્રેનની સંખ્યા ઓછી હોવાને કારણે લોકોની હાલાકી ઓછી થતી નહોતી.

મુસાફરોની વ્યથાની વાત જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભાના ઉમેદવાર સી આર પાટીલ પાસે પહોંચી તો તેમણે તાત્કાલિક કેન્દ્રના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી હતી અને મુસાફકોને પડી રહેલી ભારે હાલાકીનો ચિતાર આપ્યો હતો. સી આર પાટીલે UP- બિહાર માટે ખાસ 6 વધારાની ટ્રેનો શરૂ કરવાની માંગણી કરી હતી.

સી. આર. પાટીલને જ્યારે અમે પુછ્યું તો તેમણે કહ્યું કે, ભીડને ધ્યાનમાં રાખીને ટેમ્પરરી 6 ટ્રેન શરૂ કરવાની રેલવે મંત્રીએ મંજૂરી આપી છે, જેને કારણે લોકોને હવે રાહત રહેશે. પાટીલે કહ્યું કે, દરરોજ વધારાની ટ્રેન દોડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp