કોઠારી સ્વામી સાથેની બેઠક પછી સાધુ સંતોએ કહ્યુ સાળંગપુર વિવાદ 2 દિવસમાં ઉકેલાશે

PC: divyabhaskar.co.in

છેલ્લાં કેટલાંક દિવસથી દેશભરમાં ચર્ચાનો મુદ્દો બનેલા સાળંગપુર વિવાદનો ઉકેલ આવે તેવા સારા સમાચાર સામે આવ્યા છે. હનુમાનજીના અપમાનથી ક્રોધિત થયેલા સાધુ સંતોએ સાળંગપુરના કોઠારી સ્વામી સાથે બેઠક કરી હતી અને બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં સાધુ સંતોએ કહ્યું હતુ કે કોઠારી સ્વામીએ 2 દિવસમાં આ વિવાદનો ઉકેલ લાવવાની ખાત્રી આપી છે.

સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મમાં જે શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે તે બાબતે વિવાદ પેદા થયો છે.

આ શિલ્પચિત્રોમાં હનુમાન સ્વામીનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાન સ્વામીનારાયણના ચરણમાં બેઠા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાનને સ્વામીનારાયણને ફળાહાર આપતા દેખાડાયા છે.

સાળંગપુરના કોઠારી સ્વામી સાથે રવિવારે સાધુ સંતોની બેઠક મળી હતી. સાધુ સંતોએ બેઠક બાદ મીડિયાને કહ્યું હતું કે, કોઠારી સ્વામીને સંતો દ્રારા કેટલાંક મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સાળંગપુરના ભીંતચિત્રનો મુદ્દો મુખ્ય હતો. ઉપરાંત તેમના સંતો આડું અવળું ન બોલે, કથાકારો, વક્તાઓ સંયમમાં રહે તેવા અનેક મુદ્દાઓ પર વાત થઇ હતી.બેઠકમાં કોઠારી સ્વામીએ ખાત્રી આપી છે કે બે દિવસમાં આ વિવાદનું સુખદ સમાધાન લાવીશું.

સાધુ સંતોએ કહ્યું કે અમે વિવાદિત મુદ્દાની ચર્ચા કરી છે અમે અહીં કોઠારી સ્વામી સાથે સંવાદ કરવા માટે આવ્યા હતા, વિવાદ કરવા નહોતા આવ્યા. અમે ખુબ જ શાંતિથી ચર્ચા કરી છે.

બરવાળાના મહામંડલેશ્વર જગદેવદાસે કહ્યું હતું કે, કોઠારી સ્વામી તરફથી અમને બાંહેંધરી આપવામાં આવી છે કે આ મુદ્દે જે કઇ પણ નિરાકરણ કરવાનું છે તે બે દિવસમાં આવી જશે. તેમણે કહ્યું હતું કે ભીંતચિત્ર એક ખાસ મટિરિયલમાંથી બનાવવામાં આવ્યું છે જે નષ્ટ થઇ શકે તેમ નથી.

આ મુદ્દે જુનાગઢના ઇન્દ્રભારતી બાપુએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે આજે સનાતનનો વિજય થયો છે. આ મામલે હવે 2 દિવસની બાંહેધરી આપવામાં આવી છે. એ આપણા સનાતની જ છે. બાપુએ કહ્યુ કે, બે દિવસમાં ભીંતચિત્રો નિકળી જશે ત્યાં સુધી હવે કશું કરવાનું રહેતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp