26th January selfie contest

સીઝનલ તાવથી ગુજરાતમાં 55ના મોત, કેન્દ્રની ટૂકડી દોડી આવી

PC: cloudfront.net

1 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી 2019 સુધી રાજ્યમાં 1463 દર્દીઓ સિઝનલ ફ્લૂ માટે પોઝિટિવ મળ્યા હતા, જેમાંથી 849 દર્દીઓ સાજા થઇ ઘરે ગયેલા છે તથા 559 દર્દીઓ સારવાર હેઠળ છે. 55 દર્દીઓનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. રાજ્યમાં સિઝનલ ફ્લૂ રોગ વકરી રહ્યો હોવાથી રોગની સમિક્ષા કરવા ભારત સરકારના આરોગ્ય વિભાગની ત્રણ સભ્યોની એક ટીમે રાજ્યની મુલાકાત લીધી હતી.

આ ટીમમાં ભારત સરકારના નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલના ડૉ. અંકુર ગર્ગ (એપીડેમીયોલોજીસ્ટ), ડૉ. હેમલત્તા (માઈક્રોબાયોલોજીસ્ટ) તેમજ સફદરજંગ હોસ્પિટલ, દિલ્હીના ડૉ. અમિતકુમાર (પલ્મોનોલોજીસ્ટ) નો સમાવેશ થાય છે. આ ટીમે અમદાવાદ શહેર, વડોદરા અને ભાવનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. સિઝનલ ફ્લૂથી જાહેર જનતાએ ગભરાવવાની જરૂર નથી. આ અંગે કમિશ્નર (આરોગ્ય) એ અપીલ કરતા જણાવ્યું કે કોઇપણ વ્યક્તિને સિઝનલ ફ્લૂ – તાવના લક્ષણો જણાય તો તેઓએ વિલંબ કર્યા વગર નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો અને ગાઈડલાઈન મુજબ ઓસેલ્ટામીવીર નામની દવા લેવી. વૃદ્ધ, પાંચ વર્ષથી નાના બાળકો અને અન્ય બીમારી જેવી કે ડાયાબિટીસ, બી.પી., હૃદય રોગ વગેરે ધરાવનાર વ્યક્તિઓએ ખાસ કાળજી રાખવી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાતમાં સિઝનલ ફ્લૂ માટે શિયાળાની ઋતુની શરૂઆતથી રાજ્યનું સમગ્ર આરોગ્ય તંત્રએ ચોકસાઈથી કામકાજ કરવાનું શરૂ કર્યું છે. આરોગ્ય વિભાગની ક્રાઇસીસ મેનેજમેન્ટ ગૃપની મીટિંગ તા.09.01.2019ના રોજ યોજવામાં આવી હતી. રાજ્યમાં દવાઓનો જથ્થો પુરતા પ્રમાણમાં રાજ્યની હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે, જેમાં કેપ.ઓસલ્ટામીવીર, 75 મિગ્રાની 9 લાખ થી વધુ, તેમજ નાના બાળકો માટે સીરપ ઓસલ્ટામીવીર 17000 જેટલી સંખ્યામાં ઉપલબ્ધ છે. આમ સમગ્ર રાજ્યમાં દવાની કોઈ અછત વરતાતી નથી.આ ઉપરાંત 12.69 લાખ જેટલા ટ્રીપલ લેયર માસ્ક પણ ઉપલબ્ધ છે.

ભારત સરકારની ટીમના ડૉ. અંકુર ગર્ગ એ જણાવ્યું કે રાજ્યમાં સિઝનલ ફ્લૂના કેસોની સંખ્યામાં વધારો એ સિઝનના કારણે હોઈ શકે છે. આ રોગ મુખ્યત્વે શિયાળા અને ચોમાસાની ઋતુમાં વધારે જોવા મળતો હોય છે. તેઓએ તેમની રાજ્યની મુલાકાત બાદ અવલોકન વિષે જણાવ્યું કે રાજ્યમાં સિઝનલ ફ્લૂના દર્દીઓની નિદાન તેમજ સારવાર માટે સુવિધાની કોઈ કમી જણાતી નથી. ભારત સરકારની ગાઈડલાઈન મુજબ સારવાર આપવામાં આવી રહી છે. સિઝનલ ફ્લૂના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા કહેવાયું છે.

તમામ ડોકટરો, પેરા મેડીકલ સ્ટાફ અને નાગરિકોને વારંવાર હાથ ધોવા અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા પણ જણાવ્યુ છે. આરોગ્ય કેન્દ્રોમાં ડૉક્ટરોની સંખ્યા અંગે માહિતી આપતા આરોગ્ય કમિશ્નરએ જણાવ્યું કે હાલમાં રાજ્યમાં મેડીકલ ઓફિસરની કુલ 4512 જગ્યાઓની સામે 3378 જગ્યાઓ ભરેલી છે અને 300 થી વધુ જગ્યાઓ ભરવા માટે ની પ્રક્રિયા ચાલુ છે.

ડૉ.જયંતિ રવિએ જણાવ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં 1645 જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આવનાર છે. જેના માટે કોમ્યુનીટી હેલ્થ ઓફિસર કે જે આયુષ અથવા સ્ટાફ નર્સ કક્ષાના અને આ માટે ખાસ તાલીમબદ્ધ હશે તેમને નિયુક્ત કરવામાં આવશે આ સેન્ટર ગ્રામ્ય સ્તરે કાર્યરત થશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp