રાજકોટમાં ક્ષત્રિય સમાજનું જબરદસ્ત શક્તિ પ્રદર્શન, મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા

PC: twitter.com

પરષોત્તમ રૂપાલાના નિવેદન સામે જંગ ચડેલા ક્ષત્રિય સમાજે 14, એપ્રિલ, રવિવારે રાજકોટના રતનપરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કર્યું છે, જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પહોંચી ગયા છે. રાજ્યભરમાંથી ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો પહોંચ્યા છે. રાજકોટમાં રૂપાલા સામે જબરદસ્ત શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને મેદાન લોકોથી ખીચોખીસ ભરાઇ ગયું છે. રતનપરના 13 એકર વિસ્તારમાં આ મહાસંમેલન રાખવામાં આવ્યું છે. કોઇ અનિચ્છનીય બનાવ નહીં બને તેના માટે સવારથી પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.રાજકોટમાં જે માનવ મહેરાણમણ ઉમટ્યું છે તે જોઇને રૂપાલા અને ભાજપના ધબકારા વધી ગયા હશે.

ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ 23 માર્ચે 2024ના દિવસે એક સભામાં એવું નિવેદન કર્યુ હતું કે દેશમાં અંગ્રેજો અને બીજા લોકો આવ્યા હતા અને તેમણે દમન કરવમાં કોઇ કસર નહોતી છોડી. તે વખતે મહારાજાઓ નમી ગયા હતા અને રોટી-બેટીના વહેવાર કર્યા હતા. આ નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં ભડકો થયો હતો અને ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલા સામે વિરોધનો વંટોળ શરૂ કર્યો હતો. રૂપાલાએ 3 વખત માફી માંગી, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ 2 હાથ જોડીને માંફી માંગી, પરંતુ ક્ષત્રિય સમાજના લોકો માફી આપવા તૈયાર નથી અને એક જ માંગ પર અડીને બેઠા છે કે રાજકોટ લોકસભા બેઠક પરથી રૂપાલાને હટાવવવામાં આવે.

છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વિરોધ આંદોલનો ચાલી રહ્યા હતા, પરંતુ ક્ષત્રિય સમાજે 14 એપ્રિલ, રવિવારે રાજકોટના રતનપરમાં એક ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કર્યું અને લકઝરી બસો, ખાનગી વાહનો અને કારમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રાજકોટ પહોંચી ગયા છે. ક્ષત્રિય સમાજે મોટું શક્તિ પ્રદર્શન કર્યું છે. આ મહાસંમેલનમાં રૂપાલાની ટિકિટ રદ ન થાય તો આંદોલન આગળ કેમ વધારવું તેની રણનીતિ નક્કી કરવામાં આવશે.

રાજકોટના રતનપરમાં મહાસંમેલન સાંજે 5 વાગ્યે શરૂ થવાનું હતું, પરંતુ દેશભરમાંથી હજારોની સખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો સવારથી જ આવવાના શરૂ થઇ ગયા હતા. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે DYSP અને PI કક્ષાના 7 ક્ષત્રિય પોલીસ અધિકારીઓને જવાબાદારી સોંપવામાં આવી છે. લગભગ 500થી વધારે પોલીસ જવાનનો કાફલો રતનપરમાં ખડકી દેવામાં આવ્યો છે. પોલીસે કેટલાંક લોકોની રાજ્યની સરહદેથી જ અટકાયત કરી દીધી હતી. તેમને મહાસંમેલન સ્થળ સુધી પહોંચવા દેવાયા નથી. રાજપૂત કરણીસેનાના પૂર્વ અધ્યક્ષના પત્ની શીલા ગોગામેડી અને અન્ય કાર્યકરોની સરહદ પાસેથી જ અટકાયત કરી લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp