'...તો શું તમે 10 વર્ષ જેલમાં રાખશો',સુનિતા કેજરીવાલે ગુજરાત રોડ શોમાં કહ્યું
દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં રહેલા દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે ગુરુવારે ગુજરાતના બોટાદમાં એક વિશાળ રોડ શો યોજ્યો હતો. આ દરમિયાન તેમની સાથે ભાવનગરના AAPના ઉમેદવાર ઉમેશ મકવાણા અને AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવી હાજર રહ્યા હતા.
રોડ શો દરમિયાન કાર્યકર્તાઓને સંબોધતા સુનીતા કેજરીવાલે કહ્યું, 'મારા પતિને બળજબરીથી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં ચૈતરને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. તેઓ કહી રહ્યા છે કે, તપાસ ચાલી રહી છે, તો શું તેમને 10 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવશે? જ્યાં સુધી તપાસ ચાલુ રહે ત્યાં સુધી તેમને જેલમાં રાખવામાં આવ્યા છે. આ સરમુખત્યારશાહી છે.'
સુનીતા કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું, 'દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને છેલ્લા 40 દિવસથી બળજબરીથી જેલમાં રાખવામાં આવ્યા છે. તેઓ કહે છે કે, તપાસ ચાલી રહી છે. જો આગળની તપાસ 10 વર્ષ સુધી ચાલુ રહેશે, તો શું તેમને 10 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવશે? અગાઉ કોઈ વ્યક્તિ દોષિત સાબિત થાય ત્યારે જ જેલમાં જતો હતો. હવે તેઓએ નવી સિસ્ટમ બનાવી છે અને જ્યાં સુધી ટ્રાયલ ચાલુ નહીં થાય ત્યાં સુધી તેને જેલમાં રાખશે. આ સાવ ગુંડાગીરી છે. આ એક પ્રકારની સરમુખત્યારશાહી છે. CM કેજરીવાલ જી સાચા દેશભક્ત, પ્રમાણિક અને શિક્ષિત છે.'
સુનીતાએ વધુમાં કહ્યું, 'અરવિંદ દેશભક્ત છે, તે IT કમિશનર હતા. પણ તેમને સમાજસેવા કરવાની હતી. નોકરી છોડી દીધી. મને પૂછ્યું કે, મારે સમાજસેવા કરવી છે. કઈ વાંધો તો નથી ને. તેમણે અનેક વખત ઉપવાસ પણ કર્યા. ડાયાબિટીસનો રોગ છે. તેમને જેલમાં ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું નથી. આવી સ્થિતિમાં તેમની કિડની લીવરને નુકસાન થશે. દિલ્હીએ તેમને ત્રણ વખત CM બનાવ્યા. તમે (ગુજરાત) 5 ધારાસભ્યો આપ્યા. તેમનો અવાજ તમારા સુધી ન પહોંચે તે માટે તેમને જેલમાં પુરવામાં આવ્યા છે, પરંતુ તે સિંહ છે.'
CM અરવિંદ કેજરીવાલને 21 માર્ચે દિલ્હી લિકર પોલિસી મુદ્દા સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનો આરોપ છે કે, તે કૌભાંડનો મુખ્ય ષડયંત્રકાર હતા અને દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગવામાં સીધી રીતે સંડોવાયેલા હતા.
CM કેજરીવાલ જેલમાં ગયા પછી તેમની પત્ની સુનીતાએ પાર્ટીના કામની જવાબદારી સંભાળી લીધી છે. BJPનો દાવો છે કે, સુનીતાને દિલ્હીનું CM પદ પણ આપવામાં આવી શકે છે. જો કે, આ આરોપોને ફગાવી દેતા AAP કહે છે કે, દિલ્હીમાં નેતૃત્વમાં કોઈ ફેરફાર થશે નહીં અને CM કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે.
સુનીતા કેજરીવાલના પ્રચાર પછી BJPએ CM અરવિંદ કેજરીવાલ પર પરિવારવાદની રાજનીતિ કરવાનો આરોપ લગાવવાનું શરૂ કરી દીધું છે. બીજી તરફ AAP પણ સુનિતા કેજરીવાલને સહાનુભૂતિનો ચહેરો બનાવીને CM કેજરીવાલની ધરપકડને મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp