પિતાને ફસાવવા દીકરાએ પત્ની પાસે હિંસાનો ખોટો કેસ કરાવ્યો, હાઇ કોર્ટે પકડી પાડ્યો

PC: cdjlawjournal.com

ગુજરાતના અમદાવાદમાં ઘરેલુ હિંસાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોતાના પિતા સાથે મારપીટ કરનાર એક પુત્રએ ઘર ખાલી કરવાના આદેશને ટાળવા માટે તેની પત્ની દ્વારા તેના પિતા સામે કેસ દાખલ કર્યો હતો, જેથી ટ્રિબ્યુનલના આદેશનો અમલ ન થાય.ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને ન્યાયાધીશ અનિરુદ્ધ માયીની બેંચે પુત્રનો કારસો પકડી પાડ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે ઘરેલુ હિંસા કાયદાના દુરુપયોગનો મોટો મામલો પકડી પાડ્યો છે. અમદાવાદમાં એક વ્યક્તિએ ઘર ખાલી ન કરવા માટે તેના 96 વર્ષના પિતા વિરુદ્ધ તેની પત્ની પાસે ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો હતો. પુત્ર અને પુત્રવધૂની આ હરકતના કારણે વૃદ્ધાને કોર્ટના ચક્કર કાપવા પડ્યા હતા પરંતુ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટે પુત્રના કારસાને ઉંધો પાડી દીધો હતો.

હાઈકોર્ટના આદેશ બાદ પુત્રએ ઘર ખાલી કરવું પડશે. હાઈકોર્ટે પોતાના આદેશમાં દિકરાને તેના વૃદ્ધ માતા-પિતાના ઘરમાંથી કાઢી મૂકવાનો આદેશ આપ્યો છે. આ પછી હાઈકોર્ટે સિંગલ બેંચના આદેશ પર પણ રોક લગાવી દીધી છે.

અમદાવાદના મણિપુર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ દંપતીએ તેમના પુત્રની ગેરવર્તણૂકથી નારાજ થઈને મે 2019માં સિનિયર સિટીઝન ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કર્યો હતો. નવેમ્બર 2019 માં, વૃદ્ધ દંપતીના કિસ્સામાં, ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો હતો કે પુત્રએ ઘર ખાલી કરવું જોઈએ. આગામી ત્રણ મહિના માટે, પિતાએ પુત્રને ઘર છોડવા કહ્યું અને ટ્રિબ્યુનલના આદેશ બતાવતા રહ્યા હતા. પરંતુ પુત્રએ ઘર ખાલી ન કરવું પડે તેના માટે એવો કારસો રચ્યો કે પોતાની પત્ની પાસે પિતાની સામેજ ઘરેલું હિંસાનો કેસ દાખલ કરી દીધો હતો.

જેમાં પુત્રવધૂએ દાવો કર્યો હતો કે તેને ઘરમાં રહેવાનો અધિકાર મળવો જોઈએ. જ્યારે આ મામલો પ્રથમ મેટ્રોપોલિટન કોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે આદેશ આપ્યો કે પુત્રવધૂને ઘરની બહાર કાઢી ન શકાય. આ સાથે પુત્રવધૂએ ટ્રિબ્યુનલના નિર્ણયને પણ પડકાર્યો હતો. જેમાં પતિને ઘર ખાલી કરવા જણાવાયું હતું. ગયા મહિને આપેલા સિંગલ બેંચે ઘરેલુ હિંસા કાયદાની જોગવાઈઓ અનુસાર પત્નીને ઘરમાં રહેવાનો અધિકાર આપ્યો હતો, પરંતુ પતિને રાહત આપી ન હતી.

દિકરો અને વહુ બંને સાથે મળીને પરેશાન કરતા હોવાથી પિતાએ હાઈકોર્ટમાં ફરી અપીલ કરી અને કહ્યું કે ટ્રિબ્યુનલના નિર્ણયનો અમલ ન થાય તે માટે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ અપીલમાં પિતાએ તે ત્રણ FIR નો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે તેમના પુત્ર પર મારપીટ અને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. પિતાની અપીલ પર સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માયીની બેન્ચે કહ્યું કે પુત્રએ ક્યારેય ઘર ખાલી કરવાના આદેશને પડકાર્યો નથી.

આ કેસમાં પુત્રવધૂએ એટલા માટે અરજી કરી જેથી તેને સાસરીનું ઘર ખાલી ન કરવું પડે. મતલબ કે ઘરેલું હિંસા વિરોધી કાયદાનો દુરુપયોગ થયો છે. કોર્ટે એમ પણ કહ્યું કે પિતા-પુત્ર વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો અને પુત્ર પિતાને હેરાન કરતો હતો, પરંતુ પુત્રવધૂ ક્યારેય સસરાને બચાવવા આગળ આવી નહોતી.

હાઈકોર્ટે સિંગલ બેંચના આદેશ પર 22 જાન્યુઆરી 2024 સુધી સ્ટે આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp