છોટુ વસાવાએ પોતાના દીકરાની ઉંદર સાથે સરખામણી કેમ કરી?

PC: twitter.com

2024ની લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં BJPમાં એક પછી એક નેતાઓ જોડાઈ રહ્યા છે. AAPની એન્ટ્રી પછી BJP માટે ભરૂચ બેઠક પ્રતિષ્ઠાનો પ્રશ્ન મોટો બન્યો છે. હવે આ સીટ પર મોટી રમત સામે આવી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં પિતાની હારનું કારણ બનેલા મહેશ વસાવાએ પિતા છોટુ વસાવાનો સાથ છોડી દીધો છે. મહેશ વસાવા તેમના સમર્થકો સાથે BJPમાં જોડાયા છે. પુત્રના BJPમાં જોડાવા પર પિતા છોટુ વસાવાએ એક વિડિયો સંદેશ જાહેર કરીને કહ્યું કે, તેઓ તેના આ નિર્ણયમાં સામેલ નથી. છોટુ વસાવાએ BJP પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં નવા સંગઠનની જાહેરાત કરશે.

ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ના પૂર્વ પ્રમુખ મહેશ વસાવાએ BJPમાં જોડાયા પછી કહ્યું કે, 'તેઓ PM મોદીના નેતૃત્વમાં વિકાસ યાત્રામાં જોડાયા છે, પરિવારમાં કોઈ નારાજગી નથી, પિતાના આશીર્વાદ મારી સાથે છે, કોઈએ મને ખોટા માર્ગે નથી દોર્યો, હું જાતે જ આવ્યો છું, મારા પિતા પણ મારી સાથે છે.' મહેશ વસાવાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પર પણ નિશાન સાધ્યું હતું. વસાવાએ કહ્યું હતું કે, ન્યાય યાત્રા હમણાં જ આવી હતી, પરંતુ તેમાં કશું જ નહોતું. ભરૂચમાં અહેમદ પટેલની પુત્રી, પુત્ર અને કાર્યકરો જ કોંગ્રેસથી નારાજ છે. બીજી તરફ છોટુ વસાવાએ કહ્યું કે, આજે ગાંધીનગરમાં તે લોકો (મહેશ વસાવા અને તેના સહયોગીઓ) BJPમાં જોડાવા જઈ રહ્યા છે, જેઓ ગઈકાલ સુધી આ જ સરકાર સામે આદિવાસીઓના હક્ક માટે અવાજ ઉઠાવતા રહ્યા હતા. આજે સત્તા અને પૈસાના લોભમાં તેઓ ઉંદર બનીને આદિવાસી સમાજને વેચવા જઈ રહ્યા છે. આ સમાજ એ બધા ઉંદરોને ક્યારેય માફ નહીં કરે.અમે ટૂંક સમયમાં નવા સંગઠનની જાહેરાત સાથે લડત ચાલુ રાખીશું.

ગુજરાતના અગ્રણી આદિવાસી નેતા છોટુ વસાવાની બેઠક અને વિસ્તાર ભરૂચ લોકસભામાં આવે છે. તેઓ તેમના પુત્ર મહેશને કારણે 2022ની વિધાનસભાની ચૂંટણી હારી ગયા અને ઝઘડિયામાં પ્રથમ વખત કમળ ખીલ્યું. જો પુત્ર મહેશ BJPમાં જોડાશે તો પક્ષના ઉમેદવાર મનસુખ વસાવાની સ્થિતિ મજબૂત થશે. ભરૂચમાં આમ આદમી પાર્ટીએ મનસુખ વસાવા સામે તેના ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. ચૈતર વસાવા એ જ સીટના ધારાસભ્ય છે, જ્યાંથી મહેશ વસાવા 2017માં જીત્યા હતા અને 2022 સુધી ધારાસભ્ય રહ્યા હતા. મહેશ વસાવાના BJPમાં જોડાવું એ ચૈતર સામે બદલો લેવાના સ્વરૂપ તરીકે જોવામાં આવી રહ્યું છે, તો જ્યારે તેમના પિતા છોટુ વસાવા માટે એ સંકટ ઉભું થયું છે કે, જે BJPને તેઓ જીવનભર કોસતા રહ્યા હતા. હવે તેમનો મોટો પુત્ર ખુદ BJPમાં જોડાયો છે. છોટુ વસાવાનો નાનો પુત્ર દિલીપ વસાવા નવી રચાયેલી ભારતીય આદિવાસી પાર્ટી (BAP) સાથે સંકળાયેલો છે. BAPએ રાજસ્થાનમાં બે અને મધ્ય પ્રદેશમાં એક બેઠક જીતી હતી.

ભરૂચથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા ચૈતર વસાવા એવી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જે BJPનો અભેદ્ય ગઢ છે. ચૈતરની આખી ચૂંટણી BJP વિરોધી મતો પર ટકેલી છે. મહેશ વસાવા તરફથી આવેલો પડકાર ચૈતર માટે નવી સમસ્યાઓ ઉભી કરશે, જેઓ અહેમદ પટેલના પરિવાર અને નજીકના લોકોની નારાજગીનો સામનો કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે, છોટુ વસાવા પોતાના ઉમેદવારને ઉભા રાખશે કે ચૈતરને સમર્થન આપશે. ભરૂચ બેઠક પરની લોકસભાની ચૂંટણી આના પર જ ટકી રહી છે. ચૈતર વસાવાને આદિવાસીઓની સાથે મુસ્લિમોના મત મળવાની શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp