મુંબઈથી સુરત માટે સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેન શરૂ, જાણો તેનું ટાઈમ ટેબલ અને સ્ટોપેજ

PC: tv9gujarati.com

પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ અને સુરત વચ્ચે વિશેષ સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન મુંબઈના બાંદ્રા ટર્મિનસથી શરૂ થશે અને ગુજરાતમાં સુરતના ઉધના રેલવે સ્ટેશન સુધી જશે. કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોષે આ ટ્રેનનો પ્રારંભ થતા તેના પર ખુશી વ્યક્ત કરી છે.

ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે મુસાફરી કરતા લોકોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ એક નવી ટ્રેન શરૂ કરી છે. મહારાષ્ટ્રના મુંબઈ ટર્મિનસથી ચાલુ થતી આ ટ્રેનની ખાસ વાત એ છે કે, તે સુરતના ઉધના રેલવે સ્ટેશન સુધી પહોંચશે. તેનાથી આ રૂટ પર મુસાફરી કરતા ઘણા બધા લોકોને સુવિધા મળવાની અપેક્ષા છે. કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોષે 17 જાન્યુઆરીથી આ ટ્રેન શરૂ થવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આનાથી મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે રેલ્વે જોડાણ વધુ મજબૂત બનશે. મુંબઈના બાંદ્રા ટર્મિનસથી ચાલુ થઇ સુરતના ઉધના સુધી ચાલનારી આ ટ્રેનનો નંબર 09055/09056 રાખવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેને આશા છે કે, આ ટ્રેન અન્ય ટ્રેનોમાં મુસાફરોનું વેઇટિંગ લિસ્ટ ઓછી થશે અને તેમની મુસાફરી વધુ સરળ બનશે.

આ શરુ થયેલી નવી ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ દોડશે. આ ટ્રેન ગુજરાતના બાંદ્રા ટર્મિનસથી સવારે 9.50 વાગ્યે ઉપડશે અને સુરતના ઉધના સ્ટેશને બપોરે 2.05 વાગ્યે પહોંચશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09055 બાંદ્રા ટર્મિનસ-ઉધના સુપરફાસ્ટ સ્પેશિયલ અઠવાડિયાના મંગળવાર અને શુક્રવાર સિવાય સવારે 09.50 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે. અને તે જ દિવસે બપોરે 14.05 કલાકે ઉધના સ્ટેશન પહોંચશે. આ ટ્રેન 17 જાન્યુઆરી 2024 થી 29 ફેબ્રુઆરી 2024 સુધી ચાલશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09056 ઉધના-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ઉધનાથી અઠવાડિયાના સોમવાર અને ગુરુવાર સિવાય બપોરે 16.15 કલાકે ઉપડશે અને તે જ દિવસે સાંજે 20.30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 28 ફેબ્રુઆરી 2024 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વિરાર, બોઈસર, વાપી, વલસાડ, બીલીમોરા અને નવસારી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ રાખવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp