સુરત: 7 મહિનાની બાળકી રમતા રમતા ગરોળી ચાવી ગઇ, હોસ્પિટલમાં દાખલ

PC: divyabhaskar.co.in

સુરતના કડોદરા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો અને માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. એક 7 મહિનાની બાળકી રમતા રમતા ગરોળી ચાવી ગઇ હતી.માતાની જ્યારે નજર પડી તો હોંશ ઉડી ગયા હતા. બાળકીને તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સદનસીબી બાળકીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

સામાન્ય રીતે ગરોળીઓ જોઇને મહિલાઓ બુમરાણ મચાવી દેતી હોય છે, પરંતુ સુરતના કડોદરા વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીમાં એક 7 મહિનાની બાળકી ઘરમાં રમતી હતી ત્યારે ગરોળીને પકડીને ચાવી ગઇ હતી. માતા ઘર કામમાં વ્યસ્ત હતી, પરંતુ જ્યારે નજર પડી કે દીકરી ગરોળી ચાવી રહી છે ત્યારે તેના હોંશ ઉડી ગયા હતા. માતાએ દોડીને પહેલાં બાળકીના મોંઢામાંથી ગરોળી કાઢીને ફેંકી દીધી હતી. માતાએ બુમરાણ કરી દેતા આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા અને બાળકીને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

જાણવા મળેલી વિગત મુજબ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા અભિષેક સિંહની 7 મહિનાની દીકરી નિતારા ઘરમાં રમી રહી હતી ત્યારે તેણે ગરોળી ચાવી લીધી હતી. નિતારાને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં સારવાર દરમિયાન તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. નિતારાની હાલત સ્થિર જણાતા માતાએ અને પરિવાજનોએ હાશકારો અનુભવ્યો હતો.

આ કિસ્સો અનેક એવા પરિવારો માટે લાલબત્તી સમાન છે જેઓ વિભક્ત કુટુંબમાં રહે છે. મા ઘર કામમાં વ્યસ્ત હોય અને પિતા નોકરીએ ગયા હોય ત્યારે બાળકો સાથે અનેક અજૂગતી ઘટનાઓ સામે આવતી રહે છે.

હજુ થોડા સમય પહેલાં જ અંકલેશ્વરમાં ચોંકાવનારી ઘટના બની હતી. બરફ ગોળોનો ધંધો કરતા એક પરિવારે ગરમ ગરમ ચાસણી તપેલામાં તૈયાર કરી હતી. પરિવારના લોકો જમી રહ્યા હતા ત્યારે નાનકડી બાળકી રમતા રમતા ગરમ ચાસણીના તપેલામાં પડી ગઇ હતી. આવા તો અનેક કિસ્સાઓ છે. મા-બાપ જરા સરખી પણ લાપરવાહી કરે તો સંતાન ગુમાવવાનો વારો આવે છે. બાળકોનું ધ્યાન રાખવાનું માતા-પિતા અને પરિવારજનોની ફરજ છે.

બીજા એક કિસ્સાની વાત કરીએ તો સુરતના પાંડેસરામાંથી પણ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો. થોડા દિવસ પહેલા શ્રીરામ નગરમાં ત્રણ વર્ષનો દિપક પ્રજાપતિ ઘરની ગેલેરીમાં રમી રહ્યો હતો આ દરમિયાન રમતા રમતા ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. જેથી તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp