સુરતમાં સ્કૂલ રિક્ષા ડ્રાઇવરે બાળકના હાથમાં સ્ટીયરીંગ સોંપી દીધું, બાળકે ભગાવી
સોશિયલ મીડિયા પર એક આંખ ખોલનારો અને વાલીઓ માટે ચેતવણીરૂપ વીડિયો સામે આવ્યો છે. એક સ્કુલ રિક્ષાના ડ્રાઇવરે એક નાનકડા વિદ્યાર્થીને આગળ બેસાડીને રિક્ષાનું સ્ટિયરીંગ સોંપી દીધું હતું અને પોતે આરામથી બેઠો હતો. આ નાનકડા બાળકે ફુલસ્પીડમાં રિક્ષા ભગાવી હતી. સદનસીબે કોઇ અણબનાવ સામે આવ્યો નથી, પરંતુ બાળક સાથેના આવા ગંભીર જોખમ માટે રિક્ષા ચાલક વિરુદ્ધ કડક પગલાં લેવાવા જોઇએ, કારણકે વાલીઓને તો ખબર જ હોતી નથી કે રિક્ષામાં બાળકને સ્કુલે મોકલ્યા પછી તેની સાથે શું થાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયો સુરતના યુનિવર્સિટી રોડ પરનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.પોલીસે તપાસ હાથ ધરી છે.
આમ પણ સ્કુલ રિક્ષામાં નિયમ કરતા વધારે બાળકો બેસાડીને રિક્ષાચાલકો ટ્રાફિકનો નિયમોનું ઉલ્લંઘન કરતા રહે છે. પરંતુ બાળકને રિક્ષામાં શાળાએ મોકલી દીધા પછી નચિંત અનુભનારા વાલીઓએ હવે સતર્ક થઇ જવાની જરૂર છે. બાળકોને રિક્ષામાં બેસાડીને એક રિક્ષા ડ્રાઇવરે એક નાનકડા ટાબરિયા જેવા વિદ્યાર્થીને રિક્ષા ચલાવવા આપી દીધી હતી, અલબત તે સાથે બેઠો હતો, પરંતુ બાળકે મસ્તીમાં આવીને રિક્ષા ફુલ સ્પીડે ભગાવી દીધી હતી. કોઇ અણબનાવ બનતે તો રિક્ષામાં બેઠેલો અનેક વિદ્યાર્થીઓના માથે જોખમ ઉભું થતે. કોઇ જાગૃત નાગરીકે આ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.
પોલીસ અત્યારે સ્ટંટ કરનારાઓ સામે લાલ આંખ કરી રહી છે ત્યારે આવા રિક્ષાચાલકે પણ સ્ટંટ કર્યો હોવાનું ગણીને પોલીસે કડક હાથે કામ લેવું જોઇએ. વાયરલ થયેલા વીડિયો યુનિવર્સિટી પાસેના બ્રિજ વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વાલીઓએ તો આવી ઘટનાથી ચેતવાની જરૂર છે જ પણ સાથે શાળાઓએ પણ રિક્ષાચાલકો માટે કડક નિયમો બનાવવા જોઇએ. એક રિક્ષામાં ઘણી વખત 10-12 વિદ્યાર્થીઓને ભરી દેવામાં આવે છે. ઘણી વખત રિક્ષા ઉથલી જવાના બનાવો પણ બનતા રહે છે.
સુરતમાં તાજેતરમા બનેલા વેસુ પોલીસ સ્ટેશનના પી.આઇ. એમ.સી. વાળાએ કહ્યું હતું કે, રિક્ષામાં બાળકોને લઇ જતા રિક્ષા ડ્રાઇવરનો વીડિયો અમારી સામે આવ્યો છે. વીડિયો જોતા એવું લાગી રહ્યું છે કે યુનિવર્સિટી રોડ પર આવેલા બ્રિજ પાસેનો વિસ્તાર છે. અમારી ટીમ રિક્ષા ચાલકની શોધખોળ કરી રહી છે. રિક્ષા ચાલક મળ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે.
સુરત પોલીસે છેલ્લાં કેટલાંક સમયથી એક સારું કામ કર્યું છે કે, દરેક રિક્ષાની પાછળ પોલીસ સ્ટેશન અને મોબાઇલ નંબર લખેલા હોય છે, જેથી પોલીસ સરળતાથી રિક્ષા ચાલકની પુછપરછ કરી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp