સુરતમાં 12631 વાહનચાલકના લાયસન્સ રદ્દ કરાશે, જાણો કેમ પોલીસે લીધો આવો નિર્ણય
ટ્રાફિક નિયમો લોકોની ભલાઇ માટે હોય છે, પરંતુ ઘણી વખત આપણે લોકોને ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા જોતા જોઇએ છીએ, તેને લઇને હવે સુરત ટ્રાફિક પોલીસ મોટી કાર્યાવહી કરવા જઇ રહી છે. સુરતના કેટલાક વાહનચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે ટ્રાફિક પોલીસ RTOને રિપોર્ટ મોકલાશે. ચાલો તો જાણીએ કે સુરત ટ્રાફિક પોલીસ કેવા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા જઇ રહી છે.
50-100 વખત મેમો ફાટ્યા બાદ જે વાહનચાલકો સુધરતા નથી, હવે ટ્રાફિક પોલીસ એવા 12 હજાર 631 લાઇસન્સ રદ કરવા RTOને રિપોર્ટ મોકલશે. તેની સાથે જ 5 કરતા વધારે વખત ટ્રાફિક નિયમ ભંગ કરનાર વાહનચાલકની માહિતી પણ તૈયાર કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ વિભાગે એવા વાહનચાલકો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે જેઓ નો-પાર્કિંગમાં પાર્કિંગ, ઓવર સ્પીડ, રોંગ સાઇડ અને મોબાઇલ પર વાતો કરતા કરતા વાહનો ચલાવી રહ્યા હોય, સતત ટ્રાફિક નિયમોનો ભંગ કરી રહ્યા હોય તે એક બાદ એક 50 કરતા વધારે અને 100 કરતા વધુ ઇ-ચલણ આવ્યા બાદ પણ તેમને કોઇ ફરક ન પડતો હોય.
સુરતમાં 5 કરતા વધારે ઇ-ચલણ મેળવનાર વાહનચાલકોની સંખ્યા 15 હજાર કરતા પણ વધારે છે. તેની માહિતી સુરત શહેર ટ્રાફિક શાખાના DCP અમિતા વાનાણીએ આપી હતી. સુરતમાં અકસ્માતની ઘટના પર બ્રેક લગાવવા અને સારી રીતે ટ્રાફિક વ્યવસ્થા ઊભી કરવા માટે ટ્રાફિક વિભાગે માહિતી તૈયાર કરવામાં આવી છે. આ માહિતીમાં તમામ લોકોનાં નામ છે, જેમને 5 કરતા વધારે વખત ટ્રાફિક વિભાગે નિયમનો ભંગ કરવા માટે ઇ-ચલણ મોકલ્યાં હતા. હવે આ લોકો ઉપર કાર્યવાહી કરવા માટે ટ્રાફિક વિભાગે કમર કસી લીધી છે.
DCP અમિતા વાનાણીએ જણાવ્યું કે, સુરતમાં વિભિન્ન જગ્યાએ CCTV કેમેરા લાગ્યા છે. અલગ-અલગ પ્રકારના જે ટ્રાફિકના હેડ હોય છે, તેમના દ્વારા જે વાહનચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે, તેમની વિરુદ્ધ ઇ-ચલણ જનરેટ કરીને તેમને મોકલવામાં આવે છે, પરંતુ કેટલાક વાહનચાલકો આ ઇ-ચલણને નજરઅંદાજ કરીને સમાધાન શુલ્કની રકમને ભરતા કરતા નથી. સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા જે પણ વાહનચાલકોને આવા ઇ-ચલણ કે દંડના કાગળ તેમના ઘરે મોકલવામાં આવે છે, તેમને તાત્કાલિક ભરવા માટે કહેવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરત ટ્રાફિક વિભાગ પાસે એનાલિસિસ કરેલી માહિતી તૈયારી છે. 12 હજાર 631 લોકો એવા છે જેમના ઘરે 50-100 કે તેનાથી પણ વધારે વિભિન્ન હેડમાં ઇ-ચલણ મોકલાયા છે. એવા વાહનચાલકો વિરુદ્ધ RTOને લાઇસન્સ રદ કરવા માટે ટ્રાફિક શાખા રિપોર્ટ કરશે. અત્યાર સુધીમાં 6 હજારથી પણ વધારે એવા લોકો છે જેમને લગભગ 50-100 ઇ-ચલણ મળ્યા છે, તેમનો રિપોર્ટ RTOને કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં છેલ્લા 8 મહિનામાં સસ્પેન્ડ કરાયેલા 583 વાહનચાલકોના લાઇસન્સમાંથી 60 કરતા વધુના 7 મહિના માટે, જ્યારે મોટા ભાગના વાહનચાલકોના 3 મહિના માટે ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે હિટ એન્ડ રન કે અન્ય કેસોમાં 180 દિવસ સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત ઇ-ચલણ વિભાગ દ્વારા વિભિન્ન ટ્રાફિક વાયોલેશન હેડના જણાવ્યા મુજબ, કરાયેલા ગુનાઓ માટે વાહનચાલકોને ઇ-ચલણ મોકલવામાં આવતા હોય છે.
સુરતમાં રોંગ સાઇડ વાહન ચલાવી પોતાના અને અન્ય વ્યક્તિઓના જાનમાલને નુકસાન કરતા વાહનચાલકો, જેમણે 5 કે તેનાથી વધારે વાર સાઇડમાં વાહન ચલાવી ગુનો કર્યો હોય અને સુરત શહેર ઇ-ચલણ વિભાગ દ્વારા જે વાહનચાલકોના 5 કરતા વધારે વાર રોંગ સાઇડમાં ઇ-ચલણ જનરેટ થયા હોય તેવા કુલ 5 હજાર 289 વાહનચાલકના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે RTO વિભાગ સુરત શહેરને રિપોર્ટ કરાયો છે.
સુરત શહેર ટ્રાફિક વિભાગ દ્વારા રોંગ સાઇડમાં જે વાહનચાલકો પોતાનું વાહન ચલાવે છે તેમને રોંગ સાઇડમાં પોતાનું વાહન ન ચલાવે એ બાબતે જાગ્રૃત કરાઇ રહ્યા છે. આખા સુરત શહેરમાં કુલ 80 ટીમ બનાવીને દરેક રિજન સર્કલ અને સેમી સર્કલ તરફથી જે વાહનો રોંગ સાઇડમાં ચલાવે છે તેમની સામે 1 મહિના અગાઉ ડ્રાઇવ કરવામાં આવી હતી, તેમાં કુલ 607 રોંગ સાઇડમાં પોતાના વાહન ચલાવતા વાહનચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે RTOમાં રિપોર્ટ કરાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp