અમદાવાદની SVP હૉસ્પિટલમાં દર્દીના વેજીટેબલ સૂપમાં નીકળી જીવાત

PC: divyabhaskar.co.in

અમદાવાદની SVP હૉસ્પિટલ કે જેની સુવિધાઓ માટે વખાણાય છે, પરંતુ દર્દી માટે ત્યાંની કેન્ટિનમાંથી મગાવેલી સૂપમાંથી જીવાત નીકળતા દર્દીના પરિવારજનોએ વીડિયો વાયરલ કર્યો છે. એ સિવાય અન્ય ઘણી સમસ્યાઓ વીડિયોમાં જણાવવામાં આવી છે. જેમાં દર્દી સાથે એક વ્યક્તિને રહેવા માટે પાસ આપવામાં આવે છે, પરંતુ લોકોની માગ છે કે, દર્દીઓ સાથે રહેવા માટે 2 પાસ ઇશ્યૂ થવા જોઈએ. જેથી એક વ્યક્તિ જાય તો તરત બીજી વ્યક્તિ દર્દી સાથે હાજર રહી શકે.

SVP હૉસ્પિટલમાં જે એજેન્સીને કેન્ટિનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેના દ્વારા 70 રૂપિયામાં વેજિટેબલ સૂપ આપવામાં આવે છે. ગઈ કાલે જ્યારે એક વૃદ્ધ દર્દી માટે તેના પુત્ર દ્વારા વેજિટેબલ સૂપ ઓર્ડર કરવામાં આવ્યો ત્યારે તે સૂપમાં જીવાત નીકળી હતી. ત્યારબાદ તેણે કેન્ટિનમાં ફરિયાદ કરી હતી, પરંતુ ત્યાંના સંચાલકો દ્વારા ગોળગોળ જવાબ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ અન્ય એક ઓર્ડર કરતા તેમાં ફક્ત પાણી જેવું સૂપ આપવામાં આવ્યું હતું. આ મામલે દર્દીના પરિવારજનો ગુસ્સે ભરાયા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના વડા ડૉ. ભાવિન જોશીએ જણાવ્યું હતું, આ બાબત મારા ધ્યાનમાં નથી. અમદાવાદ મહાનગરપાલિકા મામલે તપાસ કરશે. SVP હૉસ્પિટલના CEO ડૉ. સૌરભ પટેલે જણાવ્યું કે, જીવાત નીકળવાની એક ફરિયાદ મળી હતી. આ મામલે Apollo સિંદુરી હૉસ્પિટાલિટી મેનેજમેન્ટ કંપનીને નોટિસ આપવામાં આવી છે. આ એજન્સીને નોટિસ આપી ખુલાસો માગવામાં આવ્યો છે. દર્દીના સગાએ વીડિયોમાં જણાવ્યું હતું કે, ગઈ કાલે ઓપરેશન પછી મારા પિતાને ખાવા માટે કંઈક લેવાનું ડૉક્ટર કહ્યું હતું.

તેણે વીડિયોમાં આગળ જણાવ્યું કે, ડૉક્ટરે સૂપ પી શકાશે એમ કહેતા મેં વેજિટેબલ સૂપ મગાવ્યો હતો. સવારે 10:00 વાગ્યે સૂપ આવ્યું હતું, જેની અંદર મરેલી માખી હતી. ત્યારબાદ કેન્ટિનમાં 5-6 ફોન કર્યા બાદ લભગભ 11:30 વાગ્યે એક બીજુ સૂપ લઈને આવ્યા હતા. જેની અંદર કલરવાળું પાણી હોય તેવું લાગ્યું હતું. જેથી મેં કહ્યું કે વેજિટેબલ સૂપ મગાવ્યું છે જેના તમે 70 રૂપિયા લીધા છે તો આ વસ્તુ બરાબર નથી. હવે નીચે દર્દીને મૂકીને હું કેવી રીત જાઉં. છેવટે હું લગભગ 11:30 વાગ્યે B-1 બેઝમેન્ટમાં રેસ્ટોરન્ટમાં ગયો તો એ ભાઈ ફોનમાં વાત કરતા હતા.

તેણે આગળ કહ્યું કે, 5 મિનિટ ઊભો રહ્યો, પણ કંઈ સાંભળ્યું નહીં. પછી તેમણે કહ્યું કે બોલા સાહેબ શું હતું? હા...હા... તમારો ફોન આવ્યો હતો. મેં કહ્યું ફોન કર્યો એનું નહીં સૂપમાં જીવાત નીકળી એનું શું કરવાનું? તો એ ભાઈ સાંભળતા હતા. પછી મને આજુબાજુમાં વાત કરતા લોકો પાસેથી જાણવા મળ્યું કે, આ ભાઈને 2-3 જગ્યાએ ફૂડનું સપ્લાયનું ચાલે છે. સરકારને નમ્ર વિનંતી છે કે, આ વસ્તુ ચાલી ન શકે, આટલું સરસ બનાવ્યા પછી. બીજો એક વીડિયો બનાવ્યો છે તેમાં દર્દીના સગા બોલે છે કે, અત્યારે ચોથા માળે હું મારા પિતા સાથે છું, રાત્રે મારો ભાઈ હતો અને અત્યારે હું આવ્યો તો સિક્યોરિટીએ કહ્યું કે, તમારી પાસે વિઝિટિંગ પાસ છે નથી એટલે નહીં જવા દઉં.

જે એડમિટ પાસ છે જે બીજો આપ્યો છે એ જ જોઈશે. આથી મેં કહ્યું કે, સરકારે આટલી સરસ હૉસ્પિટલ બનાવી તો પેશન્ટની સાથે રહેવા માટે એક વ્યક્તિ હોય અને એ વ્યક્તિ પાસ લેવા નીચે આવે તો પેશન્ટની સાથે કોણ રહે? આથી સિક્યોરિટીએ કહ્યું કે, એ અમે જાણીએ નહીં, અમને જે કહેવામાં આવ્યું છે એ અમે કરીએ છીએ. દર્દીના સગાએ ત્યારબાદમાં જણાવ્યું કે, મેં એક વીડિયો બનાવ્યો અને સરકારને નમ્ર વિનંતી કે તેમાં કંઈક ફેરફાર કરવામાં આવે. દર્દી સાથે એક વ્યક્તિ રહેવી જરૂરી છે તો તમે દર્દી સાથે રહેવાના 2 પાસ ઇશ્યૂ કરો. જેથી રાતના એક વ્યક્તિ સૂતી હોય તો સાથે બીજી વ્યક્તિ આવી શકે. સિક્યોરિટીવાળા કહે છે કે, અમારો નિયમ એટલે નિયમ, અમે કશું ન જાણીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp