દેવું ઉતારવા પતિએ જ મિત્ર પાસે કરાવી પત્નીની કારની ચોરી
સુરતના ઉધના વિસ્તારમાં દેવું ઉતારવા માટે પતિએ જ પત્નીની કાર ચોરી કરાવી હતી. પત્નીએ નોંધાવેલી કાર ચોરીની ફરિયાદના આધારે ઉધના પોલીસે તપાસ દરમિયાન મહિલાના પતિનો ભાંડો ફોડી નાખ્યો હતો. CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વિલાન્સના આધારે ઉધના પોલીસે કાર ચોરીના ગુનાનું કોકડું ઉકેલી નાખ્યું હતું. એટલું જ નહીં, પોલીસ તપાસમાં પતિએ પોતાના મિત્ર પાસથી જ કાર ચોરી કરાવી હોવાનું સામે આવતા પોલીસ દંગ રહી ગઇ હતી.
હોલમાં ઉધના પોલીસે કાર ચોરીના ગુનામાં હાલ પતિની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. સુરતના ઉધના વિસ્તારમાં અજીબો-ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કાર ચોરીના ગુનામાં મહિલાના પતિએ જ કાર ચોરી કરાવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઉધના પોલીસ મથકેથી મળતી જાણકારી અનુસાર, ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા કંચનબેન રાજપુતે ઉધના પોલીસ મથકમાં કાર ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
કંચનબેને ઉધના પોલીસ ચોપડે આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, છઠ્ઠી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે તેમના ઘર બહાર પાર્ક કરેલી સ્વિફ્ટ ડિઝાયર કાર અજાણ્યો વ્યક્તિ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. કંચનબેનની ફરિયાદના આધારે ઉધના પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ઉધના પોલીસે સોસાયટીની આસપાસ લાગેલા CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વિલાન્સના આધારે ગુનાનો ભેદ ઉકેલી કાઢવા કમર કસી હતી.
આ દરમિયાન પોલીસ તપાસમાં કારની ચોરી કોઈ અજાણ્યા વ્યક્તિએ નહીં, પરંતુ મહિલાના પતિએ જ ચોરી કરાવવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. ઉધના પોલીસ દ્વારા કંચનબેનના પતિ ગોવર્ધન સિંહ લક્ષ્મણસિંહ રાજપૂતની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, તેના પર દેવું થઈ જવાના કારણે તે પૂરું કરવા તેણે આ કાર તેના મિત્ર ઇકબાલ પઠાણ પાસે ચોરી કરાવી હતી.
કાર ચોરી માટે ઈકબાલને કારની ચાવી પણ તેણે જ આપી હતી. વાહનો પર મોર્ગેજ લોન લીધી હતી. જેના કારણે દેવું વધી જતા તે લોનની ભરપાઈ કરી શકતો નહોતો. જેથી કાર ચોરીનો પ્લાન બનાવ્યો હોવાની વાત પોલીસને કહી હતી. ઉધના પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલી કાર પણ કબજે કરી ફરાર મિત્રની શોધખોળ હાથ ધરી છે. જો કે ઉધના વિસ્તારમાં સામે આવેલી ઘટનાને લઈ પોલીસ પણ દંગ રહી ગઇ હતી. હવે આરોપી પતિએ જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp