એકમાત્ર ધારાસભ્ય જેમણે 30 વર્ષ સુધી પગાર લીધો નહોતો
હાલમાં જ ગુજરાત વિધાનસભા સત્રમાં બધી રાષ્ટ્રીય પાર્ટીઓના ધારાસભ્યોએ પગાર વધારાને મંજૂરી આપીને ગજબનો સંપ દેખાડ્યો છે. વાત વાતમાં ઝઘડી પડતા, બહેસ કરવા લગતા, આરોપ-પ્રત્યારોપ કરતા ધારાસભ્યો પગાર વધારા મામલે એકસંપ બની રહ્યા છે. તો એવા સમયે જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂની યાદ આવ્યા વિના કેમ રહે? ચેમ્બર્સ ઓફ કોમર્સના પૂર્વ મંત્રી જયેન્દ્ર જોબનપુત્રાએ જણાવ્યું હતું કે, એકમાત્ર મહેન્દ્ર મશરૂ એવા ધારાસભ્ય છે, જેમણે 30 વર્ષ સુધી ધારાસભ્ય રહેવા છતા પગાર, ભથ્થા, વહાનભાડાં પરિવારને મળતી મેડિકલ સારવાર. મીટિંગ, સમારંભામાં થતા નાસ્તા, ભોજન, બસ કે રેલવે પાસ, વિમાની મુસાફરી, ગાંધીનગરમાં મળતો 330 ચોરસ મીટરનો પ્લોટ વગેરે કંઇ લીધું નથી.
એટલું જ નહીં કોર્પોરેશનના પ્રથમ મેયર બન્યા બાદ અઢી વર્ષ સુધી ઓફિસમાં AC પણ લગાવ્યું નહોતું. ત્યારબાદ વિપક્ષી નેતા પદ પર 5 વર્ષ સુધી રહેવા છતા કોઈ ભાડા, ભથ્થા લીધા નથી. ત્યારે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂનું કરિયર અન્ય ધરાસાભયો માટે પણ પ્રેરણાદાયી છે, જો લેવા માગે તો.
વર્ષ 2018માં ધારાસભ્ય અને મંત્રીઓના પગારમાં વધારો કરવાનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું અને વિધાનસભામાં ધારાસભ્યોના પાગાર ભથ્થામાં 25-35 ટકાનો વધારો કર્યો. આ પગારના વિરોધમાં જૂનાગઢના પૂર્વ ધરાસભ્યએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'અમે પ્રજાના સેવકો છીએ અમારે વધારો લેવો જોઈએ નહી, હું ધારસભ્ય હતો ત્યારે ભથ્થું તો ઠીક પણ કરોડોની કિંમતનો પ્લોટ પણ મેં નહોતો લીધો.’
ધારાસભ્યોના પગાર કોણ નક્કી કરે છે?
રાજ્ય સરકારો પોતે જ તેમના ધારાસભ્યોના પગાર અને ભથ્થા નક્કી કરે છે. મોટા ભાગના રાજ્યોમાં મુખ્યમંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ અને વિપક્ષી નેતાઓને સામાન્ય ધારાસભ્યો કરતા વધુ પગાર મળે છે. ધારાસભ્યોના પગાર અને ભથ્થા પણ મોંઘવારી પ્રમાણે વધતા રહે છે. મોટા ભાગના કિસ્સાઓમાં, સમિતિ દ્વારા પગાર અને ભથ્થામાં વધારો કરવાની ભલામણ કરવામાં આવે છે.
ગુજરાતના ધારાસભ્યોને પગાર કેટલો?
ગુજરાત રાજ્યના ધારાસભ્યોની વાત કરીએ તો તેમને 1.37 લાખ રૂપિયા પગાર મળે છે. ગુજરાતના ધારાસભ્યોનો બેઝિક પગાર 78,800 રૂપિયા છે. મૂળ પગારના 34 ટકા લેખે મોંઘવારી ભથ્થુ 26,700 રૂપિયા, 7,000 રૂપિયા ટેલિફોન બિલ, 5,000 રૂપિયા ટપાલ અને સ્ટેશનરી, 20,000 રૂપિયા અંગત મદદનીશ ભથ્થુ ચૂકવવામાં આવે છે. આમ ધારાસભ્યોનો કુલ માસિક પગાર 1.37 લાખ રૂપિયા જેટલો થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp